અરવલ્લી વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા નવા આવિષ્કારો કર્યા . વિકાસની અનેક નવી દિશાઓ ખોલી . અનેક શોધો કરી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું . પણ પછી તેના વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતની ઊંઘ હરામ કરી દીધી . આજે વિશ્વના વિકસિત , અવિકસિત બધા દેશોના દાર્શનિકો , ચિંતકો અને વૈજ્ઞાનિકો વિશ્વમાં થઈ રહેલા પર્યાવરણના વિનાશ અંગે ચિંતિત છે . તેનાથી વિશ્વની સમગ્ર માનવજાત ઉપર જે સંકટના વાદળો છવાયા છે તેણે માનવ જાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો કર્યો છે . ૨૧ મી સદીમાં પર્યાવરણનો વિનાશ એ મોટી વિકરાળ સમસ્યા બની ગઈ છે. આજે સમગ્ર વિશ્વ સતત ભયના ઓથાર નીચે જીવી રહયું છે . ૨૧ મી સદીના વિકાસની ગુલબાંગો મારતા આપણે સૌ તેની ભયાનકતાથી થરથરી ઉઠીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસની સાથે વિનાશનાં પણ દ્વારો ખોલી નાખ્યા છે . વિજ્ઞાનનો અમર્યાદ અને સમજણ વગરનો ઉપયોગ આપણને કયાં દોરી જશે તેનો હજુ આપણને ” પાશેરામાં પહેલી પૂણી ” જેટલો જ લેશમાત્ર અનુભવ થયો છે . પર્યાવરણની અવગણનાના કારણે સમગ્ર વિશ્વમાં ન જોયા હોય , ન કલ્પ્યા હોય, ન સમજી શકાય તેવા કુદરતી બનાવો જેવા કે ધરતીકંપ , સુનામી , વાવાઝોડા , અતિવૃષ્ટિ , અનાવૃષ્ટિ , ઠંડી , ગરમીનું ઉંધુ ચક્ર, હિમશિલાઓનું ઓગળવું . ઓઝેન થરમાં ગાબડા , જંગલોમાં આગ જેવી અનેક આપત્તિઓ આજે સામાન્ય થઈ ગઈ છે. બીજી બાજુ આતંકવાદ , નકસલવાદ , હત્યા, લુંટફાટ, ચોરી , બળાત્કાર , વાયુ અને જળપ્રદુષણ , ખોરાકમાં ભેળસેળ , માનસિક પ્રદુષણ , ન કલ્પી હોય તેવી બીમારીઓ અને દવાઓ તથા કેમીકલ્સની આડઅસરો , આ બધુ આપણને વિશ્વ વિનાશની ભયાવહતાનું તાદ્રશ નિરૂપણ કરતી ” ૨૦૧૨ ” ફિલ્મની યાદ અપાવે છે . ૨૧ મી સદી વિકાસની બની રહેશે કે વિનાશની ? કહેવું વહેલું છે . વિનાશ તરફની ગતિ એટલી આગળ વધી જાય અને ત્યાંથી પાછા વળવાની સ્થિતિ જ ન રહે તે પહેલા જાગવું જરૂરી છે . લાખો વર્ષ પહેલાં ભારતના ઋષિમુનિઓએ પર્યાવરણનું ગહન ચિંતન કરીને વૈજ્ઞાનિક શોધો કરીને પર્યાવરણના રક્ષણ અને પોષણ માટે સચોટ ઉપાયો શોધ્યા હતા . વેદોમાં લખ્યું છે . “પૃથ્વી શાંતિ : અંતરીક્ષ શાંતિ : વનસ્પતયો શાંતિ : ” ઋષિમુનિઓ એ પોતાની પ્રાર્થના કદી મનુષ્યો સુધી સીમિત ન રાખતા સમગ્ર બ્રહમાંડના કલ્યાણ અને મંગલઅર્થે સમગ્ર જીવ સૃષ્ટિ માટે પણ કરી છે . વર્તમાનકાળના વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો ઉપર જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે સંશોધનો કરી રહયા છે , ત્યારે લાખો વર્ષ પહેલાં રચાયેલ વેદોમાં ‘ ‘ અંતરીક્ષ શાંતિ :,” એટલે