લોકરંજનની અનોખી કળા – કઠપુતળીનો ખેલ

કઠપુતળીની કળા અને કળાકારોને વૈશ્વિક મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે 21 માર્ચે ઉજવાય છે વિશ્વ કઠપુતળી દિવસ…



…………
કઠપુતળી નામ પડતાં જ બાળપણની એક અલગ જ મનોરંજનની દુનિયા માનસપટ પર છવાઇ જાય છે. ગામની શેરીમાં સ્ટ્રીટ લાઇટના ઝાંખા અજવાળે અથવા ફાનસ કે પેટ્રોમેક્સના અજવાળે કઠપુતળીના ખેલ શરૂ થાય ત્યારે માત્ર બાળકો જ નહીં વડિલો પણ આ કળાને માણવા ઊભા રહી જતાં હતા. એ સમયે ટીવી કે મોબાઇલ જેવા મનોરંજનના સાધનો ન હતા. આ લોકકળા જ લોકરંજનનું બળુકું માધ્યમ હતી.
આજે મોબાઇલ ટેકનોલોજી અને ટીવીએ મનોરંજનની દુનિયા બદલી નાખી છે. તેની સાથે આ લોકકળાના સ્વરૂપમાં પણ બદલાવ આવ્યો છે. ગાંધીનગરના વસંતોત્સવમાં કઠપુતળીનો ખેલ રજૂ કરતા કળાકાર પ્રભુભાઇ ભટ્ટ કહે છે, “આજે કઠપુતળીનું સ્થાન આધુનિક પપેટે લઇ લીધું છે.” તેમની વાત સાચી છે. સામાજિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ આપવાના સામર્થ્યને કારણે આજે પપેટનું મહત્વ અનેકગણું વધી ગયું છે. ખાસ કરીને બાળકોને પપેટ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગમાં પણ સફળતા મળી રહી છે. પપેટના આ મહત્વને ધ્યાને લઇને પપેટની કળાને વૈશ્વિક ઓળખ આપવા અને તેને રજૂ કરનારા કળાકારોને પ્રોત્સાહિત કરવા યુનેસ્કો સાથે સંકળાયેલી યુનિયન ઇન્ટરનેશનલ-દ-લા-મરીઓનેટે નામની સંસ્થાએ વર્ષ 2003થી સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 21 માર્ચને વિશ્વ કઠપુતળી દિન World Puppetry Day તરીકે ઉજવવાનું શરૂ કર્યુ હતું.
આમ તો ભારતમાં કઠપુતળીની કળા બે હજાર વર્ષ જૂની છે. કઠપુતળીની કળાની જનની રાજસ્થાનની ભૂમિ હોવાનું માનવામાં આવે છે. કઠપુતળીને પાતળી દોરીથી બાંધીને હાથના આંગળાથી કે લાકડીની મદદથી નચાવવામાં કઠપુતળીના કળાકારો માહેર હોય છે. ઇતિહાસના શૌર્ય અને પ્રેમ પ્રસંગોની પ્રસ્તુતિ આ કળાની ખાસ વિશેષતા રહી છે. ખાસ કરીને મહારાણા પ્રતાપ અને અમરસિંહ રાઠોડના પ્રસંગોને કઠપુતળીના માધ્યમથી રજૂ કરવાની પ્રથા બહુ જ પ્રચલિત છે. આ એક એવી કળા છે, જ્યાં વિવિધ કળાનો સંગમ જોવા મળે છે. અહીં નાટ્યકળા, ચિત્રકળા, મૂર્તિકળા, કાષ્ઠકળા, શણગાર, સંગીત અને નૃત્ય જેવી કળા એક સાથે જોડાયેલી જોવા મળે. છે.
