VGGS 2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરીના રોજ ‘ગુજરાત- ધ ગ્રીન હાયડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા’ની થીમ પર ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી સેક્ટર પર સેમિનાર અને ‘વોટ્સ ટુ ગીગાવોટ્સ- ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જૉ’ ની થીમ પર પાવર સેક્ટર પર સેમિનાર યોજાશે


ગાંધીનગર, 5 જાન્યુઆરી, 2024: ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા (IAS) એ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 2 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ગુજરાત- ધ ગ્રીન હાયડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા’ અને ‘વોટ્સ ટુ ગીગાવોટ્સ- ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી’ની થીમ પર આધારિત આ બંને સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 12 જાન્યુઆરીના રોજ અનુક્રમે સેમિનાર હોલ-4 અને 3માં યોજાશે.

‘ગુજરાત- ધ ગ્રીન હાયડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા’ પરના સેમિનાર અંગેની વિગતો શેર કરતા શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું કે, ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સંબોધન કરવામાં આવશે, જેઓ ગ્રીન હાઇડ્રોજનમાં વૈશ્વિક પ્રવાહો અને ગુજરાતના વિકાસના માર્ગ પર તેમના મંતવ્યો રજૂ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સેમિનારમાં ગ્રીન હાઇડ્રોજનમાં વૈશ્વિક પરિદ્રશ્ય અને ઉભરતા વલણો અંગે બહુવિધ સત્રો યોજાશે, જેમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન ઇકોનોમીની સફળતા માટેના સ્તંભો, વિકસિત ભારત @2047ના ભારતના અમૃતકાળ વિઝનમાં ગ્રીન હાઇડ્રોજનની ભૂમિકા, ઇલેક્ટ્રોલાઈઝ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવાની સાફલ્યગાથાઓ અને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે ગુજરાતની તૈયારીનું મૂલ્યાંકન જેવા વિષયો આવરી લેવામાં આવશે. રાજ્યમાં ગ્રીન હાઇડ્રોજન અર્થવ્યવસ્થાના વિકાસ માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે આ સેમિનારમાં વિશ્વભરના પ્રતિષ્ઠિત વક્તાઓ પણ હિસ્સો લેશે. યુસી બર્કલે અને નેધરલેન્ડ સરકાર વચ્ચે વ્યૂહાત્મક એમઓયુ પર હસ્તાક્ષર, આ સેમિનારની અન્ય એક વિશેષતા છે.

તેમણે આ સેમિનારમાં ઉપસ્થિત રહેનારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ વિશે પણ જાણકારી આપી હતી, જેમાં શ્રી યુજી નામ્બા (જનરલ મેનેજર કાર્બન સોલ્યુશન બિઝનેસ યુનિટ, IHI કોર્પોરેશન), શ્રી ઓહિરા ઇજી (ડિરેક્ટર, ફ્યુઅલ સેલ એન્ડ હાઇડ્રોજન ટેક્નોલોજી ઓફિસ, NEDO), પ્રો. ડેવિડ સી વિલ્સન (ડીન, ગોલ્ડમેન સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે), શ્રી સ્ટીફન એસ પીટર્સ (વરિષ્ઠ ઉર્જા નિષ્ણાત, ADB) સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.

