
‘બોલ મારી અંબે જય જય અંબે‘ અને જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું.

આજરોજ પ્રથમ નોરતે ધારાસભ્ય રીટાબેન પટેલના નિવાસસ્થાને સહાય ફાઉન્ડેશન દ્વારા અયોધ્યાથી લવાયેલ ભગવાન શ્રી રામની પાદુકાઓનું પૂજન અને આરતી કરાઇ હતી. જ્યાંથી ભવ્યાતિભવ્ય‘શ્રી રામ પાદુકા શોભાયાત્રા‘ પંચદેવ મંદિર (સે.૨૨), હવેલી મંદિર (સે.૨૧), સિદ્ધિ વિનાયક મંદિર (સે.૨૧), ચ-૬ સર્કલ, વૈજનાથ મહાદેવ મંદિર, ઘ-૬ સર્કલ, ઘ-૫ સર્કલ, હનુમાનજી મંદિર (સે.૧૭) થઈ કેસરિયા ગરબા મહોત્સવ સ્થળે પહોંચી હતી જ્યાં વિધિસર પૂજા બાદ શ્રી રામની અખંડ જ્યોત અને પાદુકાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું.








શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. ભાવિકોએ કેસરી સાફો પહેરતા તેમજ કેસરિયા ધ્વજાઓથી સમગ્ર શોભાયાત્રા કેસરિયામય બની હતી. વિશાળ શોભાયાત્રાનું સમગ્ર રૂટ પર વિવિધ સ્થાનોએ સ્થાનિકો દ્વારા પુષ્પવર્ષા થી સ્વાગત કરાયું હતું. પંચદેવ મંદિર, હવેલી મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ ગુરુકુળ સે.૨૩ ખાતે ધાર્મિક સંતો મહંતો દ્વારા સ્વાગત કરાયું હતું. નાસિક ઢોલ તેમજ ડી.જે તાલે ભાવિકો મન મૂકીને ઝૂમ્યા હતાં. ‘બોલ મારી અંબે જય જય અંબે‘ અને જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કેસરિયા ગરબા ખાતે શ્રી રામ મંદિરની ૧૦૧ ફૂટ ઊંચી પ્રતિકૃતિમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, જાનકી માતા, અને હનુમાનજીની દ્રશ્યમાન મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે.
