સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી
નાણા અને ઉર્જા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુરત શહેર-જિલ્લાના બ્રીજોની વર્તમાન સ્થિતિ તથા ખાડી પુર નિવારણ બાબતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજી
સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી

નાણા અને ઉર્જા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં સુરત શહેર-જિલ્લાની બ્રીજોની વર્તમાન સ્થિતિ તથા સુરત ખાડી પુર નિવારણ બાબતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકો કરી, જરૂરી સુચનો કર્યા હતા.
ખાડીપુર નિવારણ સમિતિની બેઠકમાં ખાડીઓમાં ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના નિકાલ અંગે મહાનગરપાલિકા તથા જિલ્લાના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો અનુરોધ કર્યો હતો. જેમાં ટુંકાગાળા તરીકે ખાડી પરના દબાણો તથા ઝીંગા તળાવોને દુર કરવાની સુચના આપી હતી. લાંબાગાળાના આયોજન તરીકે ચેકડેમ તથા અન્ય રીતે પાણીનો સંગ્રહ સાથે ઉપયોગ થાય, ખાડીનું ડિસ્ટીંલીગ તથા ખાડીની પહોળાઈ વધારવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ સુરત શહેરની ભવિષ્યની મુશ્કેલી નિવારવા લાંબાગાળાના આયોજન માટે રાજયસ્તરે સિંચાઇ વિભાગ સાથે પરામર્શ કરીને વિચારણ કરવામાં આવશે તેમ જણાવી નિષ્ણાંત કન્સલ્ટનની નિમણુંક કરવા પણ સુચન કર્યું હતું.
નાણામંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શહેર-જિલ્લાના તમામ બ્રીજોના વિવિધ ટેસ્ટીંગની જરૂરીયાત હોય તો સત્વરે કરાવી લેવા તેમજ સ્ટ્રકચરલ ભાગોના મેજર રીપેરીંગ હોય તત્કાલ મરામત કરવાની સુચના આપી હતી. જો કોઈ બ્રીજ બંધ કરવાની જરૂરીયાત હોય તો સત્વરે બંધ કરવા તેમજ જે તે વિભાગો હસ્તકના બ્રીજોની રીપેરીંગ અંગેની ચોક્કસ એસ.ઓ.પી. બનાવવાની સુચના આપી હતી. આ ઉપરાંત સમયાંતરે બ્રીજોની ચકાસણી કરવા પણ સુચના આપી હતી.
સુરત મહાનગરપાલિકાના આઈ.સી.સી.સી. સેન્ટર ખાતે યોજાયેલી બેઠકમાં જુદા જુદા વિભાગો હસ્તકના બ્રીજોની સ્થિતિ વિશે પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકામાં ૧૨૧ બ્રીજો આવેલા છે, તે તમામ બ્રીજોનું હેલ્થ રીપોર્ટ કાર્ડ બનાવવામાં આવ્યા છે. બ્રીજોને બ્રીજ રીહેબીલીટેશન સ્કીમ હેઠળ સમયાતરે રીપેરીંગનું કાર્ય કરવામાં આવે છે તેમજ હાલ કોઈ બ્રીજ જર્જરીત ન હોવાની વિગતો અધિકારીઓએ જણાવી હતી.
માર્ગ અને મકાન વિભાગ-૨ના ૯૩ બ્રીજો પૈકી ત્રણ બ્રીજોને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે જયારે માર્ગ અને મકાન વિભાગ-૧ હસ્તકના છ બ્રીજ સારી સ્થિતિમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત હસ્તકના ૫૩ બ્રીજો, સુરત નહેર વિભાગ હસ્તકના ૧૭૫ બ્રિજો, કાકરાપાર-જમણાકાંઠા નહેર હેઠળના ૧૦૬, ઉકાઈ ડાબા કાંઠા નહેર હસ્તકના ૧૬ તથા તાપી પાળા વિભાગ હસ્તકના ૧૪૮૩ બ્રીજોની ચકાસણી પુર્ણ કરવામાં આવી હોવાની વિગતો અધિકારીઓએ આપી હતી. નેશનલ હાઈવે નં.૪૮ હસ્તકના ચાર તથા નેશનલ હાઈવે નં.૫૩ના ૨૫ બ્રીજો, ગુજરાત મેટ્રોના સાત, ડી.એ.સી.સી.એલ હસ્તકના ૩૬ તથા ગજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ૧૮, સુડા હસ્તકના સાત, રેલ્વે વિભાગ હસ્તકના ૪૫ બ્રીજોની ચકાસણી કરવામાં આવી હોવાની વિગતો જે તે અધિકારીઓએ આપી હતી.
તબક્કાવાર યોજાયેલી બેઠકમાં સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, મેયરશ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્ય સર્વશ્રી સંદિપ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મનુભાઈ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજન પટેલ, સંગઠન પ્રમુખ પરેશ પટેલ, મ્યુ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર, નાયબ પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન પટેલ, ડે.મ્યુકમિશનરશ્રીઓ, પ્રાંત અધિકારીઓ, પાલિકાના ઝોનના વડાઓ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.