પ્રાચીન સમયથી કઠપુતળીની કળા સામાજિક શિક્ષણનું સબળ માધ્યમ બની રહી છે. લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે આ કળાનો ઉપયોગ જૂનો અને જાણીતો છે. આજે બાળકો જે કાર્ટૂન જુએ છે તેના બીજ કઠપુતળીના ખેલમાં પડેલાં છે. લોકવાયકા પ્રમાણે ઔરંગઝેબના સમયમાં કઠપુતળીના ખેલમાં પૃથ્વીરાજ ચૌહાણ અને અમરસિંહ રાઠોડની શૂરવીરતા રજૂ કરાતી હતી. સ્થાનિક લોકોમાં બળવો થવાની આશંકાના કારણે ઔરંગઝેબે આ કળા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારથી કઠપુતળીના ખેલ કરનારે મુખથી સંવાદો બોલવાનું બંધ કરીને પિપૂડાથી સંવાદ રજૂ કરવાનું શરૂ કર્યું હોવાનું માનવામાં આવે છે.
પ્રાદેશિક વૈવિધ્યને કારણે કઠપુતળીની કળા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. ઓરિસ્સામાં તે સાખી કુંદેઇ, મહારાષ્ટ્રમાં માલાસૂત્રી બહુલી, કર્ણાટકમાં ગોમ્બેયેટ્ટા, તામિલનાડુમાં બોમ્મલટ્ટમ, કેરલમાં તોલપવકૂથુ તેમજ આંધ્રપ્રદેશમાં થોલુ બોમલતા તરીકે ઓળખાતી આ કળા ભારતના દરેક પ્રાંતમાં પ્રચલિત છે. ભારતમાં ટ્રેડિશનલ અને મોડર્ન એમ બે પ્રકારના કઠપુતળીકાર જોવા મળે છે પપેટના વિવિધ પ્રકારો પણ છે. જેમ કે ગ્લવ્ઝ પપેટ જે હાથમાં પહેરીને દર્શાવાય છે. રોડ પપેટ જે એક લાકડી સાથે જોડીને ઊંચેથી દર્શાવાય છે. શેડો પપેટ જેને છાયા-પ્રકાશના માધ્યમથી દર્શાવાય છે અને ટ્રેડિશનલ એટલે કે સ્ટ્રિંગ પપેટ જેમાં કઠપુતળીને દોરીથી બાંધીને આંગળાની મદદથી હલનચલન કરાવીને મનોરંજક પ્રસ્તુતિ કરવામાં આવે છે.
આજે મનોરંજન સાથે શિક્ષણ આપવા માટે પપેટ સબળ માધ્યમ છે. ઇંગ્લેન્ડ, ઇટાલી કે જર્મની જેવા દેશોમાં પણ પપેટના પ્રયોગો જોઇ શકાય છે. ભારતની આ પરંપરાગત કઠપુતળીની કળા આજે લગ્ન પ્રસંગે, હોટલ કે રિસોર્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જો કે આ કળાના ઉચિત ઉપયોગના અભાવે તે મૃતઃપ્રાય બનતી જાય છે. જાણીતા પપેટીયર શ્રી દાદી પદમજી કહે છે તેમ આ કળાને પસંદ કરતું ઓડિયન્સ ઊભું કરવું પડશે. પપેટમાં નવાં પ્રયોગો કરવાથી લોકોને ચોક્કસ આકર્ષી શકાશે. વાત તો સાચી છે. બાળકો માટેની દૂરદર્શનની પ્રસિદ્ધ સિરીયલ ગલી ગલી સિમ સિમ… માં આ પપેટ કળાનો બખુબી ઉપયોગ કરીને બાળકોમા મનોરંજન સાથે શિક્ષણના હેતુને સિદ્ધ કરવાનો સુંદર પ્રયાસ થયો છે. આવા પ્રયાસો વિશ્વભરમાં થતા રહે છે… એટલે જ આ કળા અને આ કળાને પ્રસ્તુત કરનારા કળાકારને પ્રોત્સાહિત કરવા અને તેમના મહત્વને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે 21 માર્ચનો દિવસ વિશ્વ કઠપુતળી દિવસ તરીકે ઉજવાય છે…

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *