શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે સુખસર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો

નવો સુખસર તાલુકો મળવાથી હવે લોકોને તેમના ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે – મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર


ગુજરાત સરકારના સેવા અને સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે દાહોદ જિલ્લાના નવીન સુખસર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ૧૭ નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે. જેમાંથી આપણા જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાથી હવે લોકોને તેમના ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે. આ દરમ્યાન મંત્રીશ્રીએ વધુમાં મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને આગળ ધપાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન થકી દરેક ગામ સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે તેવી અપીલ કરી હતી.

સરકારની વિકાસલક્ષી કામગીરી પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, પાણી, રસ્તા અને વીજળી સહિતની ઉત્તમ સુવિધાઓ પહોંચાડીને વિકાસના ફળ જનતા સુધી પહોંચાડવામાં આવ્યા છે. અંતે, તેમણે દરેક લોકોને નિયમિતપણે હેલમેટ પહેરવા માટે પણ ખાસ જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, આજે સુખસર તાલુકાનું ઉદ્ઘાટન થયું છે, જે આપણા સૌ માટે અત્યંત શુભ અને આનંદની વાત છે. તેમણે આ શુભ અવસર બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નવો તાલુકો બનવાથી હવે લોકોને તમામ ઉત્તમ સુવિધાઓ તેમના ઘર આંગણે જ સરળતાથી મળી રહેશે.

આ પ્રસંગે ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાએ નવો સુખસર તાલુકો બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. એ સાથે મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, અગ્રણીશ્રી સ્નેહલભાઈ ધરીયા, સુખસર ગામ સરપંચશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *