
સમસ્ત આદિવાસી સમાજને સંગઠિત અને મજબૂત બનાવવા ખભેખભા મિલાવી કામ કરીએ: ગુજરાત રાજયના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા
શ્રી સમસ્ત આદિવાસી સમાજ કુળ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ચંપકલાલ વાડવાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ હાલમાં ૨૨ મુદ્દાના કાર્યક્રમ સાથે કાર્યરત છે, પરંતુ ટ્રસ્ટનું વિઝન આટલા મુદ્દાઓમાં સીમિત નથી. આવનારા હજારો મુદ્દાઓ સાથે સમાજ, પરિવાર અને આગામી પેઢીનું ભવિષ્ય જોડાયેલું છે અને તેને ઉજ્જવળ બનાવવા માટે સામૂહિક પ્રયત્ન કરવા છે.
ચંપકલાલે સમાજના રીતરિવાજો અંગે સ્પષ્ટ અભિગમ રજૂ કરતાં કહ્યું હતું કે જે રિવાજોની આજના સમયમાં જરૂર છે તેને જાળવવા જોઈએ અને જે બિનજરૂરી છે તેને વિદાય આપવી જોઈએ. લગ્ન, બારમાની વિધિ કે અન્ય પ્રસંગોમાં ખર્ચ અને સમય બચાવીને સમાજનો પૈસો અને સમય બંને બચાવવાની જરૂર છે, કારણ કે આ બે બાબતો બચશે તો જ સમાજનો સાચો વિકાસ થશે.
સમાજના ભવિષ્ય માટે શિક્ષણને સૌથી મોટું સાધન ગણાવતા તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢીનો વિકાસ માત્ર અને માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણથી શક્ય છે. પરંતુ સમાજમાં વ્યાપક ગરીબી હોવાને કારણે બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે દરેક કુળ અને દરેક પરિવારને ટ્રસ્ટ સાથે જોડાવાનું આહ્વાન કર્યું હતું.
તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે સમાજના દરેક સભ્ય દ્વારા દરરોજ માત્ર એક રૂપિયો, એટલે કે વર્ષના ૩૬૫ રૂપિયા ટ્રસ્ટને આપવામાં આવે તો આવનારા ૧૦ વર્ષમાં દરેક તાલુકામાં કોલેજો ઊભી કરી શકાય. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો સમાજ તન, મન અને ધનથી સહયોગ આપે તો આ પ્રોજેક્ટ ૧૦૦ ટકા સફળ થશે અને સમાજના બાળકોને શિક્ષણ, કોલેજ, વ્યવસાય અને સ્વરોજગાર માટે ટ્રસ્ટ જવાબદારી ઉઠાવશે.
આ સંમેલનમાં ઉપસ્થિત મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા અને સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઇ પટેલે સમજના ૨૦૦ કૂળના પ્રમુખોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત રાજયના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાએ સમાજને મજબૂત બનાવવા માટે સૌથી પહેલા કુળ અને પરિવારને મજબૂત બનાવવા જરૂરી છે. કુળ મજબૂત બનશે તો આખો સમાજ મજબૂત બનશે. સમાજના નાનામાં નાના વ્યક્તિને જમીન, શિક્ષણ, આરોગ્ય, ઓપરેશન, લોહીની જરૂરિયાત, પોલીસ સહાય કે અન્ય કોઈ પણ સંકટ સમયે સામૂહિક સહયોગ આપવાની જરૂર છે. આપત્તિ સમયે એકબીજાની સાથે ઊભા રહીએ તો જ સમાજ શક્તિશાળી બનશે.
ડો. ગરાસિયાએ સમાજના અંતિમ માણસ સુધી પહોંચવા માટે વ્યવસ્થિત આયોજન પર ભાર મૂક્યો હતો. દરેક વિસ્તાર મુજબ જવાબદાર વ્યક્તિની નિમણૂક કરીને, દસ કુળ પર એક પ્રતિનિધિ રાખવામાં આવે તો સમાજના દરેક વ્યક્તિ સુધી સહાય અને માહિતી પહોંચી શકે તેમ છે. આજના સમયમાં ગામેગામ દારૂ, ગાંજો અને અન્ય નશાની સમસ્યાઓ વધી રહી છે, જે નવી પેઢીને બરબાદ કરી રહી છે, જે અંગે ચિંતા પણ તેમણે વ્યક્ત કરી કહ્યું કે, બંધારણની પાંચમી અનુસૂચિ દ્વારા આદિવાસી સમાજને મળેલા અધિકારોનો યોગ્ય અમલ થવો અત્યંત જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન અન્ય મહેમાનો અને વક્તાઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા. સામાજિક વિકાસમાં શિક્ષણની ભૂમિકા અને સમાજના યુવાનોને વધુ મજબૂત બનાવવા માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોડિયા બોલીમાં જગદીશ પટેલ, હરેશ પટેલ ડો. મોહનભાઈ પટેલ, કૌશિકભાઈ ગરાસિયાએ કર્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા ઉપપ્રમુખ ઉત્તમભાઇ પટેલ સંમેલનનો આશય સ્પષ્ટ કર્યો હતો. આભાર વિધિ ડૉ. નિતિન પટેલે આટોપી હતી.
આ પ્રસંગે દિશા ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશ પટેલ, મંત્રી મુકેશ મહેતા, ડૉ. નિતિન પટેલ, મહુવા સુગર ફેક્ટરીના ડિરેકટરો તુષાર પટેલ તથા વિપુલ પટેલ, ડૉ. એ. જી. પટેલ, પૂર્વ કલેક્ટર આર. જે. પટેલ, અને નિવૃત્ત સંયુક્ત બાગાયત અધિકારી ડી. ઝેડ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમના મુદ્દાઓને સમર્થન જાહેર કર્યું હતું. સાથે નવા અને જુના ટ્રસ્ટીઓ તથા વિવિધ કુળોના પ્રમુખો અને મંત્રીઓએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
