કેન્દ્ર સરકારની ટીમે ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત

ઉના તાલુકાના ગાંગડા, સામતેર દેલવાડા અને નલિયા માંડવી ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે કર્યો સંવાદ

કેન્દ્રીય ટીમે ખેતી, બાગાયત અને મકાનોને થયેલી નુકશાની અંગેનો તાગ મેળવી ઉના પ્રાંત કચેરી ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનીલ મુકીમ, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ યોજી વાવાઝોડા સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કામગીરીની સમીક્ષા કરી

ગુજરાત સરકારે વાવાઝોડા પૂર્વે અને પછી યુદ્ધના ધોરણે કામગીરી કરી છે :કેન્દ્રીય ટીમ

વાવાઝોડા સંદર્ભે તાત્કાલિક મદદ બદલ કેન્દ્ર સરકારનો આભાર માનતા મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ

ગુજરાત સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૪ કલાકમાં રસ્તા શરૂ કર્યા અને ઇલેક્ટ્રિસિટીના રિસ્ટોરેશન માટે રાત દિવસની કામગીરી થી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ
ગીર સોમનાથ
તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગામોની કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લઇ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો અને લોકો સાથે નુકશાની અંગેનો તાગ મેળવવા સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય ટીમના સભ્યોએ ઉના તાલુકાના ગાંગડા, સામતેર ,દેલવાડા અને નલિયા માંડવી સહિતના ગામોની મુલાકાત લઇ ગામમાં તેમજ બાગ-બગીચાઓ કે જ્યાં ખેતી અને બાગાયતી પાકોને વધુ નુકસાન થયું છે તે વિસ્તારોની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.
કેન્દ્રીય ટીમના સભ્યોએ અને ઉચ્ચ અધિકારીઓએ ઉના પંથકમાં કેરીના બગીચા તેમજ નાળિયેરીના પાકને થયેલા નુકસાન તેમજ ઘરવખરી મકાનોને થયેલા નુકસાનની વિગતો ગામ લોકો પાસેથી જાણી ને વાવાઝોડા પૂર્વે સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે તાત્કાલીક ખસેડવામાં આવતા વાવાઝોડા ની ભયાનકતા પ્રમાણે જાનહાનિ નહિવત ખૂબ ઓછી થઈ છે તેની પણ વિગતો સ્થાનિક અધિકારીઓ અને ગામ લોકો પાસેથી જાણી હતી.ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત વેળાએ રાહત કમિશનર હર્ષદ પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આપવામાં આવેલી તાત્કાલિક રાહતો અને સર્વેની કામગીરી અંગેની અને ગીર સોમનાથ જિલ્લાના કલેકટર શ્રી અજય પ્રકાશે સ્થાનિક જિલ્લામાં થયેલી રાહત બચાવ અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી સહાય અને સર્વેની કામગીરી તેમજ રિસ્ટોરેશન ની કામગીરી અંગેની માહિતી આપી હતી.ઉના તાલુકાના ગામડાઓની મુલાકાત બાદ કેન્દ્રીય ટીમે ઉના પ્રાંત કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ અને રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સથી મીટીંગ યોજી રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા પૂર્વે અને પછી તાત્કાલિક કરવામાં આવેલી કામગીરી ,અસરગ્રસ્ત લોકોને પહોંચાડવામાં આવેલી રાહતો અને ખેડૂતોના રાહત પેકેજ અંગે ની માહિતી આપી હતી.
મુખ્ય સચિવશ્રી એ કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક આપવામાં આવેલી મદદ તેમજ વડાપ્રધાન શ્રી દ્વારા વાવાઝોડા ના બીજા જ દિવસે નિરીક્ષણ અને ગુજરાતમાં એનડીઆરએફની 44 ટીમ દ્વારા રોડ પરથી ઝાડ અને અડચણો દૂર કરી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાત સરકારના સંકલન વચ્ચે વાવાઝોડા પૂર્વે આપવામાં આવેલી માહિતી લીધે લોકોને સાવચેત કરી પૂર્વ આયોજન કરાયું સહિતની તમામ કામગીરી માં કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મદદ અંગે તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે પણ ગુજરાતમાં તાત્કાલિક કરવામાં આવેલી કામગીરી ની સર્વગ્રાહી વિગતો આપી હતી.
મુખ્ય સચિવ શ્રી એ કહ્યું હતું કે પ્રભાવિત વિસ્તારોમાં ઇલેક્ટ્રિસિટી ના રિસ્ટોરેશન માટે યુદ્ધના ધોરણે કામગીરી થઇ છે .આ ઉપરાંત તાત્કાલિક મકાન અને ખેતી અંગેની નુકસાનના સરવે પૂર્ણ થઈ ગયા છે .તમામ પાત્રતા ધરાવતા સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તોને કેશડોલની સહાય ચૂકવી દેવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ વાવાઝોડા થી પ્રભાવિત થયેલા વિસ્તારોના ખેડૂતો માટે નુકસાની ના વળતર અંગેનું રૂપિયા ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેની પણ તાત્કાલિક અમલવારી કરીને સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજળી પાણી અને આવશ્યક સેવાઓ તેમજ કોરોના ના દર્દીઓ માટે કરાયેલું આયોજન સહિતની વિગતો આપવામાં આવી હતી.
કેન્દ્રીય ટીમએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વાવાઝોડા પૂર્વે અને પછી તાત્કાલિક રાહત અને મદદ લોકોને મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે ઇલેક્ટ્રિસિટી ના રિસ્ટોરેશન માટે ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી છે અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ છે . લોકોને જુદા જુદા પ્રકારની રાહતોને મદદ પહોંચાડવામાં આવી રહી છે તે અંગે પણ કેન્દ્રીય ટીમે સરકારની કામગીરીને આવકારી હતી.     આ મુલાકાતમાં ભારત સરકારના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રકાશ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક શ્રી  સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી શ્રી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક શ્રી મહેશ કુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક શ્રી જીતેશ શ્રીવાસ, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી શ્રી રાજીવ પ્રતાપ દુબે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મુલાકાત ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખટાલે, ઉનાના પ્રાંત અધિકારી ભાવના બા ઝાલા અને નાયબ કલેકટર શ્રી વિનોદ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM