



એન.ડી.ડી.બી. ખાતે જી-૨૦ અંતર્ગત ડબલ્યુ-૨૦ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ : બીના પટેલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતવર્ષમાં મહિલા સશક્તિકરણના અનેક આયામો સર કરાયા છે તેના પરિણામે જી-૨૦ અન્વયે આજે સમગ્ર વિશ્વ એ ભારતના નેતૃત્વની કમાન સંભાળતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલા વિકાસના આહવાનને અપનાવી લીધું છે. તેમ સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ એન. ડી. ડી.બી. ખાતે યોજાયેલ જી-૨૦ અંતર્ગત જન ભાગીદારી- વુમન-૨૦ (W-20) કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું.
મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ એ આણંદના એન.ડી.ડી.બી. સ્થિત ત્રિભુવનદાસ પટેલ ઓડીટોરીયમ ખાતે યોજાયેલ જી-૨૦ અંતર્ગત જન ભાગીદારી- વુમન-૨૦ (W-20) કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતુ કે મહિલાઓના સમાજ પ્રત્યેના યોગદાનને સમ્માનિત કરી, ડેરી અને સહકારી ક્ષેત્રમાં મહિલાઓના નેતૃત્વમાં વધારો કરવો કે જેનાથી ટકાઉ વિકાસમાં તેમની ભાગીદારીને વધારી શકાય તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે.
મંત્રીશ્રી વિશ્વકર્માએ પ્રાંસગિક ઉદ્દબોધન કરતાં સરદાર વલ્લભભાઇ પટેલ અને ત્રિભુવનદાસ પટેલના સહકારી ક્ષેત્રના અમૂલ્ય યોગદાનથી વિકસીત અમૂલની ૭૫ વર્ષની સફળતામાં જનભાગીદારીના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે વુમન-૨૦ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે આજે આ કાર્યક્રમમાં સહભાગી બનતા ગર્વની લાગણી અનુભવાય છે. આપણા દરેકના જીવનને સરળ અને સમૃદ્ધ બનાવવામાં સ્ત્રીઓનો ફાળો બહુમૂલ્ય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈએ મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ કાર્યો કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.
શ્રી વિશ્વકર્માએ આપણા દેશમાં સવારથી મોડી રાત સુધી ઘરકામની સાથે પશુપાલન અને ખેતીમાં પણ યોગદાન આપતી મહિલાઓ જન્મથી જ મેનેજમેન્ટનું શ્રેષ્ઠ જ્ઞાન ધરાવતી હોય છે તેમ જણાવી દેશના વિવિધ રાજ્યોની સહકારી મંડળીઓમાં મહિલા સભ્ય સંખ્યા અને મહિલા નેતૃત્વના વધેલા પ્રમાણથી દેશમાં ડેરીક્ષેત્રમાં થયેલી ગતિમાન વૃદ્ધિ એ માત્રને માત્ર મહિલાઓના સખત પરિશ્રમને કારણે શક્ય બન્યુ છે તેમ ઉમેર્યુ હતું.
મંત્રીશ્રીએ ડેરી અને પશુપાલન ક્ષેત્રે આગામી સમયની જરૂરીયાતને સમજીને તે વિશે સુચારૂ આયોજન કરવુ જોઇએ તેમ કહી કમ્યુનીટી તબેલા અને કમ્યુનીટી મંડળીના ખ્યાલ થકી નવીન ડિઝાઇન તૈયાર કરવા પર સૌનું ધ્યાન દોર્યુ હતુ કે જેથી આવનારી પેઢીઓ પણ ડેરી અને પશુપાલન ક્ષેત્રે જોડાઇને પોતાનું યોગદાન આપી શકે અને આત્મનિર્ભર બની શકે. એ સાથે તેમણે દૂધ ઉત્પાદન નિર્માણ ખર્ચમાં ઘટાડો કરી શકાય તેવી ટેકનોલોજી વિકસાવવી જોઇએ જેથી માંગ અને પુરવઠા વચ્ચેના અંતરને દૂર કરી શકાય તેમ વધુમાં ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ વિડીયો સંદેશ દ્વારા સહકારીતા પર આધારિત ડેરી, પશુપાલન અને વિવિધ ક્ષેત્રે મહિલાઓએ આપેલા અભૂતપૂર્વ યોગદાનને વખાણી આવનારા સમયમાં વધુને વધુ મહિલાઓને પગભર બનાવી મહિલાઓના નેતૃત્વમાં વધારો કરવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમની સરાહના કરી હતી. તેમણે મહિલાઓ હમેશા પુરૂષો કરતા વધારે જવાબદારીપૂર્વક કાર્ય કરતી હોવાનું કહી મહિલાઓની બહાદૂરી, સૂઝબૂઝ, કર્તવ્યનિષ્ઠા, સમજદારી જેવા ગુણોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્ર સરકારના ડેરી અને પશુપાલન વિભાગના સચીવશ્રી અલકા ઉપાધ્યાય, આઇ.ડી.એફ.ના પ્રમુખશ્રી કેરોલીન, કેન્યા ડેરી સહકારી મંડળીના પ્રમુખશ્રી માર્ગરેટ, ડબલ્યુ-૨૦ના ભારતના પ્રતિનિધી સંધ્યા કુરેચા, વુમન-૨૦ના ડેલિગેટ અને ભૂતપૂર્વ આઇ.પી.એસ. ભારતી ઘોષ, જી.સી.એમ.એમ.એફ. ના પ્રમુખશ્રી શામળભાઇ પટેલ, અમૂલના પ્રમુખશ્રી વિપુલભાઇ પટેલ, જી.સી.એમ.એમ.એફ. ના મેનેજિંગ ડાયરેક્ટર જયંત મહેતા સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. જ્યારે એન.ડી.ડી.બી, આણંદના ડૉ. મિનેશભાઇ શાહે કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જ્યારે વુમન-૨૦ના ચીફ કોર્ડિનેટર ધ્યાત્રી પટનાયકે આભારવિધી કરી હતી.
આ કાર્યક્રમમાં ડેરીઉદ્યોગ અને પશુપાલનને અપનાવીને આત્મનિર્ભર બની દેશની તમામ મહિલાઓને મહિલા સશક્તિકરણનું દ્દ્ષ્ટાંત પૂરૂ પાડતી મહિલા દૂધ ઉત્પાદક અને પશુપાલકોની સાફલ્યગાથા રજૂ કરવામાં આવી હતી. સાફલ્યગાથા રજૂ કર્યા બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનૂભાવોના હસ્તે આ દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાની મહેનતથી અને સરકાર તેમજ એન.ડી.ડી.બી.ના સહયોગથી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવાનું ઉદાહરણ મહિલાઓનું બહુમાન કરવમાં આવ્યુ હતું. એ સાથે જ કેન્દ્ર સરકારના એફ.પી.ઓ પ્રોજેક્ટ અંતર્ગત સૌ પ્રથમ પસંદગી પામનાર “વાયનાડ ગ્રામ વિકાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડને રૂ. ૪.૦૪ લાખની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ દેશોથી આવેલા ડેરી અને પશુપાલન ક્ષેત્રના ડેલીગેટ્સ, વિવિધ રાજ્યોથી આવેલા સહકારી મંડળીઓના પ્રતિનિધીઓ અને ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં કાર્યરત લોકો સહિત મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા હતા.
