








સાંસદ પ્રભુભાઈ વસાવા પ્રેરક ઉપસ્થિતિ
સરકારની કલ્યાણકારી યોજનાઓનો ૧૦૦ ટકા નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે-ગામ ફરી રહી છે: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગવું માધ્યમ બની છેઃ સાંસદ પ્રભુભાઈ વસાવા
મંત્રી અને સાંસદના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોડસંબા અને બોરી ગામ ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં અને બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. ગોડસંબા અને બોરી ગામે યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાના સ્ટોલ્સ દ્વારા ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ અવસરે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, દેશનો કોઈ પણ નાગરિક સરકારની જનકલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશી રહી છે. સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે, જેથી વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ. સરકારની કલ્યાણકારી યોજનાઓનો ૧૦૦ ટકા નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે-ગામ ફરી રહી છે એમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે, આદિવાસી વિસ્તારના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના પરિવર્તનકારી બની છે. ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી છે. વડાપ્રધાનશ્રીએ ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેન્કિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં ૫૦ કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં રૂ.બે લાખ કરોડની ડિપોઝીટ જમા થઈ છે. જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે. આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રજાજનોને અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડવા તેમજ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગવું માધ્યમ બની છે. સરકારે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગાસ્વરૂપા, કિસાન સન્માન નિધિ, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. તેમણે આ યાત્રાથી લોકોને ઘરઆંગણે વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવતા હોવાનું યોજનાઓના બાકી રહેલા લાભાર્થીઓ સત્વરે યાત્રાની જનસેવાનો લાભ ઉઠાવે એમ કહ્યું હતું.
આ પ્રસંગે મંત્રી, મહાનુભાવોને હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. સાથે ઉપસ્થિત સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્રનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે જિ.પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલ, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકી, શાસક પક્ષના નેતા મિનાક્ષીબેન ચૌધરી, અગ્રણી સર્વશ્રી દિનેશભાઈ પટેલ, મિનાક્ષીબેન ગામીત, સરપંચ એસો.ના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, માંડવી THO નરેન્દ્ર ચૌધરી, મેડિકલ ઓફિસર ડો.કેતન સોલંકી, સરપંચ સ્નેહલબેન, તલાટી-કમ-મંત્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ,મયુર પટેલ
