અબડાસાની જનતા પ્રવ્યુમનસિંહના પ્રેમનું સવાયું વળતર આપી વિજયી બનાવશે
આજરોજ સાંજે સંપન્ન થયેલ અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના મતદાન બાદ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે સમગ્ર ચુંટણી પ્રક્રિયા સંપૂર્ણ બંધારણીય ઢબે શાંતિ પૂર્વક અને નિર્વિને પરિપૂર્ણ થતા ચુંટણીપંચ , સંલગ્ન વહીવટી તંત્રો , પોલીસ જવાનો , આરોગ્ય કર્મીઓ તેમજ સુરક્ષા દળો તથા પળ પળની સચોટ માહિતી જનતા સુધી પહોંચાડવામાં જેમનો સિંહફાળો છે એવા મીડીયાકર્મીઓનો ખાસ આભાર વ્યકત કર્યો હતો . સરહદી વિસ્તાર અબડાસાના મતદારોએ આજરોજ જે રીતે ઉમળકાભેર મતદાન પ્રક્રિયા સંપન્ન કરી હતી ત્યારે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલે પ્રદ્યુમનસિંહ જાડેજાને અબડાસાની પ્રજાનું આ પ્રચંડ જન સમર્થન જણાવી અબડાસાવાસીઓ પ્રદ્યુમનસિંહની ગત ત્રણ વરસની શ્રેષ્ઠ અને સમતોલ કામગીરીના બદલામાં આ વખતે સવાઈ સરસાઈ આપીને વિજયી વળતર આપશે એવો દમદાર દાવો રજૂ કર્યો હતો . કેશુભાઈ પટેલના જણાવ્યા મુજબ અબડાસાની ખમીરવંતી પ્રજાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેત્રદિપક નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ શાસનમાં અતૂટ વિશ્વાસ દર્શાવીને ત્રણ વરસના લેખા જોખાને અંતે પ્રદ્યુમનસિંહ જાડેજાની કામગીરીને પણ બખૂબી વધાવી છે અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના અદના આદમીથી માંડીને ઉજળીયાત વર્ગ સુધી સૌ કોઈ શ્રી જાડેજાની કામગીરીથી સંતુષ્ટ છે અને પ્રભાવિત છે ત્યારે અબડાસાનું હિત સદાય જેને હૈયે વસેલું છે એવા રૈયતના હમદર્દ સમાન સાચા જનસેવકને અબડાસાની જનતા આ વખતે વ્યાજ સાથેનું વિજયરૂપી વળતર ચૂકવશે એમાં હવે તલભાર પણ સંશય નથી . આજરોજ અબડાસા મત વિસ્તારમાં વહેલી સવારથી જ સ્વયંભૂ રીતે મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ વર્તાતો હતો જે લોકોની જાગૃતિ અને બંધારણીય પ્રક્રિયામાં વિશ્વાસ દર્શાવે છે . મતદાતાઓ ખરા અર્થમાં દેશના ભાગ્ય નિર્માતા છે ત્યારે અબડાસાવાસીઓને મતદાન પ્રક્રિયામાં જોડાવા બદલ કેશુભાઈ પટેલે અંતઃકરણ પૂર્વકની આભારની લાગણી વ્યકત કરી હતી . આ પેટા ચુંટણીને નિર્વિને અને નખશીખ તટસ્થતા પૂર્વક સંપન્ન કરાવવા બદલ ચુંટણીપંચ અને વહીવટી તંત્રો સહિત હાલમાં પ્રવર્તી રહેલી કોરોનાની મહામારીને લીધે આરોગ્ય તંત્રના કર્મયોગીઓનું યોગદાન પણ ખૂબ પ્રશંસાને પાત્ર રહ્યું છે . સાથો સાથ લોકોએ પણ સજાગતા દર્શાવીને સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ પુરતું સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને સાવધાની પૂર્વક મતદાન કર્યું એ બદલ અબડાસાની જનતા પ્રત્યે પણ તેમણે હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો . આ પેટા ચુંટણીને સફળ બનાવવા માટે ચૂંટણીપંચ સાથે કલેકટર , આર.ટી.ઓ. , એસ.ટી. નિગમ , પી.જી.વી.સી.એલ સહિતના તમામ વહીવટી તંત્રો અને સરકારી એકમોનો પણ તેઓએ ખાસ આભાર માન્યો હતો . સમગ્ર પ્રક્રિયાને બિલકુલ ભયરહિત અને શાંતિમય બનાવવામાં જેઓએ સમગ્ર દિવસ દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો એવા સૌ જાંબાઝ સુરક્ષાકર્મીઓ અને પોલીસ અધિકારીઓ પ્રત્યે પણ તેમણે ખૂબ અહોભાવની ભાવના દર્શાવી હતી . લોકશાહીના સ્તંભમાં ચોથી જાગીર ગણાતી મીડીયાના સભ્યોએ પણ લોકશાહીના સાચા સાધક બનીને પ્રજાજનો સુધી ક્ષણે ક્ષણની નિષ્પક્ષ અને સચોટ માહિતી પહોંચાડી હતી ત્યારે આવા સૌ પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીક મીડીયાના ભાઈઓ પ્રત્યે પણ તેમણે ખાસ કૃતન ભાવ દર્શાવી આભાર માન્યો હતો . અંતમાં તેમણે મહિનાઓથી અવિરત , અવિરામપણે મહેનત કરતા કચ્છ જિલ્લા ભાજપ પરિવારના તમામ માનવંતા મોવડીઓ , વડીલો , સંગઠનના હોદેદારો , ચુંટાયેલા પ્રતિનિધીઓ , વિવિધ સેલ / મોરચાના પદાધિકારીઓ તથા ભાજપની ઉજળી પ્રણાલીના વાહક એવા સૌ કર્મનીષ્ઠ કાર્યકરોની વિશાળ ફોજનો પણ અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ ઠકકરની યાદીમાં જણાવાયું હતું .

