
રિપોર્ટ : બીના પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે જ સંકળાયેલી છે. ’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે, સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન આગામી ૯મી ઑગસ્ટથી આરંભાશે. ૯મી ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી ગ્રામકક્ષાએ કાર્યક્રમો યોજાશે, ત્યાર બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે અને ઑગસ્ટ મહિનાના અંતમાં મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજવાનું આયોજન છે.
’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં આયોજિત વિડિયો કોન્ફરન્સમાં આણંદ કલેક્ટર શ્રી ડી.અએસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર સહિત અધિકારીઓ જોડાયા હતા.
’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા અમૃત સરોવર અથવા ગામના જળાશય કે પછી શાળા/કૉલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોના નામવાળી તક્તી (શિલાફલકમ્) સ્થાપિત કરવામાં આવશે તથા સ્વાતંત્ર્યસેનાનીઓ, શહીદ થયેલા આર્મી તથા પોલીસ સહિતના વિભાગના જવાનોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવશે.
ગામથી તાલુકામથક સુધીની માટી યાત્રા પણ યોજવામાં આવશે, જેમાં ગામની માટીને તાલુકા સ્તરે પહોંચાડવામાં આવશે. દરેક તાલુકામાં બધા ગામોની માટી ભેગી કરીને એક કળશ ભરવામાં આવશે, જેને દિલ્હી પહોંચાડવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ગામ સ્તરે ‘વસુધા વંદન’ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત ગામનાં બાળકો, યુવાનો અને નાગરિકો પાંચ પ્રણ માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ થશે. હાથમાં માટી કે માટીનો દીવો લઈને તેઓ આ પ્રતિજ્ઞા લેશે અને એની સેલ્ફી લઈને આ અભિયાનના ખાસ વેબપેજ પર અપલોડ કરશે તો તેમને ઈ-સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, એવું આયોજન કરવામાં આવ્યું છે.
દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાવવા માટે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને માતૃભૂમિ, શહીર વીરો તેમજ જમીન-માટીનું મહત્ત્વ સમજાવવા અને તેના પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના કેળવવાનો છે.
વિડિયો કોન્ફરન્સ બાદ કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
વિડિયો કોન્ફરન્સમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, મામલતદાર શ્રી પાર્થ ગોસ્વામી સહિત અન્ય વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા.
