
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી શિક્ષણ સાથે સમગ્રલક્ષી કેળવણીના હેતુ ધોરણ ૦૯થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ, ચારિત્ર્ય અને નેતૃત્વના ગુણોને વિકસાવવા સંસ્થા દ્વારા ત્રિદિવસીય નિવાસી “બાલનેતૃત્વ” શિબિરનો એક અભિનવ પ્રયાસ શરુ કરાયો જેમા સંસ્થાની ૧૦ શાળાઓમાંથી ધોરણ ૦૯થી ૧૨ના કુલ ૫૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ હકારાત્મક ઉર્જા અને ઉત્સાહ સાથે તાલીમ લીધી.
શિબિરમા માસ્ટર ટ્રેનર તરીકે, કે જે છેલ્લાં બે દાયકાથી કોર્પોરેટ જગતમાં એક્ઝિક્યુટિવ ટ્રેનર તરીકે પ્રતિષ્ઠા પામેલા છે એવા શ્રી હરેશભાઈ પટેલ સાહેબે શિબિરાર્થીઓને એકાગ્રતા, સુખ, આનંદ, સફળતા, નેતૃત્વ, કર્તૃત્વ, સેવા, કર્મનો સિદ્ધાંત વગેરે ભિન્ન ભિન્ન વિષયો પર પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપી. PPT પ્રેઝંટેશન, રમતો, કોયડા, ફિલ્મ, યોગ, વ્યાયામ, અને ચર્ચાસત્રોના માધ્યમથી શ્રી હરેશભાઈએ વિદ્યાર્થીઓને રમતાં રમતાં, એમની ભાષામાં અને સરળતમ શૈલીમાં અઘરાથી અઘરા વિષયોની સમજણ આપી. શિબિરમાં આવેલા અન્ય વક્તાશ્રીઓએ જેમા પણ વિભિન્ન વિષયોમાં પોતપોતાના અનુભવનું જ્ઞાન પીરસ્યું હતુ. મિસ વર્લ્ડ યોગિની પૂજા પટેલે શિબિર્થીઓને જીવનમાં આસન, પ્રાણાયામ વગેરે અષ્ટાંગ યોગના માધ્યમથી કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય એની સમજ આપી અને આસનોના પ્રદર્શન અને પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કેવી રીતે સ્વસ્થ રહેવાય એની પણ સમજ આપી. શ્રી રામકૃષ્ણ આશ્રમના સન્યાસી સ્વામી તેજોમયાનંદજીએ શિબિરાર્થીઓ સમક્ષ સ્વામી વિવેકાનંદનો આદર્શ મૂકતાં કહ્યું કે, તમે જો આ ઉંમરથી ધારો તો જીવનમાં જેવી ઈચ્છો એવી સિદ્ધિઓ મેળવી શકો. સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રણવ દેસાઈએ પર્યાવરણની સુરક્ષા માટે આપણે કેટલા જવાબદાર છીએ અને તે માટે આપણે શું શું કરવું જોઈએ, એ અંગે બહુ જ રસપ્રદ શૈલીમાં વાત કરી. કેટલાંક વિડીયોના માધ્યમથી પ્રણવભાઈએ વિદ્યાર્થીઓને એ ભાન કરાવ્યું કે, માનવજાત પ્રકૃત્તિને કેટલું નુકસાન પહોંચાડી રહી છે અને એનું પરિણામ કેવું ભયંકર આવી શકે છે. આખો વિષય સમજ્યા પછી વિદ્યાર્થીઓએ એક અવાજે પર્યાવરણની સુરક્ષાનો નિશ્ચય કર્યો અને તે માટે જાગૃતિ ફેલાવવાની પણ મોહીમ ઉઠાવવાની તત્પરતા બતાવી હતી.
શિબિરના અંતે વિદ્યાર્થીઓએ પોતપોતાના અભિપ્રાય આપતાં જણાવ્યું કે આવી શિબિરો અવારનવાર થવી જ જોઈએ અને અમારી ઉંમરના દરેક વિદ્યાર્થીને આવો લાભ મળવો જોઈએ. તમામ શિબિરાર્થીઓએ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસીડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલ પ્રત્યે આવા અદ્ભુત કાર્યક્રમની શરૂઆત કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર શિબિરના આયોજનમા સર્વ વિદ્યાલયની વિવિધ શાળાના ડાયરેક્ટરશ્રીઓ અને આચાર્યશ્રીઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવાઈ હતી જ્યારે તેનું સફળ સંચાલન સર્વ વિદ્યાલય વતી શ્રી કુમાર પંડ્યા, ડો.ધર્મેન્દ્ર પી. પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી શંકરભાઈ દેસાઈ, શ્રેયાબહેન પટેલ અને સર્વનેતૃત્વના તાલીમાર્થી ક્રિષ્ના, અભિષેક, વિવેક, અને આયાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
‘બાલનેતૃત્વ’ શિબિરના ભાવ-પ્રતિભાવ
આ શિબિર દ્વારા વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક જીવન જીવવાની કળાઓ શીખવા તક મળી અને જીવનના તમામ પડકારો સામે કેવી રીતે ટકી શકાય એ પણ શીખવા મળ્યું છે. આવી શિબિરો યોજાતી રહેશે તો ઘણા વિદ્યાર્થીઓ તેનો લાભ થશે………..શ્રેયાબહેન પટેલ, શિક્ષિકા
‘બાલનેતૃત્વ’ શિબિરમાં ટાઈમ મેનેજમેંટ, નિયમિતતા, હેપીનેસ, હું કોણ છું જેવા વિષયો પર ખૂબ સારી સમાજ આપવામાં આવી. મને આ શિબિર બહુ જ ગમી……..ભાચકન નિશા (ધોરણ-૧૧)
સ્વચ્છતા અને પર્યાવરણ માટે આપને જ જવાબદાર છીએ એનું મને આ શિબિરમાં આવીને ભાન થયું. હું હવે એ મુજબ જીવીશ………..આયર અશોક (ધોરણ-૦૯)
