
સરકારી ઇજનેરી કોલેજ, વલસાડ દ્વારા સ્વતંત્ર ભારતને પ્રગતિશીલ ૭૫ વર્ષ પૂર્ણ થયાના હર્ષોલ્લાસથી સ્વાતંત્ર્ય દિવસની ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના આચાર્ય શ્રી ડૉ. વી. એસ. પુરાણીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સંસ્થા ખાતે ૩જી ઓગસ્ટથી અઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત અનેક પ્રવૃતિઓ સ્પર્ધાઓ, રેલીઓનું આયોજન કરવા ઉપરાંત તમામ ઇજનેરી વિદ્યાશાખાના બિલ્ડિંગ ઉપર તિરંગા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. ભારતના સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિતે સંસ્થા દ્વારા રાષ્ટ્ર માટે મહત્વનું યોગદાન આપનાર સમાજનાં વ્યક્તિવિશેષને સન્માનિત કરી શકાય અને તેમના જીવન કાર્યમાંથી સંસ્થાના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ પ્રેરણા લે તે હેતુપૂર્વકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનાં મુખ્ય અતિથી તરીકે ભારતીય એર ફોર્સના નિવૃત અધિકારી શ્રી દેબાશિષભાઈ ગાંગુલી તેમજ નિવૃત અધિકારી સાર્જન્ટશ્રી મહેશભાઈ સોલંકી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથી તરીકે સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં સમાજિક કાર્યકર શ્રી હિમાંશુભાઈ ગાલા તેમજ મહાલક્ષ્મી મિત્ર મંડળના પ્રમુખ શ્રી ચિરાગભાઈ બલસારા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને વાચા આપતા રંગારંગ કાર્યક્રમ તેમજ પર્યાવરણનાં જતન અંગે જાગૃતિ આવે તે હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન પણ કરાયું હતું. કાર્યક્રમના અંતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. કે. એલ મોકરિયા, પ્રો. જીગ્નેશ જોશી અને તેમની ટીમનાં સભ્યો દ્વારા કરાયું હતું.
