પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે વનિકરણનું મહત્વ સમજાવ્યું પર્યાવરણનું જતન કરવા વૃક્ષારોપણ જ શ્રેષ્ઠ વિકલ્પ : શ્રી પ્રદીપસિંહ જાડેજા
પ્રકૃતિના જતનનો સકારાત્મક સંદેશો પાઠવવા ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ “તુલસી રથ”નું પ્રસ્થાન કરાવ્યું
ગૃહ રાજ્ય મંત્રી શ્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યસ્તરના વિશ્વ પર્યાવરણ કાર્યક્રમમાં જોડાયા
આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરીને પ્રકૃતિના જતનનો સંદેશો આપવા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપ સિંહ જાડેજાએ પોતાના મતવિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે વટવા વિધાનસભા વિસ્તાર સ્થિત વસ્ત્રાલમાં “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી હાથ ધરવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ રોપા વાવીને “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીની શરૂઆત કરી હતી.
કોરોનાની બીજી લહેરમાં સૌ નાગરિકો ઓક્સિજનનું મહત્વ સમજ્યા છે.વૃક્ષો ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત છે તેવા સમયે તમામ નાગરિકોને મહત્તમ વૃક્ષારોપણ કરીને ઓક્સિજનનું સ્તર વધારવા ગૃહ રાજ્યમંત્રીશ્રી એ અપીલ કરી છે.
આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ સાધતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી એ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ, વેદોમાં પ્રકૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. શાસ્ર્ત્રોમાં પણ વનિકરણ, પ્રકૃતિ પ્રેમી લોકોની ઉપસ્થિતિ અને ભાવ જોવા મળે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને વિશ્વમાં લોકો દ્વારા પ્રકૃત્તિનું શોષણ કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપ આજે વિશ્વભરમાં નવા રોગોનું પ્રચલન વધ્યું છે. આ પરિસ્થિતિમાં આજના પવિત્ર દિને પ્રકૃતિનું દોહન કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસ હાથ ધરવાનાા છે તેવો ભાવ શ્રી પ્રદીપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક લાગણીઓને પણ પ્રકૃતિ સાથે જોડવામાં આવી છે. “છોડ માં વસે રણછોડ“, સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું વટ સાવિત્રીનું વ્રત , વૃક્ષોની પૂજા, ઘર આંગણે તુલસી ક્યારો એ તેની પ્રતિતિ કરાવે છે.
પ્રકૃતિના શોષણના કારણે વિશ્વ આખુ ક્લાયમેટ ચેન્જ, ગ્લેશિયરનું પિગળવુ, અણધાર્યા પૂરની પરિસ્થિતિ, વાવાઝોડુ જેવી અનેક કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. જે બધાના મૂળમાં પ્રકૃતિનું અસંતુલન સમાયેલું છે તેમ શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.
શ્રી પ્રદિપસિંહ જાડેજા એ વાતાવરણમાં ઉમેરાતા શંકાસ્પદ પાર્ટિકલ મેટર (p.m. particle)ના કારણે માનવ શરીરમાં શ્વાસ ને લગતી વિવિધ સમસ્યાઓ અને રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં પ્રકૃતિનું જતન કરીને વધુમા વધુ વૃક્ષો વાવવા નાગરિકોએ સંકલ્પબધ્ધ થવાની પ્રેરણા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી હતી. હવામાં પ્રસરતા પ્રદુષણથી બચવા માસ્ક એ અનિવાર્ય બની રહ્યું હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.
શ્રી જાડેજા એ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેર માત્રમાં વટવા વિધાનસભા સ્થિત “જડેશ્વર વન” રાજ્યભરમાં સ્થપાયેલ એકમાત્ર વન બની રહ્યું છે જે રાજ્યભરનું અલૌકિક નજરાણું સાબિત થયુ છે. ૧૦ કરોડના ખર્ચે ૩૨ વીઘામાં તૈયાર થયેલ જડેશ્વર વન પ્રકૃતિના પ્રેમનો સંદેશો આપે છે.
આજના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૫ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ત્રણ લાખ રોપાનું જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરીને પ્રકૃતિનો જતન કરવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે તેમ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા દસક્રોઇ મામલતદાર કચેરીના કોન્ફરસરૂમના માધ્યમથી રાજ્ય સ્તરના વિશ્વ પર્યાવરણ ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિ પ્રેમી બનવા, તાઉ ‘તે વાવાઝોડામાં ધરાસાયી થયેલા વૃક્ષોના ભરપાઇ સ્વરૂપ ૨૧ લાખ નવા વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી.
આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ મેયર શ્રી કિરિટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન્ શ્રી હિતેશ બારોટ, અમ.મ્યુ.કોર્પોના દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત, અમદાવાદ મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઇ ભટ્ટ, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ, વન વિભાગના અધિકારીગણ સહિત અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી – પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.




