
વિકાસના પંથે આવનાર સમયમાં ગુરુ ગોવિંદ -લીંબડી તાલુકો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવશે-મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લોકોને સમયસર, સરળતાથી અને ઓછા સમયમાં હવે તમામ યોજનાઓનો લાભ મળી રહેશે-સાંસદશ્રી જસવંતસિંહ ભોભોર
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ -લીમડી તાલુકાના શુભારંભ પ્રસંગે મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું હતું કે, વિકાસના પંથે આવનાર સમયમાં ગુરુ ગોવિંદ – લીમડી તાલુકો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવશે એમ કહેતા એમણે ઉમેર્યું હતું કે, ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાની વેશભૂષા પરંપરા અને સંસ્કૃતિ અનોખી છે. ગુરુ ગોવિંદ-લીમડી તાલુકાનું મુખ્ય મથક લીમડી રાખવાના કારણે ચારે બાજુના ગામડાઓની વચ્ચે હોવાથી લોકોને આવવા-જવામાં સરળતા રહેશે. હવે નવા રચાયેલા તાલુકા અને ઝાલોદ તાલુકાના એમ બન્ને તાલુકાના લોકોને ઓછા સમયમાં અને સરળતાથી હવે તમામ સેવાઓનો લાભ મળશે.

લીમડીમાં તમામ પ્રકારની બેંકની વ્યવસ્થા , શિક્ષણ માટે બાલમંદિરથી લઈને કોલેજ સુધીની વ્યવસ્થા, આરોગ્ય માટે હોસ્પિટલોની સુવિધા, વેપારી મથક હોવાના કારણે ખરીદ વેચાણમાં સરળતા રહે છે. એમ તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતું લીમડી શહેર છે. ગોવિંદ ગુરુ- લીમડી તાલુકાના શુભારંભ પ્રસંગે તેમણે ગોવિંદ ગુરુ મહારાજને પણ યાદ કરતા કહ્યું હતું કે, ગુરુ ગોવિંદ મહારાજ અંગ્રેજો સામે તેમની ગુલામીમાંથી મુક્ત થવા માટે લડ્યા અને આપણા સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા અને સાચો માર્ગ બતાવનાર ગુરુ ગોવિંદ મહારાજને હું આજે વંદન કરું છું.
આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભોભોરે કહ્યું હતું કે, ઝાલોદ તાલુકામાં વધુ પડતા ગામો હોવાના કારણે લોકોને આવવા જવામાં વધુ સમય વેડફાઈ જતો હતો. તેમજ જવા આવવામાં અગવડતા પડતી હોવાથી નવા તાલુકાની માંગણી ઘણા સમયથી કરવામાં આવતી હતી પણ હવે આપણાને સરકારશ્રીએ નવો તાલુકો આપ્યો છે. જેની કામગીરીનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લોકોને સમયસર, સરળતાથી અને ઓછા સમયમાં હવે તમામ યોજનાઓનો લાભ મળી રહેશે. સાથે જ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લોકોને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ કહ્યું કે, ગુરુ ગોવિંદ લીમડી નવો તાલુકો બનતા વહીવટીતંત્ર દ્વારા નવા તાલુકા માટે અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી કરી આજથી તાલુકામાં થતી તમામ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જેથી કરીને લોકો સુધી સરળતાથી સેવાઓ પહોંચતી થશે. હવે આ તાલુકામાં આવતા લોકોને આવવા જવામાં અને સમયની અનુકૂળતા સાથે સમયસર વિવિધ સેવાનો લાભ લઇ શકશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ફતેપુરા તાલુકાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, દાહોદ ભાજપ પ્રમુખશ્રી, સહિત દાહોદ જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ સાથે વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, આગેવાનો, વડીલો સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