કે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો ઉપર આવેલ જીવ સૃષ્ટિની શાંતિ માટે પણ પ્રાર્થના કરી છે . એટલું જ નહિ, વેદોમાં ” વનસ્પતયો : શાંતિ : ” ભારતના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝે કેટલાંક વર્ષો પહેલા શોધ્યું કે વનસ્પતિમાં જીવ છે, એ વાત લાખો વર્ષ પહેલાં ભારતનાં ઋષિમુનિઓએ વેદોમાં લખી છે , એટલું જ નહિ વનસ્પતિના રક્ષણ , પોષણ અને સંવર્ધન માટે માનવજાતને એક નવી દષ્ટિ અને નવી દિશા આપી છે . હિન્દુ ધર્મશાસ્ત્રોના ચિંતનમાં સમગ્ર પર્યાવરણનાં બધાં જ તત્વો જેવાકે તુલસી , પીપળો, વડ વગેરે વૃક્ષોની પૂજા કરીને વનસ્પતિના મહત્વને ધર્મ અને માનવ જીવનની દૈનંદિન પ્રવૃતિ સાથે વણી લીધા છે .” સાદુ જીવન ઉચ્ચ વિચાર ” વાળી વિકેન્દ્રીત , સ્થાનિક, કુદરત આધારિત , સ્વાવલંબી જીવન પધ્ધતિ તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે . ભારતીય જીવન પધ્ધતિમાં વ્યક્તિથી માંડી પરમેષ્ટી સુધી જીવ માત્રના કલ્યાણની “વસુધૈવ કુટુંમ્બકમ “ની સર્વજીવ હિતાવહ , સર્વ મંગલકારી , સર્વ કલ્યાણકારી આદર્શ વ્યવસ્થા હતી જે માનવીની સમગ્ર જીવ સૃષ્ટિ અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્યવાળી ઉચ્ચ જીવન શૈલી હતી . પુન : આ વ્યવસ્થાને વર્તમાન સમયને અનુરૂપ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે અને ધર્મ, નૈતિક મૂલ્યો , આહાર – વિહાર અને સામાજીક , આર્થિક પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી એક શ્રેષ્ઠ જીવન પધ્ધતિ – સમાજ વ્યવસ્થાના નિર્માણ માટે કાર્ય યોજના કરવાનો સમય પાકી ગયો છે . આજે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે . પર્યાવરણ રક્ષા એટલે જમીન , જળ , જંગલ , જાનવર અને જીવની રક્ષા. વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ભારતીય ચિંતનમાં ” ગૌમાતા ” નું સ્મરણ કરવું અતિ આવશ્યક છે .

ગૌમાતાનું જીવન જ પર્યાવરણ રક્ષાનું ઉતમ દ્રષ્ટાંત છે. ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્વ સમજીશું તો તેનું મૂલ્ય સમજમાં આવશે . ગૌમાતાનું પંચગવ્ય – દૂધ , દહીં , ઘી , ગૌમૂત્ર અને ગોબર અને સમગ્ર શરીર પર્યાવરણ રક્ષા માટે જ છે . કચ્છના પરમ વડીલ મિત્ર શ્રી વેલજીભાઇ ભુંડીયાએ ગાયના દૂધ અને ગોળના મિશ્રણને વનસ્પતિના છોડ, ફળ – ફૂલ, વૃક્ષ ના પોષણ અને ઝડપી વૃદ્ધિ માટેના પ્રયોગો કરી સિદ્ધ કરી બતાવ્યું છે કે આ મિશ્રણ બેસ્ટ ગ્રોથ પ્રમોટર છે. સાથે કીટ નિયંત્રક છે . આમ દૂધ અપ્રત્યક્ષ રીતે પર્યાવરણ રક્ષાનું કાર્ય કરે છે . ગાયનું દૂધ અમૃત છે . ગાયના છાશ , દહીં , માખણ અને ધી શ્રેષ્ઠ અને ગુણકારી છે . શ્રેષ્ઠ આહાર છે . ઉત્તમ ઔષધિ છે .