
મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરાયા

આણંદ ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગતયોજાયેલ આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ
રિપોર્ટ : બીના પટેલ
રાજયના ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે બે દાયકા પહેલાં દર્દીઓ આધુનિક સારવાર કે મોંઘી શસ્ત્રક્રિયાથી વંચિત રહેતા હતા ત્યારે તત્કાલિન મુખ્ય મંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પીએમજેએવાય-મા યોજના થકી રૂા. પાંચ લાખ સુધીની આધુનિક સારવાર ઉપલબ્ધ બનાવી હોવાનું જણાવ્યું હતું. તેમણે આજે આ આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી જન-જનના સ્વાસ્થ્યની દરકાર કરતી આ સરકાર હોવાનું ઉમેરી આ યોજના આજે ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે તારણહાર બની હોવાનું કહ્યું હતું.
આજે આણંદ ટાઉનહોલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાના યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે આણંદ જિલ્લાના લાભાર્થીઓને ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ આપીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી તેની ચિંતા કરતી આ સરકાર હોવાનું જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જિનની સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ, રોડ-રસ્તા હોય કે પછી કોઇપણ એવું ક્ષેત્ર નથી કે જેમાં ગુજરાતે મોખરાનું સ્થાન હાંસલ કરીને સૌનો સાથ-સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરી સરકાર ઉપર જનતા જનાર્દને જે વિશ્વાસ મૂકયો છે તે વિશ્વાસનું વળતર વિકાસથી આપીને ગરીબ-મધ્યમ વર્ગ સહિત અંત્યોદય સુધીના તમામ નાગરિકોની ચિંતા કરીને પુરૂં વળતર આપતી આ સરકાર હોવાનું જણાવ્યું હતું.
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, પહેલાં ગરીબી અને ખેતી ઉપર રાજકારણ થતું હતું તેના બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ હવે વિકાસનું રાજકારણ અપનાવ્યું છે. તેમણે વધુમાં આરોગ્ય ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહેવાની સાથે સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાતની સાથે હવગે સુપોષણ યુકત ગુજરાતનું નિર્માણ કરવા તરફ સરકાર આગળ વધી રહી હોવાનું ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, જન-ધન ખાતા, સ્વચછ ભારત, પ્રાકૃતિક ખેતી, કિસાન સમ્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ, મહિલા સશકિતકરણ, ગ્રામ વિકાસ, જળ વયવસ્થાપન, ગરીબ ઉત્કર્ષલક્ષી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓની ગાથા વર્ણવી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેતી સરકારના આ કાર્યમાં જન-જનને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે ૨૦ વર્ષ પહેલાંના સમયમાં કોઇપણ મોટી બિમારી આવે તો તેના ખર્ચને પહોંચી વળવા માટે લોકોને સમાજમાંથી ઉછીના પૈસા લેવા પડતા હતા, કે પછી જમીન કે દર-દાગીના ગીરવે મૂકીને પણ સારવાર કરાવવી પડતી હતી તેમાંથી જો મુકિત આપવાનું અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયની અંત્યોદય અને ગરીબ-મધ્યમ વર્ગના ઉત્થાન કરવાનું સપનું સાકાર કરવાનું જો કોઇએ કામ કર્યું હતું હોય તો તે તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં મા અમૃતમ યોજના થકી કરીને કર્યું હોવાનું જણાવી વર્ષ-૨૦૧૪માં વડાપ્રધાન બનતાં શ્રી નરેન્દ્રભાઇ મોદી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી કર્યું હોવાનું કહ્યું હતું.
શ્રી પટેલે આજે આ આયુષ્માન કાર્ડ યોજનાથી જન-જન વાકેફ થાય અને લાભાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે આવા કાર્યક્રમોના માધ્યમથી તેની જાણકારી મળી રહેતી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્ય સુખાકારી અને આરોગ્ય ખર્ચમાં તકલીફોનું નિવારણ કરવાની સાથે સમાજના દરેક વર્ગોની જો કોઇ ચિંતા કરતું હોય તો તે આ ડબલ એન્જિનની સરકાર કરી હોવાનું ઉમેરી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડના લાભથી કોઇ જરૂરિયાતમંદ લાભાર્થી રહી ન જાય તે માટે આડોશ-પાડોશમાં તેની જાણકારી આપી તેનો લાભ તેઓ લે તે જોવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરી ડબલ એન્જિનની સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલ સિધ્ધિઓની ગાણા વર્ણવી કોરોના કાળમાં આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવવાની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની દેશ-રાજયના નાગરિકોના આરોગ્ય સુખાકારી અને આરોગ્ય ખર્ચ સામે તારણહાર બની રહેનારી એવી આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ ગરીબ-મધ્યમવર્ગ સહિત જરૂરતમંદ તમામ લાભાર્થીઓને તેનો લાભ મળી રહે તે માટે જે યજ્ઞ આરંભ્યો છે તે બદલ ધન્યાવદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે નવી દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું તેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં વર્ષ-૨૦૧૨થી આજદિન સુધીમાં પીએમજેએવાય-મા યોજના હેઠળ કુલ ૨,૦૭,૮૩૭ કલેઇમ થયા છે જેના માટે કુલ રૂા. ૨૯૫.૫૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યા છે. જયારે હાલ જિલ્લામાં પી.એમ.જે.એ.વાય યોજના હેઠળ ૪.૩૨ લાખથી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા છે.
પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતી ડાઘે મેઘા મહેતાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી જયારે અંતમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પૂર્વિ નાયકે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી હેમાબેન પટેલ, આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબેન પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક
શ્રી જી. વી. દેસાઇ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આરોગ્ય કર્મીઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

