જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા, પ્રજા પ્રતિનિધિઓનુ જન આંદોલન, અને પ્રજાજનોના સહયોગથીડાંગમા સો ટકા વેક્સીનેસન માટે તંત્રે કમર કસી છે ;સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સથવારે જિલ્લામા વ્યાપક જનજાગૃતિ કેળવાઈ
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
(ડાંગ માહિતી બ્યુરો); આહવા; તા; ૩; ‘કોરોના’ સામે ડાંગ જિલ્લાના પ્રજાજનોને સુરક્ષિત કરવાના ભગીરથ કાર્ય માટે કમર કસીને આગળ વધી રહેલા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓના સથવારે ગામેગામ વ્યાપક જનજાગૃતિ કેળવીને પ્રજાજનોને વેક્સીન માટે પ્રોત્સાહિત કરવામા આવી રહ્યા છે.ડાંગ જિલ્લામા લક્ષિત લાભાર્થીઓ સુધી સમયસર વેક્સીન પહોંચે, અને તેઓ ઉત્સાહભેર વેક્સીન લઈને કોરોનાને દેશવટો આપવાના કાર્યમા યોગદાન આપી શકે તે માટે, જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડયા, તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ કલોક કામગીરીમા જોતરાયુ છે.ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા ૨૪૯૭ હેલ્થ કેર વર્કર સહીત ૫૦૧૨ ફ્રન્ટ લાઈન વર્કર, અને ૫૮,૦૧૦ પિસ્તાલીસ વર્ષથી વધુ વયના લાભાર્થીઓ મળી કુલ ૬૫,૫૧૯ લાભાર્થીઓનો લક્ષ નિર્ધાર કરાયો છે. જે પૈકી તા.રજી જુન ૨૦૨૧ સુધી ૨૧૧૪ હેલ્થ કેર વર્કર (૮૫ ટકા), ૪૯૭૩ ફ્રન્ટ લાઈન વર્કર (૯૯ ટકા), ૨૮,૭૭૬ (૪૫ ) ૫૦ ટકા લાભાર્થીઓ મળી કુલ ૩૫,૮૬૩ લાભાર્થીઓ (૫૫ ટકા) ને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામા આવ્યો છે.જયારે ૧૮૦૯ હેલ્થ કેર વર્કર (૮૬ ટકા), ૩૧૦૫ ફ્રન્ટ લાઈન વર્કર (૬૨ ટકા), ૫૮૭૫ (૪૫ ) ૨૦ ટકા મળી કુલ ૧૦,૭૮૯ ૩૦ ટકા પ્રજાજનોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે.ડાંગ જિલ્લામા વેક્સીન લેવા બાબતે પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ, અફવાઓ, અંધશ્રદ્ધાઓ વિગેરે સામે તેમને સાચી સમજ અને માર્ગદર્શન મળી રહે, અને તેઓ વેક્સીન બાબતે પ્રોત્સાહિત થઇ શકે, અને અહી સો ટકા વેક્સીનેસન થાય તે માટે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા કે જેમને સરકારે ‘કોરોના’ સંદર્ભે ડાંગ જિલ્લાની વિશેષ જવાબદારી સોંપી છે, તેમના સહીત ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકર પણ વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શિત કરી રહ્યા છે.જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડયા એ પણ ગત તા.૨૦ મે ૨૦૨૧ થી જિલ્લામા વિશેષ ‘વેક્સીનેસન ડ્રાઈવ’ હાથ ધરીને આ કામગીરીને ઝડપી બનાવી છે. આ માટે જિલ્લાના દસે દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વેક્સીનેસનની કામગીરીમા મદદરૂપ થવા માટે જિલ્લા કક્ષાના ચુનંદા અધિકારીઓને ‘નોડલ ઓફિસરો’ તરીકે નિયુક્ત પણ કરાયા છે. જેમના દ્વારા સંબંધિત પી.એચ.સી.ના કાર્યક્ષેત્રના ગામોમા ‘ઓટલા પરિષદ’ અને ‘ચર્ચા સભાઓ’ યોજી સ્થાનિક જન પ્રતિનિધિઓની ભાગીદારીતા વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે.આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામા કાર્યરત ‘આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)’ તથા મહિલા મંચ, અને વર્લ્ડ વિઝન જેવી સામાજિક સંસ્થાઓના સહયોગથી ‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત ગત તા.૨૦ મે થી ૩ જુન ૨૦૨૧ સુધી ડાંગ જિલ્લાના ૩૦૯ ગામોમા ‘કોરોના જનજાગૃતિ રથ’ ફેરવીને વ્યાપક જનજાગૃતિ કેળવવામા આવી છે. આ રથના માધ્યમથી ટેસ્ટીંગ અને વેક્સીન બાબતે ગ્રામીણજનોને સાચી સમજ પૂરી પાડવામા આવી છે.સાથે સાથે સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્થાનિક ડાંગી બોલીમા વેક્સીન બાબતે જાગૃતિ સંદેશાઓનો પણ વ્યાપક પ્રચાર પ્રસાર કરવામા આવી રહ્યો છે.તો બીજી તરફ જિલ્લામા કામ કરતા ખાનગી દવાખાનાઓ, પરંપરાગત આયુર્વેદિક જડીબુટ્ટીઓનુ જ્ઞાન ધરાવતા વૈધરાજો વિગેરે પાસે નાની મોટી બીમારીઓના ઈલાજ માટે આવતા ગ્રામજનોને વેક્સીન બાબતે ખાસ પ્રોત્સાહિત કરવામા આવી રહ્યા છે. સાથે જુદા જુદા ધર્મ, સંપ્રદાયો, વિવિધ ધાર્મિક સંગઠનો, ગુરુજનો વિગેરે દ્વારા પણ તેમના અનુયાયીઓને વેક્સીન બાબતે વિશેષ પ્રોત્સાહન પૂરુ પાડવામા આવી રહ્યુ છે. તો જિલ્લાના ધારાસસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ, સંગઠનના વિવિધ હોદ્દેદારો વિગેરે દ્વારા પણ ગામેગામ અને ઘરે ઘર જઈને લોકોને સાચી સમજ આપવામા આવી રહી છે.જિલ્લાના અગ્રણી નાગરિકો, સામાજિક કાર્યકરો, સેલીબ્રીટીઝ વિગેરેને પ્રથમ વેક્સીન આપીને સમાજમા ઉદાહરણ પૂરુ પાડીને પ્રજાજનોને પ્રોત્સાહિત કરવામા આવી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ આવેલી વાજબી ભાવની દુકાનો, દૂધ મંડળીઓ એ.પી.એમ.સી. માર્કેટ, પંચાયત કાર્યાલયો, સહીત જિલ્લાના સાર્વજનિક સ્થળો, અને મુખ્ય માર્ગો ઉપર વેક્સીન બાબતેના જનજાગૃતિ સંદેશાઓને બખૂબી પ્રદર્શિત કરીને ચોતરફ જનજાગૃતિ કેળવવામા આવી રહી છે.આમ, ડાંગ જિલ્લામા સૌના સાથ અને સહયોગ સાથે પ્રજાજનોને ‘કોરોના’ સામે રક્ષણ આપવાનુ આ ભગીરથ કાર્ય હાથ ધરાયુ છે. જેમા સો ટકા સફળતા માટે જિલ્લાનુ આરોગ્ય વિભાગ રાતદિવસ એક કરીને કામે વળગ્યુ છે, તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહે એક મુલાકાતમા જણાવ્યુ છે.


