- રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૧૩.૮૬ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી અપાઈ
- ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો
- ખેડામાં કાર્યરત ૧૫૦ ઉદ્યોગ એકમોએ ૯૫ ટકા રોજગારી સ્થાનિકોને પૂરી પાડી
- સાબરકાંઠામાં કાર્યરત ૬૭ ઉદ્યોગ એકમોએ ૮૯ ટકા રોજગારી સ્થાનિકોને પૂરી પાડી
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૨થી સતત પ્રથમ રહ્યું છે. માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા ૧૩.૮૬ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. પરિણામે ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો છે.

વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગ એકમો દ્વારા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સાથે બેઠક કરીને નોટિસ આપવામાં આવે છે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
સ્થાનિક રોજગારીની ટકાવારી અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડા જિલ્લામાં કાર્યરત કુલ ૧૫૦ ઉદ્યોગ એકમો દ્વારા ૨૩,૮૯૬ પૈકી ૨૨,૬૮૦ એટલે કે ૯૫ ટકા રોજગારી સ્થાનિકોને આપવામાં આવી છે. તેવી જ રીતે, સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત ૬૭ ઉદ્યોગો દ્વારા ૧૧,૮૯૨ પૈકી ૧૦,૫૬૩ એટલે કે ૮૯ ટકા રોજગારી સ્થાનિકોને આપવામાં આવી છે.
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખાનગી ઉત્પાદનલક્ષી એકમોમાં મેનેજર/સુ૫રવાઈઝરી કક્ષામાં ૬૦ ટકા તેમજ કામદાર કક્ષામાં ૮૫ ટકા મળી એકંદરે ઓછામાં ઓછી ૮૫ ટકા રોજગારી સ્થાનિકોને આપવાની જોગવાઈ છે. ગુજરાતના દરેક જિલ્લામાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
——————————————————————————————————————–
માનવ કલ્યાણ યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ૨૪૦૪ લાભાર્થીઓને સહાય ચૂકવાઈ: કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
વિધાનસભામાં જુનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે વિગતો આપતાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં કુલ ૨૪૦૪ અરજી મંજૂર કરવામાં આવી છે.

આ યોજનાની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના વાર્ષિક રૂ. છ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબો તેમની આવકમાં વધારો કરી શકે, તે માટે નાના પ્રકારના વેપાર-ધંધા કરવા માટે અલગ અલગ ૧૦ ટ્રેડમાં ઇ-વાઉચર પદ્ધતિથી સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. જેની ચકાસણી બાદ મંજૂર થયેલી અરજીઓમાંથી ડ્રો કરીને પસંદગી કરવામાં આવે છે અને તેમને ઈ-વાઉચરના માધ્યમથી સહાય આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
