
રિપોર્ટ ડાંગ-અમરનાથ જગતાપ
આહવા: તા: ૩: ડાંગ જિલ્લામા ખરીફ પાકોના વાવેતરની પૂર્વ તૈયારી ચાલુ થઈ ગઈ છે. જે ધ્યાને લેતા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા તાજેતરમા પી.કે.વી.વાય. યોજના અંતર્ગત વઘઇ તાલુકાના દગુનીયા ગામમા “પ્રી ખરીફ વર્કશોપ” નું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડાંગ જિલ્લામા ચોમાસામા થતા પાકોની સેન્દ્રિય ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. પી.પી. જાવિયા દ્વારા સેન્દ્રિય પ્રવાહી ખાતરો તેમજ જૈવિક ફૂગ નાશકોનુ ખેતી પાકોમા મહત્વ, અને ઉપયોગીતાની સમજ આપવામા આવી હતી. કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી એસ.એન. ચૌધરી દ્વારા ખરીફ ઋતુના પાકોનુ આયોજન, અને વ્યવસ્થાપન તેમજ હવામાન આધારિત ખેતીમા થતુ નુકશાન ઓછુ કરવા માટે જરૂરી સૂચનો રજુ કર્યા હતા. વૈજ્ઞાનિક શ્રી જે.બી. ડોબરીયા દ્વારા ખરીફ પાકોમા બીજ માવજતથી લઈને કાપણી સુધીની સેન્દ્રિય વૈજ્ઞાનિક ભલામણ કરી, મૂલ્યવર્ધન દ્વારા આવી ઓર્ગેનિક ખેતપેદાશોનો સારો ભાવ લેવા નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ઇ-માર્કેટ પ્લેસ પર નોધણી કરવા માટેનુ માર્ગદર્શન પૂરુ પાડવામા આવ્યુ હતુ.
આ વર્કશોપમા ખેડૂતને ટ્રાયકોડર્માં સાથે જરૂરી ફોલ્ડરનુ વિતરણ કરી તેના ઉપયોગની પ્રેક્ટ્રિકલ સમજણ પણ આપવામા આવી હતી. કાર્યક્રમમા ખેડૂતભાઈઓ સેન્દ્રિય ખેતી કરવા કટિબધ્ધ થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવામા કે.વી.કે., વઘઈની ટીમ દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ. કે.વી.કે.ના વડા ડો. જી.જી. ચોહાણને આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