“વોટ્સ ટુ ગીગાવોટ – ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જીને” અંગેના સેમિનારની વિગતો શેર કરતા શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું કે ઉદઘાટન સત્રમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી વરિષ્ઠ અધિકારીઓ રજૂઆત કરશે, જેમાં વૈશ્વિક પ્રવાહો અને પાવર સેક્ટરમાં ગુજરાતના વિકાસની ચર્ચા કરવામાં આવશે. તે સિવાય, અન્ય નોંધપાત્ર વક્તાઓમાં નિવૃત્ત IAS અને SECI ના CMD શ્રી રાજીવ ગુપ્તા, વિઝન મેકાટ્રોનિક્સના MD ડૉ. રાશિ ગુપ્તા, વિશ્વ બેંકના વરિષ્ઠ ઉર્જા નિષ્ણાંત સુશ્રી મણિ ખુરાના, અને IESA ના પ્રમુખ ડૉ. રાહુલ વાલાવલકરનો સમાવેશ થાય છે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે સેમિનારમાં ‘એનર્જી સ્ટોરેજ કરંટ સ્ટેટસ, ફ્યુચર ટ્રેન્ડ્સ: સક્સેસ સ્ટોરીઝ એન્ડ કી લર્નિંગ્સ’ જેવા વિષયો પર વિશિષ્ટ પેનલ ચર્ચાના સત્રો રહેશે. આનો ઉદ્દેશ્ય વિશ્વસનીય અને સસ્તો વીજ પુરવઠો સુનિશ્ચિત કરીને નવીનીકરણીય ઉર્જાના સંકલનને વધારવા માટે ઊર્જા સંગ્રહ ખર્ચનું સંચાલન કરવાના મહત્વને પ્રકાશિત કરવાનો છે. આ સત્રના વક્તાઓમાં મીઓએચ ગીગા બેટરી, ઓસ્ટ્રેલિયાના સીએમઓ શ્રી જ્હોન કોચાન્સકી, ભારતમાં ટોની બ્લેર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શ્રી વિબેક અગ્રવાલ અને CEEW ના સીઇઓ શ્રી અરુણાભા ઘોષનો સમાવેશ થાય છે.

તેમણે અન્ય સત્રો વિશે વાત કરતા જણાવ્યું હતું કે સેમિનારમાં ‘ઇન્વેસ્ટમેન્ટ એન્ડ માર્કેટ્સ: પમ્પ્ડ હાયડ્રો વિ. અધર સ્ટોરેજ ટેક્નોલોજીસ’, ‘એનકરેજીંગ BESS એન્ડ પમ્પ્ડ સ્ટોરેજ એઝ ગ્રીડ એન્સિલિયરી સર્વિસિઝ’ અને પેનલ ચર્ચા ‘સ્ટ્રેટેજીસ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ગ્રીડ સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ’નું આયોજન થશે. આ ચર્ચાઓનો ઉદ્દેશ્ય ભારતના RE લક્ષ્યાંકો સાથે સુસંગત ટકાઉ સંગ્રહ વિકલ્પોને ઓળખવાનો અને ઊર્જા સંગ્રહ માળખામાં વ્યૂહાત્મક રોકાણોને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમના માધ્યમથી મોટા પાયે બેટરી ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણ માટે આવશ્યક તકનીકી, નાણાકીય અને ઓપરેશનલ પાસાઓનું અન્વેષણ કરવામાં આવશે. આ સત્રોમાં સામેલ થનારા મહાનુભાવોમાં શ્રી યાશિરો કાઝુશીગે, JICA,જાપાન; ડૉ. રાશિ ગુપ્તા, એમડી, વિઝન મેકાટ્રોનિક્સ, ભારત; ડૉ. અમોલ ફડકે, વરિષ્ઠ વૈજ્ઞાનિક, લોરેન્સ બર્કલે નેશનલ લેબ, યુએસએ; ડૉ. રાહુલ વાલાવલકર, પ્રમુખ, IESA અને પ્રમુખ અને એમડી, CES,ભારત; શ્રી આર પી ગુપ્તા, સીએમડી, SECI,ભારત અને સુશ્રી મણિ ખુરાના, વરિષ્ઠ ઉર્જા નિષ્ણાંત, વિશ્વ બેંક ભારતનો સમાવેશ થાય છે.

સમાપનમાં તેમણે જણાવ્યું હતું કે આ સેમિનાર અને ચર્ચાઓનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પાવર સેક્ટર પ્રોજેક્ટ્સના અમલીકરણ માટેની યોજનાની રૂપરેખા આપવાનો છે અને અન્ય દેશો સાથે ગુજરાતના જોડાણને વધારવાનો અને તમામ રાષ્ટ્રો માટે હરિત પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટકાઉ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટેની તકોને ઓળખવાનો છે.

શ્રીમતી મમતા વર્માએ તમામ સંબંધિત સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને આ પ્રભાવશાળી સત્રોમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપીને કોન્ફરન્સનું સમાપન કર્યું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM