ગાંધીનગર જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીનની ઊપસ્થિતમાં યોજાયો
ગાંધીનગર




વિશ્વાસથી વિકાસયાત્રાનો ગાંધીનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીનના હસ્તે જિલ્લાના રૂ. 25 કરોડથી વધુના 333 વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીને આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ગુજરાતના ગામડાઓની ચિંતા કરી છે. ગુજરાતના છેવાડા માણસને પ્રાથમિક સુવિધાઓ મળે ત્યારે સાચી આઝાદી મળી કહેવાય. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નાણાં વિભાગ દ્વારા બજેટ ત્યાર કરવામાં આવતું હતું, ત્યારે તેઓ 65 થી 70 ટકા રકમ ગામડાઓના વિકાસ માટે ફાળવવા જણાવતા હતા.
ગાંધીનગરના વિકાસમાં અનેક આયામો પૂર્ણ થયાં છે. પહેલા દેશ-વિદેશમાંથી કોઈ આવે તો તેઓ દિલ્હીમાં જ રહેતા હતા. આજે ગિફ્ટ સિટી અને મહાત્મા મંદિર ગાંધીનગરની વિશેષ ઓળખ બન્યા છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં લોકોને જરૂરી સુવિધા પૂરી પાડવાનું કામ ગૃહમંત્રી અને ગાંધીનગર જિલ્લાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે. હાલમાં ગુજરાતની વિકાસયાત્રાની ગતિ ડબલ એન્જિન સરકાર થકી વેગવાન બની છે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યની શાસનધૂરા સંભાળી તે પછી રાજ્યમાં શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ ફેલાવી છે. શાળાએ આવતા બાળકોને જમવાનું, ડ્રેસ, પુસ્તકો અને અન્ય સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. જેની ફળશ્રુતિ રૂપે આજે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 2 ટકા જેટલો થઇ ગયો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે. દેશના ગરીબો અને સાચા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપવા માટે જનધન યોજના થકી બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 46 કરોડ લોકોના ખાતા બેંકમાં ખુલ્લી ગયા છે. સમગ્ર જિલ્લાના ગામડામાં 24 કલાક વીજળી આપવામાં આવી રહી છે. કોરોનાકાળમાં નાગરિકોને મફત વેક્સીન આપવામાં આવી છે.
ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ આ પ્રસંગે બોલતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘અંત્યોદયથી સર્વોદયનો વિકાસ’ મંત્ર આપીને નવી શક્તિ અને નવી ઊર્જા પ્રદાન કરી છે. ડબલ એન્જિનની સરકારે ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે. 20 વર્ષના વિશ્વાસ દ્વારા ગુજરાતે સાધેલા વિકાસની આ ઉજવણી દરમિયાન અનેક કલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચશે.
વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં રૂપિયા 25 કરોડથી વધુના 333 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં રૂ. 20 કરોડથી વધુના 175 કામોનું ખાતમુહૂર્ત કરવા આવ્યું છે. તેમજ રૂપિયા 5 કરોડથી વધુના 158 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, વિવિધ ગામોના સી.સી. રોડ, પાઇપલાઇન, પેવર બ્લોક અને ગટરલાઇનના કુલ રૂ.13.98 કરોડના ખર્ચે 21 કામો, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોમાં સી.સી. રોડ, સંરક્ષણ દિવાલ, જાહેર શૌચાલય,પાણીની પાઇપલાઇન, પેવર બ્લોક, બોર, વરંડા, શેડ, સ્ટ્રીટ લાઈટના કુલ રૂ.3.16 કરોડના ખર્ચે થનાર 99 કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. 2.05 કરોડના ખર્ચે નખાનાર પિયજ- ધરોઈ પાઇપલાઇનથી વિવિધ ગામોમાં તળાવો ભરવા માટે HDPE પાઇપલાઇન, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ.1.20 કરોડના ખર્ચે નવીન આંગણવાડી, પેવરબ્લોક, સામુદાયિક ખાતરનો ખાડો તથા વનીકરણ માટે ના 54 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ ગામોની ગટર લાઈન, પાણીની પાઇપલાઇન, પેવર બ્લોક, સી.સી.રોડ તથા નવીન પ્રાથમિક શાળાના કુલ રૂ. 1.50 કરોડના 39 કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા HDPE પાઇપલાઇન, ગટર લાઈન અને રીટેઇનીંગ વોલ મળી કુલ રૂ.1.57 કરોડના 4 કામોનું, વિવિધ ગામોમાં સીસી રોડ, પાઇપલાઇન કમ્પાઉન્ડ તથા સંરક્ષણ દિવાલના રૂપિયા 1.48 કરોડના ખર્ચે કરવામાં આવેલા 82 કામોનું અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગરના જિલ્લામાં નિર્માણ કરવામાં આવેલી નવીન આંગણવાડી, પંચાયત ઘર, વનીકરણ તથા પેવર બ્લોકના કુલ રૂ.82 લાખના ખર્ચે કરવામાં આવેલા 33 કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના આરંભે આયોજન અધિકારી શ્રી એન. જી. પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જિલ્લામાં થનાર વિવિધ વિકાસ કામોની રૂપરેખા રજૂ કરી હતી આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમાક શ્રી બી. કે. પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
