માનવધર્મ ગરિમા ઉજાગર કરતા ડોક્ટર અને પ્રાધ્યાપકો રક્ત એટલે કે લોહી જાતિ, ધર્મ કે લિંગનો ભેદભાવ જોતુ નથી, એ માત્ર માનવ શરીરને ઓળખે છે. વિજ્ઞાન રક્તને હજુ સુધી લેબોરેટરીમાં બનાવી શક્યું નથી. જે માત્ર માનવ શરીરમાં કુદરતી રીતે સતત બનતું રહે છે. રાજકોટ સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ, પ્રસૂતા મહિલાઓ, અકસ્માત તેમજ સર્જરીના કિસ્સાઓમાં માસિક એક હજારથી વધુ બોટલ્સ લોહીની સતત જરૂરિયાત ઉભી થતી હોવાનું મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર અને કોવીડ હોસ્પિટલમાં કાર્યરત ડો. આરતી ત્રિવેદી જણાવે છે. દર્દીઓની લોહીની જરૂરિયાતને સતત પહોંચી વળવા લોકો તેમજ સંસ્થાઓ દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે. રાજકોટ સિવિલ ખાતે હાલ લોહીની જરૂરિયાતને ધ્યાને લઈ પી.ડી.યુ મેડિકલ કોલેજના બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હોવાનુ ડો. આરતીએ કહ્યું છે. રક્તદાન કેમ્પ નિમિતે પેથોલોજી વિભાગમાં સહ પ્રાધ્યાપક અને બ્લડ બેન્ક ઇન્ચાર્જ ડો. શિલ્પા જણાવે છે કે, અમારી બેન્ક માંથી મહિને ૩૫૦ જેટલા થેલેસેમિયાના દર્દીઓને નિઃશુલ્ક બ્લડ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત જુદી જુદી સર્જરી અને ગાયનેક વિભાગમાં લોહીની જરૂરિયાત હોઈ તેમને બેન્કમાંથી લોહી પૂરું પાડવામાં આવે છે. એનજીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા જુદા જુદા કેમ્પમાંથી લોહી મળી રહે છે પરંતુ હાલની પરિસ્થતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નહિવત થતું હોઈ હાલ લોહોની ખપતને પહોંચી વળવા મેડિકલ કોલેજ ખાતે મેડિકલ ટીચર્સ એસોસિએશન, મેડિકલ જુનિયર ડોક્ટર્સ એસોસીએશનના રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટર્સ દ્વારા પણ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે. નિયમિત રક્ત દાન કરતા ડો. અનુપમ બેનર્જી કોમન બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ ધરાવે છે. કોમન બ્લડ હોવા છતાં જો ઓ ગ્રુપના લોહીની પણ જરૂરિયાત રહેતી હોઈ તો અન્ય રેર ગ્રુપ માટે ખુબ મોટી સંખ્યામાં ડોનર્સ જરૂરી હોવાનું ડો. બેનર્જી જણાવે છે. તેઓએ ખાસ અપીલ કરી જરીરુયાતમંદ દર્દીઓને લોહી રૂપી મહાદાન કરી માનવધર્મ નિભાવવા આગળ આવવા જણાવ્યું છે. કહેવાય છે કે રક્તદાન એ મહાદાન છે. મુશ્કેલીના સમયમાં આ દાન થકી અનેક લોકોના જીવનમાં ચેતનાનો નવસંચાર કરી સામાજિક ઉત્તરદાયિત્વ આપણે નિભાવીએ.




