
ખેડૂતોની આવક વધે અને જગતના તાતનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને તે માટે સરકાર સંવેદનશીલ સાથે સતત કાર્યશીલ છે : મંત્રીશ્રી

હવે સરકારશ્રી દ્વારા આપવામાં આવતો લાભ સીધો ખેડૂતોને જ મળે છે જે સરકારની પૂર્ણ સફળતા છે: મંત્રી શ્રી

કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષભાઈ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ભારત દેશને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે એવું ઉમેરતા તેમજ કાજલી એપીએમસીની સુવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, સરકારની ઈમાનદાર વ્યવસ્થાના પરિણામે વચેટિયાઓની નાબૂદી થઈ છે અને ખેડૂતો તેમજ વેપારીઓને યોગ્ય ફાયદો થયો છે. ગુજરાતની અલગ-અલગ એપીએમસી આ બાબતના મોડલ બન્યા છે. આઇખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતને ડિજિટલ સુવિધા મળતી થઈ છે. કૃષિ મહોત્સવના માધ્યમથી અલગ અલગ જાણકારી મળતી રહે છે. સોઈલ હેલ્થ કાર્ડ લાવી સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. સમગ્ર ભારતવર્ષના ખેડૂતોની ખેતપેદાશ પર કેન્દ્રમાં પણ ચર્ચા અને ચિંતન થાય છે. જે સરકારની જગતના તાત પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. સરકાર અને એપીએમસી સાથે મળી એક પારદર્શક વ્યવસ્થા ઉભી કરી છે અને ખેડૂત-વ્યાપારી તેમજ એપીએમસી એક ભાઈચારાના વાતાવરણ સાથે કામ કરી રહી છે.
આ કાર્યક્રમની શરૂઆતમાં એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ ચેરમેને મંત્રીશ્રીનું સોમનાથ મહાદેવની તસવીર પ્રતિકૃતિ આપી અભિવાદન કર્યુ હતું. જે પછી કેન્દ્રીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ મગફળી, નારિયેળનું ઉત્પાદન, ચણા, સોયાબીનનું ઉત્પાદન, કઠોળના ભાવ, કોમોડિટી, ટેકાના ભાવ વગેરે વિશે સૂચનો સહ સંવાદ સાધ્યો હતો.
આ પહેલા હેલિપેડ પર પ્રભારીમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સહિત ગીર સોમનાથના પદાધિકારીઓ અને અધિકારીઓએ મંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. જે પછી મંત્રીશ્રીએ બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવ્યું હતું અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાજલી ખાતે પદાધિકારીઓ સાથે મિટિંગ પણ યોજી હતી.
મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

