








200 વર્ષ પહેલા કચ્છ પ્રદેશની સુખાકારી માટે સ્વયં સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવની દિવ્યમૂર્તિ નિજ મંદિરમાં પધરાવી હતી જે પ્રસંગની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી ભુજ ખાતે વૈશાખ મહિનામાં યોજાનાર છે જેનું મુન્દ્રા તાલુકાના હરિભક્તોને વિધિવત આમંત્રણ આપવા માટે પધારેલ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગીતા જયંતીના પવિત્ર દિવસે ભુજથી પધારેલા 11 સંતોની આગેવાની હેઠળ ભગવાન નરનારાયણ દેવની દિવ્ય મૂર્તિ સાથે પધારેલ રથનું મુન્દ્રાની પાવન ધરતી પર મંદિરના સાંખ્યયોગી સામબાઈફઈની આગેવાની હેઠળ ભક્તિભાવ પૂર્વક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ બસ સ્ટેશનથી તાલુકા પંચાયત પાસેથી બારોઇ રાજમાર્ગ પર પસાર થઈને વાજતે ગાજતે સ્વામિનારાયણ મંદિરે પધાર્યું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો, સત્સંગી હરિભક્તો, મુન્દ્રા મંદિરની સાંખ્યયોગી બહેનો તથા યુવક – યુવતી મંડળ દ્વારા રથયાત્રાનું સામૈયું કરવામાં આવ્યું ત્યારે બેન્ડપાર્ટીની સુમધુર સુરાવલીઓ સાથે રંગીન ફુગાઓ અને પુષ્પવૃષ્ટિથી વાયુમંડળ ખીલી ઉઠ્યું હતું.
મુન્દ્રા મંદિરના પરિસરમાં યોજાયેલ સત્સંગસભામાં ડો. આનંદમુનિ સ્વામીએ આમંત્રણ આપતા જણાવ્યું હતું કે ભુજ ખાતે તારીખ 18 થી 23 એપ્રિલ દરમિયાન યોજાનાર દ્વિશતાબ્દી મહોત્સવમાં નગરજનોને બહોળી સંખ્યામાં પધારવા હાર્દિક નિમંત્રણ છે. માંડવીથી પધારેલ જયપ્રકાશ સ્વામીએ દૈનિક જીવન ચર્યામાં ભગવાનને સાથે રાખીને કાર્ય કરવાનું જણાવી દિવસમાં એક વખત ભગવાનની સન્મુખ સંવાદ કરવા મંદિરે આવવાનું વ્યસન રાખવું એમ જણાવ્યું હતું.
સભાનું સંચાલન કરતા મૂળ મુન્દ્રાના સ્વામી શ્યામકૃષ્ણજીએ કાર્યક્રમની ઝાંખી કરાવતા યુવક – યુવતી મંડળની પ્રવૃત્તિને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મંદિરના ટ્રસ્ટી હિતેશભાઈ ઠક્કર, હિતેશભાઈ વરસાણી, પુજારી કિર્તીભાઈ પરમાર, ડો. કેશુભાઈ મોરસાણીયા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
