
સમગ્ર દેશના ખુણે ખુણાનું ગામડું વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનાં લાભને ઘર આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આજે ટંકાર તાલુકાના હિરાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોક કલ્યાણી યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા.

આ પ્રસંગે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે આપણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું જે આગમન થયું છે તેનો મુખ્ય ઉદ્દેશ સરકાર શ્રીની યોજનાઓનાં લાભથી કોઈ વંચિત ન રહે તે માટેનો છે. લોકો આ રથને મોદીજીની ગેરેંટીની ગાડીના હુલામણા નામથી ઓળખવા લાગ્યાં છે. આ રથ થકી કેન્દ્ર સરકારની ૧૭ યોજનાના લાભ વંચિતો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે.
દેશમાં કોઈપણ વ્યક્તિ આવાસ પાણી, વીજળી આરોગ્ય, શિક્ષણ વગેરે સવલતોથી વંચિત ન રહે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અભિગમથી ભારત ૨૦૪૭ સુધીમાં ફરીથી સોનેકી ચિડિયા બનશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.

ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે હિરાપર ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, અગ્રણી સર્વશ્રી વસંતભાઈ માંડવિયા, અશોકભાઈ ચાવડા, અલ્પેશભાઈ દલસાણીયા, દિનેશભાઈ વાઘરિયા, પ્રભુભાઈ કામરિયા, અશોકભાઈ ચાવડા, સંજયભાઈ ભાગીયા, રૂપસિંહ ઝાલા, મદદનીશ પશુપાલન શાખાના જે.પી. ઉઘરેજા તથા આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેક સહિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ અને હિરાપરના ગ્રામજનો જોડાયા હતા.
