સુશાસન સપ્તાહ ઉજવણી : નર્મદા જિલ્લો વિશ્વાસ, ટેકનોલોજી અને સંવેદનશીલતાથી નિરાકરણ સુધી : એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સરકાર પ્રજાના દ્વારે

શૈશવ રાવ

જિલ્લામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી પાછલા ૧૧ મહિનામાં ૫૨૯ ફરિયાદોનું સુખદ નિવારણ

સ્વાગત ઓનલાઈન, CM-Dashboard અને જિલ્લા સંકલન સમિતિ દ્વારા નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને અસરકારક નિકાલ

ગુજરાત સરકારનો મૂળ મંત્ર “સરકાર પ્રજાના દ્વારે”ને સાકાર કરવાની દિશામાં એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વહીવટી ક્ષેત્રે અમલમાં આવેલા સુધારા મહત્વપૂર્ણ સાબિત થયા છે. ખાસ કરીને સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, CM-Dashboard તથા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ આ ત્રણ મજબૂત અને સશક્ત માધ્યમો દ્વારા જિલ્લામાં લોકાભિમુખ, પારદર્શક અને જવાબદાર વહીવટના નવા ધોરણો સ્થાપિત થયા છે.

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ : નાગરિકો માટે વિશ્વાસનો ડિજિટલ સેતુ બન્યો

નર્મદા જિલ્લામાં સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ નાગરિકો માટે અસરકારક અને વિશ્વસનીય માધ્યમ બની રહ્યો છે. જિલ્લાનો કોઈપણ નાગરિક પોતાની વ્યક્તિગત સમસ્યા કે વિસ્તારની સામૂહિક મુશ્કેલી ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સીધી વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી શકે છે. આ પ્રક્રિયા માત્ર ફરિયાદ નોંધાવવાની નથી, પરંતુ સમયમર્યાદામાં નિકાલ થાય તે માટેની મજબૂત વ્યવસ્થા સાથે જોડાયેલી છે. વર્ષ-૨૦૨૫ના છેલ્લા ૧૧ મહિનામાં નર્મદા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ૧૬, તાલુકા કક્ષાએ ૩૯૦ અને જિલ્લા કક્ષાએ ૧૨૩ આમ કુલ ૫૨૯ ફરિયાદો સ્વાગત કાર્યક્રમમાં પ્રાપ્ત થઈ હતી, જેનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુખદ અને અસરકારક નિકાલ કરવામાં આવ્યો છે. આ આંકડાઓ પ્રશાસનની કાર્યક્ષમતા અને જવાબદારીનું પ્રતિબિંબ દર્શાવે છે. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા નર્મદા જિલ્લાના નાગરિકો માત્ર પોતાની સમસ્યા રજૂ કરતા નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયાના વિચારને પણ સાર્થક કરી રહ્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિક સીધા વહીવટ સાથે સંવાદ સ્થાપિત કરે છે, જે લોકશાહી અને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ છે.

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ : લોકપ્રતિનિધિ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાના મતવિસ્તારના વિકાસલક્ષી પ્રશ્નો અને નાગરિકોની મુશ્કેલીઓ વહીવટી તંત્ર સમક્ષ સીધી રીતે મૂકી શકે તે માટે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની બેઠકોમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ વચ્ચે ખુલ્લી અને સકારાત્મક ચર્ચા થાય છે.
પરિણામે પ્રશ્નો માત્ર ચર્ચા સુધી સીમિત ન રહેતા, તેના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી અને સમયબદ્ધ અમલ સુનિશ્ચિત થાય છે.

CM-Dashboard : મીડિયાના અહેવાલોથી ઝડપી કાર્યવાહી

નાગરિકોના પ્રશ્નો ઘણી વખત અખબારી માધ્યમો અને ટીવી ચેનલો દ્વારા પ્રકાશિત થાય છે. આવા અહેવાલોને ગંભીરતાથી લઈ તેના તાત્કાલિક ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા CM-Dashboard જેવી નવીન સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ડેશબોર્ડ મારફતે રોજિંદા અખબારોમાં પ્રકાશિત અહેવાલોનું સ્કેનિંગ કરીને સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચના આપવામાં આવે છે, જેથી સમસ્યાનો ઝડપી અને અસરકારક નિકાલ શક્ય બને. નર્મદા જિલ્લામાં આ વ્યવસ્થાથી પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર વહીવટનો અનુભવ નાગરિકોને મળી રહ્યો છે.

ત્રણ મજબૂત આધારસ્તંભ : સરકારના લોકાભિમુખ વહીવટનું મોડેલ

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ તથા CM-Dashboard આ ત્રણેય માધ્યમો મળીને નર્મદા જિલ્લામાં લોકાભિમુખ વહીવટનું મજબૂત મોડેલ ઊભું કરે છે. આ વ્યવસ્થાઓથી પારદર્શિતા વધી છે, ફરિયાદોના નિકાલમાં ઝડપ આવી છે અને નાગરિકોનો વહીવટી તંત્ર પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં અમલી આ વહીવટી વ્યવસ્થા માત્ર પ્રશાસનિક પ્રક્રિયા નથી, પરંતુ તે વિશ્વાસ, ટેકનોલોજી અને લોકસેવાનું સુમેળ ધરાવતું માળખું છે. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અને સંબંધિત માધ્યમો દ્વારા રાજ્ય સરકારનો લોકાભિમુખ અભિગમ નર્મદા જિલ્લામાં અસરકારક રીતે સાકાર થયો છે. “નાગરિક સંતોષ એ જ શ્રેષ્ઠ વહીવટ”ના સિદ્ધાંત સાથે એસ્પિરેશનલ નર્મદા જિલ્લો આજે સક્ષમ, સંવેદનશીલ અને આધુનિક પ્રશાસનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM