ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી 50 ઑક્સીજન કોન્સન્ટ્રેટર્સ અને ચાર વેન્ટિલેટર્સનું લોકાર્પણ કરતા રાજ્યપાલશ્રી : સરકાર હસ્તકની હોસ્પિટલને આ ઉપકરણો પહોંચાડાશે
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન દ્વારા ચાલી રહેલા “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી 50 ઑક્સીજન કોન્સન્ટ્રેટર્સ અને ચાર વેન્ટિલેટર્સનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પુરૂષાર્થ અને સમાજના સહયોગથી કોરોના મહામારી સામેનાં જંગમાં અવશ્ય સફળતા મેળવી શકીશું.
ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. ના મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા “કોરોના સેવાયજ્ઞ”માં 50 ઑક્સીજન કોન્સન્ટ્રેટર્સ અને ચાર વેન્ટિલેટર્સ મશીનનું દાન આપવામાં આવ્યું હતું. રાજભવન ખાતેથી રાજ્યપાલશ્રીએ આ ઉપકરણોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરત હોય તેવી હોસ્પિટલોમાં તેની ફાળવણી કરાશે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાની કોટેજ હોસ્પિટલ, વ્યારાની જનરલ હોસ્પિટલ ઉપરાંત ઝાલોદ, ધ્રાંગધ્રા તેમજ સાવરકુંડલાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળી પ્રત્યેકને દસ ઑક્સીજન કોન્સન્ટ્રેટર્સ તેમજ જી.એમ.ઈ.આર.એસ. સંચાલિત ગાંધીનગર, વડનગર, પાટણ અને હિંમતનગર ખાતેની મેડિકલ કોલેજને એક-એક વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરે, મેડિકલ સર્વિસીઝ કોર્પોરેરેશનના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રભવ જોશી, યુવા અનસ્ટોપેબલ ના સંસ્થાપકશ્રી અમિતાભ શાહ, ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના મુકુલ માધવ ફાઉન્ડેશનના શ્રી નીતૂલ બારોટ અને શ્રી ચિરાગ પાઘડાર અને રાજભવનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