તેના સેવન થી એટલી દવા અને કેમીકલની આડઅસરો ઘટશે . ઉતમ સ્વાશ્યની પ્રાપ્તિ થશે . જેટલો ઉપયોગ વધુ એટલી દવાની જરૂર ઓછી અને કેમીકલ્સની આડઅસર ઓછી.ગાયનું ઘી અને પંચામૃત જે યજ્ઞ- હવન માં ઉપયોગમાં લેવાય છે , તે એક જાતનું “ ફ્યુમીગેશન ” જ છે , “ હવાઈ સ્પ્રે ” જ છે . જર્મનીના વૈજ્ઞાનિક ડો. ઉલરીચ બર્કે “હોમા થેરાપી” ના પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે કે ગાયના પંચગવ્ય માં એન્ટીબેક્ટરિયલ ,એન્ટીફંગલ , એન્ટિવાયરસ પ્રોપર્ટી છે . ધી ના પ્રજવલનથી એસીટીલીક એસિડ , ફોર્મોડીહાઇડ જેવા અનેક વાયુઓનું ઉત્સર્જન પર્યાવરણને શુદ્ધ કરે છે . તાજેતરમાં મહર્ષિ મહેશ યોગી યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ દ્વારા હૈદરાબાદ નજીક કરાયેલ યજ્ઞ દ્વારા પણ આ વાતને વૈજ્ઞાનિક પુષ્ટિ મળી છે. એટલું જ નહીં . પરજન્ય તરીકે વરસાદને ખેંચી લાવવા માટે વાતાવરણ સાનુકુળ થાય છે . ઓઝોન લેયરમાં થતા ગાબડા ને રોકવાની તાકાત આવા યજ્ઞમાં છે પંચગવ્ય દ્વારા પયૉવરણ શુદ્ધિ ના અનેક પ્રયોગો ગાયત્રી પરિવાર હરિદ્વારની આધુનિક પ્રયોગશાળામાં થઇ રહ્યાં છે. ગૌમૂત્ર એન્ટી બેકટીરીયલ , એન્ટી વાઈરલ , એન્ટી કેન્સર , એન્ટી ઓકસીડન્ટ ગુણો ધરાવે છે . ગૌમૂત્રનો છંટકાવ ઘરની આસપાસ નું વાતાવરણ શુદ્ધ રાખે છે . ગૌમૂત્રનો પેસ્ટીસાઈડ , કીટનાશક તરીકેનો ઉપયોગ ઓર્ગેનીક ફૂડ માટે શ્રેષ્ઠ હોવા ઉપરાંત કેમીકલ દવાઓની ઝેરી અસરોથી બચાવી કરોડો જીવને આરોગ્ય પ્રદાન કરે છે . જમીનની ઉર્વરા શકિત વધારે છે . ગાયનું ગોબર ઉત્તમ ફર્ટીલાઇઝર- ખાતર છે તે આપણે સૌ જાણીએ છીએ. ગોબરમોથી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવતા વર્મીકમ્પોસ્ટ , પ્રવાહી જીવામૃત , ઘન જીવામૃત અને હ્યુમસ જમીનની ઉર્વરા શક્તિ વધારે છે. કેમિકલ અને પેસ્ટીસાઈડ થી જમીન ને બચાવે છે. ઉપયોગી માઇક્રોફલોરાની વૃદ્ધિ કરે છે . તંદુરસ્ત વૃક્ષ છોડ ની વૃદ્ધિ માં સહભાગી થાય છે. એલન સેવરી નામના વૈજ્ઞાનિકે ગાયોને જંગલમાં ચરવાથી જંગલોનો નાશ નહીં પરંતુ જંગલની વનસ્પતી સંપદામાં વૃદ્ધિ થયાનું પ્રતિપાદિત કર્યું છે . ગાયના ગૌમુત્ર અને ગોબર થી જમીનની ઉર્વરા શક્તિ વધવાથી આમ બન્યાનું તેનું તારણ છે. ફેકટરીઓનું પ્રદૂષણ ઘટે , કરોડો જીદગી આરોગ્યમય રહે, વક્ષો અને અન્ય જીવને નુકશાન ન થાય.એટલું જ નહીં જમીન પર પડતા ગૌમૂત્ર અને ગોબરથી અનેક વૃક્ષો અને વનસ્પતિથી હરીયાળી છવાઈ રહે છે . અબજો રૂપિયાના ડીઝલની આયાત બંધ થઈ જાય . હુંડીયામણ બચે . ગોબર વિકરણોનું શોષણ કરી જીવ માત્રનું રક્ષણ કરે છે . માટે જ આપણે ત્યાં ગોબરથી ધર- આંગણા માં લીપણની પધ્ધતિ વિદ્યમાન હતી . બળદ આધારિત ખેતી અને ટ્રાન્સપોર્ટ દ્વારા કરોડો રૂપિયાના ડીઝલની બચત ઉપરાંત ડીઝલનો ધુમાડો બંધ થતા પર્યાવરણ શુદ્ધિ થશે. સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે. ગાયના ગોબરમાંથી બાયોગેસ , સીએનજી બનાવવાથી પ્રદૂષણ અટકશે. કરોડો રૂપિયાનું હૂંડિયામણ બચે છે. તે વધુમાં , ગાયો ના ગોબર નો ઉપયોગ ઇકોફ્રેન્ડલી હાઉસ હોલ્ડ, કોસ્મેટિક અને ડેકોરેટિવ આર્ટીકલ્સ બનાવાના પ્રચલનની રાષ્ટ્રીય કામધેનુ આયોગે પહેલ કરી છે . ગાયના ગોબરમાંથી પર્યાવરણ રક્ષક ગણેશ લક્ષ્મી અને અન્ય દેવ- દેવીઓની તેમ જ મહાન પુરુષો ની મૂર્તિ , રોપાના કુંડા , દીવા , ધૂપબતી , પેન સ્ટેન્ડ , ટેબલ પીસ, ફોટો ફ્રેમ , કી ચેઇન , નેઈમ પ્લેટ , રાખડી, ધડિયાલ, ધૂળેટીના કલર, રંગોળી, ટાઇલ્સ, બ્રીક અને પેઇન્ટ જેવા અનેક ઘરગથ્થુ આર્ટીકલ્સ બનાવવાનું શરૂ થયું છે. જેથી મહિલા અને યુવા રોજગારી ના નવા દ્વાર ખુલ્યા છે . ગોબર માંથી બનાવેલી લાકડીઓ આજકાલ સ્મશાનમાં અગ્નિદાહ માટેના ઈમારતી લાકડાના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ થયું છે . જેથી વૃક્ષોનું છેદન અટકશે અને પર્યાવરણ રક્ષણ થશે . ગાયના મુત્યુબાદ ગાયના શબને જમીનમાં સમાધિ આપીને સમાધિ ખાતર ” બનાવાય છે , જે ખૂબ જ પૌષ્ટિક છે , ઓર્ગેનિક ખેતી માટે લાભદાયક હોવા ઉપરાંત ખેડૂતોને વિદેશી ફર્ટિલાઇઝરના ખર્ચામાંથી બચાવી શકે છે . ગાય – બળદના મૃત્યુ બાદ તેના શીંગડામાંથી બનતા “ શિંગ ખાતર ” તો એટલું મૂલ્ય છે કે તેની કિંમત લાખોમાં આંકી શકાય ! આ ખાતર ખેતરમાં છાંટી દેવાથી જમીનની ઉર્વરા શક્તિ અનેકગણી વધી જાય છે. ભારતના વૈજ્ઞાનિકો એ હમણાં ગાયના પંચગવ્ય અને હર્બલ ના મિશ્રણથી તૈયાર કરેલા દ્રવ્ય ના પ્રયોગો દ્વારા પ્રદૂષિત તળાવો, સરોવરો તથા નદીઓ નું પ્રદૂષણ દૂર કર્યું છે . જળ પ્રદૂષણ દૂર કરી શુદ્ધ જળ માટે આ શોધ અતિ ઉપયોગી પુરવાર થઈ શકે છે . ગાયની ઓરા વાતાવરણને પવિત્ર અને શુધ્ધ રાખે છે . ગાયનું સાનિધ્ય વાતાવરણની શુધ્ધતા ઉપરાંત પ્રેમ , કરૂણા , વાત્સલ્ય, દયા, મનની શાંતિ અને પવિત્રતા વધારવાનું તથા નકારાત્મક વિચારો અને વાઈબ્રેશનને રોકવાનું કાર્ય કરે છે. વ્યક્તિ, કુટુંબ , ગ્રામ , સમાજ અને વૈશ્વિક બંધુત્વની ભાવનાને સાકાર કરવાનું માધ્યમ છે ગાય , તેમ કહીએ તો ખોટું નથી . વર્તમાનકાળમાં ગાય નું મૂલ્ય સમજવા માં આપણે થાપ ખાધી છે . ત્યારે રખડતી ગાયોના ઉપરોક્ત ઉપયોગ દ્વારા પર્યાવરણ રક્ષા થશે , સ્વાસ્થ્ય રક્ષા થશે , જમીન રક્ષા થશે , સાથે ગૌરક્ષા થશે . ગાય હરતુ ફરતું ઔષધાલય છે . હરતુ ફરતુ આરોગ્ય કેન્દ્ર છે . હરતુ ફરતું દેવાલય છે . પર્યાવરણ દિન નિમિતે આપણે સૌ યથાયોગ્ય ગૌસેવાની વિવિધ પ્રવૃતિઓમાં જોડાઈ પ્રદુષણના કટુસત્યને પર્યાવરણ શુદ્ધિ માટેના સાનૂકૂળ કાર્યમાં પરિવર્તન કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ .


