



અમદાવાદના ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્ય કારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નવનિયુક્ત શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાનું સન્માન કરાયું હતું. આ કારોબારી બેઠકમાં તમામ પદાધિકારીઓએ શિક્ષણમંત્રીશ્રી સાથે સંવાદ સાધ્યો હતો. રાજ્ય કારોબારીની આ બેઠકમાં દરમ્યાન તમામ સંવર્ગના પ્રાંત, વિભાગ તથા જિલ્લા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં આવેલ સૌ સરસ્વતીના ઉપાસકોનું સ્વાગત કરૂં છું. તેમણે કહ્યું હતું કે, શિક્ષક એ કર્મચારી નથી પરંતુ રાષ્ટ્રનો સેવક છે, સમાજનો સેવક છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ આ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરીશું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ શૈક્ષિક મહાસંઘ સાથે તમામ શિક્ષક મિત્રો જોડાય અને પ્રચાર પ્રસાર થાય તે દિશામાં આપણે સૌએ કામ કરવાનું છે. વધુમાં શ્રી ડીંડોરે કહ્યું કે, આવનારા સમયમાં શિક્ષકના હિતમાં, બાળકોના હિતમાં અને સમાજના હિતમાં આપના સૂચનો અને સાથ સહકાર થકી યોગ્ય નિર્ણયો કરીશું. અંતમાં તેમણે કહ્યું કે, આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે સૌ આપણી જવાબદારી નિભાવીને રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન આપીએ.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, શિક્ષક એ બાળકના ઘડતરનું નિર્માણ કરે છે. શિક્ષક એ સમાજમાં આંબો ઉછેરે છે અને તેનું સંવર્ધન કરે છે. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, આજે ભારતીયતાનું મૂલ્ય વધી રહ્યું છે તે તમારા જેવા શિક્ષકોને આભારી છે. શિક્ષક પ્રત્યેનું સન્માન રાષ્ટ્રના પ્રત્યેક વ્યક્તિની આંખોમાં તેજસ્વીભર્યું હોવું જોઈએ.
આ કારોબારી બેઠકમાં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. અમીબહેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ ભારતરત્ન ડો. બાબાસાહેબના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટી છે. અમારી ટીમ નાની પણ કર્મઠ છે. વધુમાં તેમણે કહ્યું કે, અહીં નાખેલું બીજ વટવૃક્ષ બને છે માટે આજની કારોબારી બેઠકમાં આપણે શિક્ષણ વિશે કોઈ સારા વિચારના બીજ રોપીશું તો આવનારા સમયમાં એ વટવૃક્ષ બનશે જ. આ ઉપરાંત ડો. અમીબહેને જણાવ્યું હતું કે, મંત્રી શ્રી કુબેરભાઈ અને પ્રફુલભાઈ સાથે આ યુનિવર્સિટીનો જૂનો નાતો છે. તેમના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે નવી જવાબદારી સ્વીકારવવા તત્પર છે. આ કારોબારી બેઠકમાં રાજ્યભરમાંથી શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

