
શૈક્ષણિક અભ્યાસને ઉદ્યોગની જરૂરિયાતો સાથે સંકલિત કરીને યુવાનોને પ્રથમ દિવસથી જ રોજગાર માટે તૈયાર કરવામાં યુનિવર્સિટીનું યોગદાન મહત્વપૂર્ણ: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આજે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારંભ સાથે શિક્ષણ અને કૌશલ્યના સંગમના નવા યુગની શરૂઆત થઈ છે. દેશના ભવિષ્ય એવા આજના યુવાનોમાં રહેલા કૌશલ્યને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમવાર આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંત સિંહ રાજપુતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રથમ દીક્ષાંત સમારંભમાં ૬૫૭ યુવાનોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૩૨૬ વિધાર્થીઓને પોસ્ટ ડિપ્લોમા, ૧૪૫ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, ૨૨ ડિપ્લોમા અને ૨૧ એડવાન્સ ડિપ્લોમા ડિગ્રીનો સમાવેશ થાય છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાંથી ૧૮ વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મંત્રીશ્રીના હસ્તે સુવર્ણ ચન્દ્રક એનાયત કરાયા હતા.
મંત્રીશ્રી રાજપૂતે કહ્યું હતું કે, ભારતને વિકસિત બનાવવાની દિશામાં ગુજરાત સિંહફાળો આપી રહ્યુ છે ત્યારે ગુજરાતને વિકાસ એન્જિન તરીકેની ભૂમિકાને વધુ મજબૂત બનાવવામાં આ યુનિવર્સિટી મહત્વપૂર્ણ સાબિત થશે. આ યુનિવર્સિટી શૈક્ષણિક અભ્યાસને ઉદ્યોગની જરૂરિયાતો સાથે સંકલિત કરીને વિદ્યાર્થીઓને માત્ર શિક્ષિત જ નહીં પરંતુ અભ્યાસના પ્રથમ દિવસથી જ રોજગાર માટે તૈયાર કરે છે. વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીએ એક વિશિષ્ટ પહેલ કરીને ૬૯થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો સાથે MoU કર્યા છે.

શૈક્ષણિક જગત અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલી આ યુનિવર્સિટી રોજગાર અને સ્વ-રોજગાર કેન્દ્રિત વ્યાવસાયિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગામી સમય કૌશલ્ય વિકાસનો છે ત્યારે આ યુનિવર્સિટી વિશેષ કૌશલ્ય ધરાવતા યુવાઓને તૈયાર કરી રહી છે. આ તમારા જીવનની માત્ર શરૂઆત છે આવનારા સમયમાં તમારે વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીના અધ્યક્ષ અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શૈક્ષણિક જ્ઞાન, ઉદ્યોગ અને ટેક્નોલોજીનું સમન્વય કરીને કૌશલ્યા યુનિવર્સિટી એવા યુવાનોને ઘડી રહ્યું છે, જે માત્ર નોકરી વાંછુક નહીં પરંતુ ભવિષ્યના રોજગાર સર્જક બનશે. યુનિવર્સિટીની દરેક સ્કૂલ ઉદ્યોગો સાથે મળીને કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરી રહી છે. આ યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, રિન્યુએબલ એનર્જી, ડ્રોન અને ફિનટેક જેવી નવીન ટેક્નોલોજી પર કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ ડૉ. એસ. પી. સિંઘે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, શિક્ષણ જ્ઞાન પ્રદાન
કરે છે પરંતુ કૌશલ્ય વ્યક્તિને વધુ સશક્ત બનાવે છે. તેમણે વિધાર્થીઓને પોતાના જીવનમાં સતત અભ્યાસ અને ઇમાનદારીના ગુણો અપનાવવાની સલાહ આપી હતી. આજે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ સ્કિલ અને ઇનોવેશનના વાહક બની યુનિવર્સિટીનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આર્સેલર મીત્તલ નીપોન સ્ટીલના પ્રતિનીધી શ્રી અશુતોષ તેલાંગે આજે પદવી પ્રાપ્ત કરનાર તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવી વિકસિત ભારતના નિર્માણમાં કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના મહત્વપર્ણ યોગદાન વિશે વિગતે માહિતી આપી હતી.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, રજિસ્ટ્રાર સુશ્રી રેખા નાયર, બોર્ડ ઑફ ગવર્નન્સ, એકેડેમિક કાઉન્સિલ અને સ્કિલ કાઉન્સિલના સભ્યો, વિવિધ સ્કૂલ્સના અધ્યક્ષ, અને ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.