
સાઉથ ઇસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૬૪(મગોબ-ડુંભાલ), એફ.પી.નં.૯પ(રંગઅવધુત સોસાયટી)ની દક્ષિણે અને ટી.પી.સ્કીમ નં.૧૯ (પરવટ-મગોબ) ફા.પ્લોટ નં.૧(માધવબાગ સોસાયટી)ની ઉત્તરે ખાડી બ્રિજનું લોકાર્પણ માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાના વરદૂહસ્તે કરવામાં આવેલ.












આ પ્રસંગે માન. શાસકપક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂતે સ્વાગત પ્રવચન કર્યું હતુ. ત્યારબાદ માન. ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ એ જણાવ્યું કે સદર બ્રિજની કામગીરી માન. સંસદસભ્ય શ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી જેના કારણે અહીંથી પરિવહન માટે વિવિધ સમસ્યાઓ ઉપસ્થિત થતી હતી. એ તમામ સમસ્યાઓ આ બ્રિજના નિર્માણથી દુર થઇ છે. સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકા ઘ્વારા ઇન્ફ્રાસ્ટકચરમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે.
આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન કરતા માન. ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલે જણાવ્યું કે આ વિસ્તારની પાણીની આવક અને જાવકને ઘ્યાનમાં રાખી આવનારા પ૦ વર્ષ માટે આ વિસ્તારના લોકોને તકલીફ ન પડે તે માટે આ બ્રિજની ડિઝાઇનમાં નાના મોટા ફેરફારો કરવા બદલ તેઓ માન. સંસદસભ્ય શ્રી સી.આર.પાટીલનો આભાર વ્યકત કર્યો હતો. આ વિસ્તારના લોકોને ચોમાસામાં જે તકલીફો પડતી હતી તેના કારણે સુરત મહાનગરપાલિકા ઘ્વારા ખુબ જ ઝડપથી આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી આગામી ચોમાસા દરમ્યાન આ બ્રિજ સ્થાનિક રહીશો માટે આર્શીવાદરૂપ બનશે તેમ જણાવેલ.
આ પ્રસંગે પ્રવચન કરતા માન. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું કે આ વિસ્તારના લોકોને ચોમાસા દરમ્યાન પડતી સમસ્યાઓનો આજે અંત આવ્યો છે. સુરત મહાનગરપાલિકા ઘ્વારા ખુબજ ટુંકા ગાળામાં એટલે કે ફકત ૧ વર્ષના સમયગાળામાં આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.જે ખુબ જ સુંદર બન્યો છે. જે બદલ તેઓએ સુરત મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઉદબોધન કરતા માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાએ જણાવ્યું કે એક સમયે ૮૪ જેટલા દેશોના જહાજો જેના બંદરમાં લંગર કરતા એવો સમૃઘ્ધ ઇતિહાસ ધરાવતા સુરત શહેરની વર્તમાન પણ એટલી જ વૈભવશાળી છે. સુરત શહેર સમગ્ર ભારત દેશનું નંબર-૧ સ્માર્ટ સિટી પણ છે. બંને કાંઠાનાં નાગરિકોનાં તાણાવાણા આ પુલોનાં નિર્માણથી મજબૂત થયા છે. સુરત શહેરમાં કુલ ૧૧૭ નાના મોટા બ્રિજો આજદિન સુધી બનાવવામાં આવ્યા છે. પરવટ પાટીયાથી પરવટ ગામને જોડતા રસ્તા નજીક ખાડી કિનારે આવેલ માધવબાગ સોસાયટી નજીક જે તે સમયે ખાનગી ઇજારદાર ઘ્વારા લો લેવલ ખાડી બ્રિજ બનાવવામાં આવેલ. આ જુનો ખાડી બ્રિજના કારણે પાણીના વહેણને પુરતી પહોળાઇ મળી શકતી ન હતી. જેના નિવારણ અર્થે આ સ્થળે આવેલ આ જુના બ્રિજને દૂર કરી તેના સ્થાને નવા બ્રિજ બનાવવાનું કામ સુરત મહાનગરપાલિકા ઘ્વારા કરવામાં આવ્યુ છે તેમ જણાવેલ.
આ કાર્યક્રમમાં માન. ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ ઘોઘારી, માન. ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇ, માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, માન. પૂર્વ મેયર શ્રી નિરજંન ઝાંઝમેરા, માન. દંડક શ્રી વિનોદભાઇ પટેલ, માન. વિવિધ સમિતિ અઘ્યક્ષશ્રીઓ, માન.મ્યુ.સદસ્યશ્રીઓ, નગરજનો, મિડિયાના મિત્રો તથા અન્ય મહાનુભાવોશ્રીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ બ્રિજ બનવાથી ચોમાસા દરમ્યાન માધવબાગ તથા પર્વતપાટીયા વિસ્તારની આસપાસની સોસાયટીમાં ખાડીના પાણી ભરાવવાની સંભાવના નહિવત થઇ જવાથી માધવબાગ તેમજ ખાડી કિનારે આવેલ તમામ સોસાયટીઓને દર વર્ષ લો લેવલ ખાડી બ્રીજના કારણે આવતા ખાડી પુરથી રાહત મળશે અને સાથોસાથ પરવત પાટિયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના રહેવાસીઓ આ બ્રીજનો ઉપયોગ કરી સીધા મીડલ રીંગરોડ પર જઇ શકશે. જેથી આ વિસ્તારના લોકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુકિત મળશે તેમજ લોકોના સમય તથા ઇંધણમાં ઘણી બચત થઇ જશે અને પરિણામે હવાના તેમજ અવાજના પ્રદુષણમાં પણ ભારે ભરખમ ઘટાડો થશે.

