‘ઘરેલુ હિંસાથી સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫’ માર્ગદર્શન સેમિનાર

અમદાવાદના જુહાપુરા ખાતે ‘નારી વંદન ઉત્સવ’ના ભાગરૂપે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ ૨૦૦૫’ અન્વયે મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં ૧૫૦ લાભાર્થી બહેનોએ ભાગ લીધો હતો.

     અમદાવાદ જિલ્લામાં ઘરેલુ હિંસાથી પીડિત સ્ત્રીઓ મુખ્યત્વે પરિણીત સ્ત્રીઓ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપવા માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલાઓને ઘરેલુ હિંસા ૨૦૦૫ અંતર્ગત ઘરેલુ હિંસાથી બચવા માટે કેવી રીતે સજાગ રહેવું, તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

       જુહાપુરા વિસ્તાર ખાતે યોજાયેલા આ સેમિનારમાં હાજર ૧૫૦ લાભાર્થી મહિલાઓને ‘ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫’ના નિયમો અને હેતુથી વાકેફ કરવામાં આવ્યા. તેમને હિંસાનો ભોગ બનવાના કારણોથી પરિચિત કરાવવામાં આવ્યા. પરિણીત કે ઘરેલુ સ્ત્રીઓ જ મોટેભાગે ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે. આ હિંસા પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે ત્યારે આ તમામ પ્રકારના પરિબળોની જાણકારી હાજર મહિલાઓને આપવામાં આવી હતી. જેમ કે, શિક્ષણનો અભાવ, મહિલાના પરિવારમાં ગરીબીનું વાતાવરણ, સ્ત્રીમાત્રની લાગણી કે તેઓ પોતાનું ઘર તોડી ના શકે કે હિંસા વિરુદ્ધ અવાજ ના ઉઠાવી શકે. આ સિવાય, સમાજ કે માં-બાપ દ્વારા આપવામાં આવતું સામાજિક કે કૌટુંબિક દબાણ, અપૂરતું શિક્ષણ કે અન્ય કારણોસર કાયદાકીય જાગૃતિનો અભાવ હોવો એ ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ માટે જવાબદાર પરિબળો છે. શારીરિક જ નહીં; પરંતુ ઘરેલુ મહિલાઓ માનસિક ત્રાસ, જાતીય હિંસા અને આર્થિક હિંસાનો પણ સામનો કરતી હોય છે તેવી માહિતી સેમિનારમાં પૂરી પાડવામાં આવી.

      પારિવારિક હિંસાથી મહિલાઓ કેવી રીતે બચી શકે  અને તે માટે મહિલાઓ કોર્ટમાં ડી.આઇ.આર. (Domestic Incident Report) કરીને ન્યાય માંગી શકે છે. બધા પ્રકારની હિંસાથી મહિલાઓ કેવી રીતે પોતાનો બચાવ કરી શકે અને આ અધિનિયમ અંતર્ગત તેઓ કેવી રીતે કાયદાકીય કે અન્ય સહાય મેળવી શકે, તેની માહિતી હાજર મહિલા લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના પ્રયાસરૂપે મહિલાઓને ન્યાય સુનિશ્ચિત થાય અને મહિલાઓ જાગૃત થાય તે જ આ સેમિનારનો મૂળ હેતુ હતો.

       ‘નારી વંદન ઉત્સવ’ નિમિત્તે યોજાયેલા આ મહિલાલક્ષી કાયદાકીય સેમિનારમાં હાજર લાભાર્થી મહિલાઓ ઉત્સુક દેખાઈ આવી હતી. મહિલાઓએ હાજર દહેજ પ્રતિબંધક અધિકારી સાથે સંવાદ કરીને તેમની પાસેથી જાણકારી લેવાના પ્રયત્નો કર્યા હતાં. જુહાપુરા વિસ્તારની મહિલાઓમાં ઘરેલુ હિંસાનો રેશિયો વધારે હોઈ આ પ્રકારનો સેમીનાર તેમને મદદરૂપ સાબિત થશે અને સંપૂર્ણ રીતે હિંસામુક્ત સુરક્ષિત સમાજનું નિર્માણ થશે, તેવી ખાતરી આ સેમિનારમાં આપવામાં આવી હતી.

        ‘ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫’ અંતર્ગત નિમાયેલા રક્ષણ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સેવા આપનાર કાયદા અંતર્ગત જાહેર કરાયેલી સંસ્થા, વર્ગ-૧ મેજિસ્ટ્રેટ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાઓ સીધી ફરિયાદ કરી શકે છે અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં જઈને સીધી ફરિયાદ નોંધાવી શકે છે તેમ આ સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું. આ કાયદો દરેક મહિલાને શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે અને પારિવારિક હિંસાથી રક્ષણ મેળવવાની તક આપે છે. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી વર્ષમાં ચાર વાર આ પ્રકારના સેમિનારનું આયોજન કરે છે.

      આ સેમિનારના અધ્યક્ષ સ્થાને સામાજિક કાર્યકર ઈકબાલભાઈ સૈયદ તથા સમીરભાઈ બલોચ ઉપરાંત અન્ય હાજર મહેમાનોમાં ઈક્વિટાસ ટ્રસ્ટ સી.એસ.આર.ના મેનેજર મિલનભાઈ વાઘેલા, એપિક ફાઉન્ડેશનના ટ્રસ્ટી નસીમભાઈ દિવાન, એડવોકેટ સોનલબેન જોશી, દહેજ પ્રતિબંધક અધિકારી વૃતિકાબેન વેગડા અને કો-ઓર્ડીનેટર જીગ્નેશભાઈ સોલંકી તેમજ લાભાર્થી બહેનોએ હાજરી આપી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM