એમ.પે.ડા.અને નેટફિશ દ્રારા સ્વચ્છતા અભિયાન યોજાયું
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વેરાવળ બંદરમાં એમ.પે.ડા અને નેટફિશ દ્રારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બંદરમાં આવેલ ઓક્સન હોલમાં અને રોડ પરથી મોટી સંખ્યામાં સુકો અને ભીનો કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ત્યાં ઉભરાયેલી ગટરના પાણીનું યોગ્ય રીતે નિકાલ કરી સ્વચ્છતાની પહેલ કરવામાં આવી હતી.
સ્ટેટ કોડીનેટર જીજ્ઞેશભાઇ વિસાવડીયાએ સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવા માટે પ્રયાસો હાથ ધરી જણાવ્યું હતું કે, વેરાવળ બંદર માંથી દર વર્ષે કરોડો રૂપિયાની માછલીઓની નિકાસ કરવામાં આવી રહી છે. વિદેશ માંથી માછલીની નિકાસ અને ગુણવત્તામાં વેરાવળ બંદરનો મહત્વનો ફાળો રહ્યો છે. એટલા માટે આપણા સૌ ની સામાજીક ફરજના ભાગરૂપે આપણે હંમેશા દરરોજ માટે બંદરને ચોખ્ખુ સ્વચ્છ રાખવાની ખાસ જરૂર છે. જેના ઉપર આપણી રોજગારી નિર્ભર છે. બંદરમાં માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના વિસ્તારમાં દરરોજ સફાઈ રાખે. ગમે ત્યાં કચરો ન ફેકે અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે. ઉપરાંત ગંદા પાણીનો પણ નિકાલ યોગ્ય જગ્યાએ કરવો અને બંદરને સ્વચ્છ રાખવા સહભાગી થવા કહ્યું હતું.
આ તકે બી.એ.યાદવ એજ્યુકેશનના પ્રમુખ કાનજીભાઈ યાદવ, સ્વચ્છ અભિયાનને સાર્થક કરવા ફિશરીઝ વિભાગનો સ્ટાફ, સામાજીક અગ્રણીઓ, ફિશરિઝ કોલેજની વિધાર્થીનીઓ, મહિલા સફાઈ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા. સફાઈ અભિયાનનું સફળ સંચાલન એમપેડાના કર્મચારીઓએ કર્યું હતું. સફાઈ અભિયાનમાં સહભાગી થનાર તમામ લોકોને ભોજન પિરસવામાં આવ્યું હતું.



