સખી મંડળના માધ્યમથી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

આત્મનિર્ભર મહિલાઓ થકી થઈ રહ્યુ છે સશક્ત સમાજનુ નિર્માણ

આણંદ જિલ્લામાં ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિના નિર્માણ – વેચાણ દ્વારા આસ્થા સખી મંડળની બહેનો મેળવી રહી છે આર્થિક સધ્ધરતા

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા માં ૨૧મી સદીના યુગમાં પુરૂષોની સાથે મહિલાઓ પણ ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. આજની મહિલાઓ ફકત ઘરકામ પુરતી સીમીત ન રહેતા, ઘરની ચાર દિવાલોમાંથી બહાર નિકળી આત્મનિર્ભર બની આત્મનિર્ભર સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આવી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર કટિબધ્ધ બની કાર્ય કરી રહી છે. સરકારની સખી મંડળની યોજના દ્વારા આજે અંતરીયાળ ગામની મહિલાઓ કૌશલ્યલક્ષી તાલીમ મેળવી આર્થિક રીતે સક્ષમતા પ્રાપ્ત કરી રહી છે. સખી મંડળના માધ્યમથી મહિલા આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે આણંદ જિલ્લાના ગામડી વિસ્તારની આસ્થા સખી મંડળની બહેનો. આ મંડળની બહેનો આજે ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી તેના વેચાણ દ્વારા રોજગારી મેળવી રહી છે.
આસ્થા સખી મંડળના કોમલબેન ચૌહાણ તેમના કહે છે કે, તેમનું સખી મંડળ ૯ વર્ષથી ચાલે છે, આ મંડળની બહેનો દ્વારા વર્ષ દરમિયાન રોજગારી અર્થે વિવિધ કામગીરી કરવામાં આવે છે. જેમાં પેચ વર્ક, નવરાત્રી માટે ચણિયા ચોળી, દિવાળી માટે દીવડા, તોરણ તેમજ ટેડીબિયર, ચપ્પલ, મોજડી અને સામાજિક પ્રસંગોએ કેટરર્સનું કામ પણ મંડળની બહેનો ખૂબ સારી રીતે કરે છે.
સખી મંડળની બહેનો દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવને ધ્યાને લઈ ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી તેના વેંચાણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગણપતિની માટીની મૂર્તિના વેંચાણ અંગે વાત કરતા કોમલબેન વધુમાં જણાવે છે કે, માટીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે. તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. આથી વધુમાં વધુ લોકો પી.ઓ.પી.ની મૂર્તિના બદલે માટીની મૂર્તિનો ઉપયોગ કરવાનુ પસંદ કરે છે અને તે ઇચ્છનીય છે. ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવતો હોઇ અમે ગણેશજીની માટીની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરીએ છીએ.
તેઓ માટીની મૂર્તિના કામ વિશે જણાવતા કહે છે કે, માટીની મૂર્તિ બનાવવા માટે ગુજરાત માટીકામ કલાકારી, ગાંધીનગર ખાતેથી અમે ટ્રેનિંગ લીધેલી છે, તેમજ અમને ત્યાંથી મૂર્તિ બનાવવા માટેની માટી પણ ૫૦% સબસીડીમાં મળી છે. માટીની મૂર્તિ બનાવવા માટે યોગ્ય વાતાવરણ ખુબ જ જરૂરી છે, આથી અમે ફેબ્રુઆરી મહિનાથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતુ. ગયા વર્ષે અમે માટીની ૫૦૦ મુર્તિઓનુ વેંચાણ કર્યુ હતુ. જેમા ખર્ચ બાદ કરતા રૂ. એક લાખનો નફો થયો હતો. આ વર્ષે અમારો લક્ષ્યાંક ૧૦૦૦ મુર્તિ વેચાણનો છે, જેમાથી અમને ખર્ચ બાદ કરતા અંદાજે
રૂ. એક લાખ સાઇઠ હજારનો નફો થશે. આ વર્ષે ૮૦% મૂર્તિનું વેંચાણ થઈ ગયું છે. લોકોમા પર્યાવરણની જાળવણી માટે જાગૃતતા વધી છે, એટલે મોટા પ્રમાણમાં લોકો માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદી રહ્યા છે.
ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી છે. આવી ઉપલબ્ધિઓ પૈકીની એક ઉપલબ્ધિ એટલે સખી મંડળના માધ્યમથી ગુજરાતની મહિલાઓનું થયેલું આર્થિક સશક્તિકરણ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM