પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને યોગનું મહત્વ સમજાવી દુનિયાના એક એક ખૂણા સુધી યોગને પહોંચાડ્યા છેઃ સી આર. પાટીલ
વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં સમા સ્પોર્ટ્સ સંકુલ ખાતે મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, સાંસદ ડૉ.હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્ય કેયુર રોકડીયા,મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને યોગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા.

આ પ્રસંગે સંબોધન કર્તા મુખ્ય અતિથી એવા ભારત સરકારના જળશક્તિ મંત્રી.શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, 11માં વિશ્વ યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ વર્ષે એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને યોગનું મહત્વ સમજાવી દુનિયાના ખૂણે ખૂણા સુધી યોગને પહોંચાડ્યો છે. જમીન પર અને પાતાળમાં પણ યોગ કરવામાં આવી રહ્યા છે. યોગ શરીરને સ્વસ્થ રાખશે, શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે. તેમણે બીમારીઓથી દૂર રહેવા માટે યોગ કરવા જણાવ્યું હતું.

વડોદરામાં યોગ શિબિરનો ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્યથી પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણીમાં કરેલ ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ યોગ બોર્ડના કો-ઓડીનેટર ડૉ.સુનિલ પટેલ અને ડો. મીનાક્ષી પરમારે પ્રોટોકોલ મુજબની યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરાવ્યા હતા. યોગ દિવસની ઉજવણીમાં પોલીસ અધિકારીઓ, સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, શાળા કોલજો, ધાર્મિક સંસ્થા જોડાઈ હતી. શહેરમાં 108 સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.