છેલ્લા ત્રણ માસથી સમગ્ર જામનગર જિલ્લાને બાનમાં લેનાર કોરોના વાયરસ અંતે કૂણો પડ્યો છે અને હવે કોરોના વાયરસના વળતા પાણી હોય તેવી સ્થિતિ વચ્ચે જામનગરની જીજી કોવિડ હૉસ્પિટલમાં એક પછી એક વૉર્ડ બંધ થઈ રહ્યાં છે. અગાઉ છ વૉર્ડ બંધ થયાં બાદ વધુ પાંચ વૉર્ડ બંધ થતાં હવે ૨૨ પૈકી ૧૧ વૉર્ડમાં જ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને આજ સુધીમાં જીજીમાં કુલ ૧૨૮ જેટલાં દર્દીઓ સારવાર માટે દાખલ હોવાનું જાણવા મળ્યું છે. ઓકટોબર માસના પ્રથમ અઠવાડિયા સુધી જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રકોપ અવિરત વધ્યા બાદ છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોના સંકમણમાં દિવસે-દિવસે ઘટાડો નોંધાતા જીજી હૉસ્પિટલ ખાતેના કુલ ૨૨ કોવિડ વૉર્ડમાંથી હવે માત્ર ૧૧ વૉર્ડ જ ચાલુ રખાયાં છે. આ ૧૧ વૉર્ડ બંધ કરવામાં આવ્યાં છે, જે ખૂબ જ મોટા રાહતના સમાચાર છે. જામનગર જિલ્લામાં દરેડમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં તો કોરોના ચરમસીમાએ પહોંચી ગયો હતો. અને દૈનિક મોતનો આંકડો પણ બબ્બે આંકડામાં આવતો હતો. હાલમાં છેલ્લા અઠવાડિયાથી કોવિડ-બિનકોવિડ મૃત્યુનું પ્રમાણ સદંતર નિયંત્રણ આવ્યું છે અને હવે પૉઝિટીવ દર્દીઓનો આંકડો પણ સિંગલ ડિઝિટ થવા તરફ છે. હાલ કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં આરોગ્ય વિભાગ અને ખાસ કરીને કોરોનાની સારવાર માટેની મુખ્ય હૉસ્પિટલ એવી જીજી હોસ્પિટલનો સ્ટાફ પણ રાહત અનુભવી રહ્યો છે. આનંદની વાત તો એ છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે કોવિડ-સી હૉસ્પિટલ શરૂ કરાઈ હતી, પરંતુ જામનગરવાસીઓના સદ્દનસીબે આ હૉસ્પિટલના લોકોર્પણ બાદ ઉત્તરોત્તર દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાની મહામારીમાં અગાઉ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દરરોજ ૨૫૦ થી ૩૦૦ દર્દી સારવાર માટે આવતા જે હાલ ઘટીને ૧૦ થી ૧૫ સંખ્યા દર્દીઓની થઇ છે. તેમ છતાં લોકો એવું ના વિચારે કે જામનગરમાં સંપૂણ પણે કોરોના વાયરસ કાબુમાં આવી ગયો છે. લોકો બહાર નીકળે ત્યારે માસ્ક, સેનેટાઇઝર, અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરે તો જ આગામી દિવસોમાં આપણે કોરોનામાંથી સંપૂણ પણે નીકળી શકીશું તેમ જામનગરના ડોક્ટરએ લોકોને અપીલ સાથે વિનંતી કરી છે.

