વર્ષ-૨૦૦૩ની પ્રથમ વાઈબ્રન્ટ સમિટથી દેશના અમૃતકાળની પ્રથમ વાઈબ્રન્ટ સમિટ સુધીની સફર દરમિયાન ગુજરાતની કાયાપલટ થઇ
છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં પોતાના વિચાર વ્યક્ત કરતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ ૨૦૦૩માં માત્ર ૩૦૦૦ ચો.મી.ની જગ્યા અને ૧૨૫ ડેલીગેટ્સ સાથે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થઇ હતી. જેમાં ૬૬,૦૦૦ કરોડના ૮૦ MoU થયા હતા.

છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં યોજાયેલી પ્રથમ વાઈબ્રન્ટ સમિટ બાદ આ વર્ષે દેશના અમૃતકાળમાં યોજાયેલી પ્રથમ વાઈબ્રન્ટ સમિટની સફર દરમિયાન ગુજરાતની કાયાપલટ થઇ ગઈ છે. ગુજરાત આજે માત્ર દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન લઇ ચૂક્યું છે, જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને આગવા વિઝનને આભારી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાતે સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં દેશના જી.ડી.પી.માં ગુજરાત રાજ્યનો ફાળો ૫.૧% હતો, જે આજે વધીને ૮.૨% થયો છે. આમ, દેશના વિકાસમાં ગુજરાતે પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યની આ વિકાસ યાત્રાના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@ ૨૦૪૭નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે રાજ્ય સરકારનો ધ્યેય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો, ત્યારે મહાત્મા ગાંધીની સ્મૃતિ અને સંદેશ સાથે અમૃતકાળના આરંભની અનુભૂતિ થઈ હતી. ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ચાર દેશોના વડા સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અમૃતકાળની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ભારતની વિકાસયાત્રામાં મહત્વના સહયોગી બન્યા હતા, તેમ તેમણે ઉમેર્યું હતું.
ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, વેપાર અને વાણિજ્ય જેના લોહીમાં વહે છે, એવી છાપ ધરાવતા ગુજરાતીઓના વેપાર વાણિજ્યના પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રતિબિંબિત થાય છે. એ અર્થમાં ગુજરાતના આંગણે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આર્થિક ઉત્કર્ષની સાથે-સાથે સંસ્કૃતિઓનું પણ આદાન-પ્રદાન કરવા માટેનું એક મજબૂત મંચ બની રહી છે. ગુજરાતના સપૂત અને વિશ્વ માનવ મહાત્મા ગાંધીની સ્મૃતિ અને સંદેશને જીવંત કરતાં મહાત્મા મંદિરના પ્રાંગણમાં યોજાતી ગુજરાત ગ્લોબલ સમિટે સમસ્ત વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા વીસ વર્ષોમાં વાઈબ્રન્ટ સમિટે વૈશ્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો માર્ગ કંડાર્યો છે અને તે ઈકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ અને અનુભવો વહેંચવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં દેશ-વિદેશના વિવિધ ઉદ્યોગપતિઓને મૂડી રોકાણની તકો વિશે માહિતગાર કરી આ સમિટને સફળ બનાવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં આશરે ૪૫ લાખ કરોડથી વધુ રકમના ૯૮,૦૦૦થી વધુ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આનાથી રાજ્યના વિકાસનો પાયો નક્કર અને મજબૂત બનશે. ગુજરાત રાજ્યમાં ઊભી થયેલ વિકાસની આ આશાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે આ આભાર પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
