
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માન.વડાપ્રધાનશ્રીના વરદ્ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ , ઈ-ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાનાર છે.
તા.૧૦- પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામ્ય) અંતર્ગત આગામી તા.૧૨/૦૫/૨૦૨૩ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે માન.વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ , ઈ-ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાનાર છે. તાપી જિલ્લામાં ૬૬ ગામોમાં ૧૪૭ આવાસોના ઈ-લોકાર્પણ યોજાશે.
તાપી કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થનાર છે. ત્યારે આવાસ લોકાર્પણ નિમિત્તે અમલીકરણ અધિકારીશ્રીઓએ તેમની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. વધુમાં અમૃત સરોવર ધરાવતા ગામો તેમજ ૬૬ ગામોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે,શાળા અને ગ્રામપંચાયત જેવા જાહેર સ્થળોએ વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ સંકલનમાં રહી સુંદર કાર્યક્રમ યોજાય તે માટે સહિયારો પ્રયાસ કરવાનો રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે તાપી જિલ્લાના આવાસ લોકાર્પણ પ્રસંગે ગ્રામસફાઈ, વાનગી હરીફાઈ, રાજ્યપાલશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોનો પણ કાર્યક્રમ યોજાય અને વૃક્ષારોપણ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ,પોલીસ સુરક્ષા,આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડીની ટીમ તમામ સ્થળોએ તૈનાત રહેશે. વાલોડના દેગામાં ગામે લાભાર્થી સાથે વડાપ્રધાનશ્રી ટુ વે સંવાદ કરશે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ નિયામકશ્રી આર.એચ.રાઠવાએ કહ્યું હતું કે કુલ ૬ તાલુકાના ૬૬ ગામોમા; ૧૪૭ આવાસોનું લોકાર્પણ કરાશે. આવાસ યોજનામાં લાભાર્થી ૬ મહિનામાં આવાસ પૂર્ણ કરે તેને પ્રથમ હપ્તાના રૂા.૧,૨૦,૦૦૦ તથા રૂા.૨૦,૦૦૦ પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. તથા રૂા.૨૦,૬૧૦ મનરેગા હેઠળ રોજગારી ચૂકવવામાં આવે છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી,સ્ટેટ માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેરશ્રી મનીષભાઇ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર ધર્મેશ પટેલ,જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા,પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
