વિકાસનો આધારસ્તંભ, પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા અને વિજળી છે અમે ઉજવણી કરવા નહીં પણ લોકોના આશીર્વાદ લેવા આવ્યા છે
સફળતાપૂર્વક પાંચ વર્ષનું શાસન દાયિત્ય નિભાવીને લોકોની આશા, અપેક્ષાઓ-સંવેદનશીલતા, પ્રગતિશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતાના ચાર પાયાના આધાર પર પૂરી કરી છે.-: શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના આવાસ લોકાર્પણના લાભાર્થીને ચાવીનું, આવાસ લાભાર્થીને મંજૂરીપત્રનું તથા શહેરી અંતર્ગત બીએલસી ધટક હેઠળ મકાનનું બાંધકામ પૂર્ણ કરેલ હોવાના પ્રમાણપત્રનું મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની પાંચ બસોનું લીલી ઝંડી ફરકાવીને મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું
ભરૂચઃ શનિવાર :- તા.૧ લી ઓગષ્ટથી સમગ્ર રાજયમાં સુશાસનના પાંચ વર્ષના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને વિકાસ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના આવાસ લોકાર્પણના ૧૦ લાભાર્થીને ચાવીનું, આવાસના ૧૦ લાભાર્થીને મંજૂરીપત્રનું તથા શહેરી અંતર્ગત બીએલસી ધટક હેઠળ મકાનનું બાંધકામ પૂર્ણ કરેલ હોવાના ૧૦ લાભાર્થીને પ્રમાણપત્રનું મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સ્થળ પરથી વિતરણ કરાયું હતું. આ વેળાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની પાંચ બસોનું લીલી ઝંડી ફરકાવીને મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વિકાસનો આધારસ્તંભ, પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા અને વિજળી છે.. અમે ઉજવણી કરવા નહીં પણ લોકોના આશીર્વાદ લેવા આવ્યા છે. છેલ્લા પ૦ વર્ષોમાં જે સમસ્યાઓ હતી તેનું અમારી સરકારે નિદાન શોધી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે આથી આ કોઇ ઉજવણી નથી પરંતુ કરેલા સેવા કાર્યો લોકો સુધી લઇ જવાનો સેવા યજ્ઞ છે.
મંત્રીશ્રીએ કહયું કે અમારી સરકારે સફળતાપૂર્વક પાંચ વર્ષનું શાસન દાયિત્ય નિભાવીને લોકોની આશા, અપેક્ષાઓ સંવેદનશીલતા, પ્રગતિશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતાના ચાર પાયાના આધાર પર પૂરી કરી છે. આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા વિકાસ મંત્ર સૌના સાથ, સૌના વિકાસને ચરિતાર્થ કરવા આપણી સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જનસુખાકારી માટેની જે યોજનાઓ બનાવી છે જેનાથી લોકો સુખ, સુવિધા અને સુખાકારીમાં વધારો થયો છે જે આ સરકારની નીતિઓને આભારી છે એમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે માન. નરેન્દ્રભાઈ મોદીએ વિકાસવાદ, રાષ્ટ્વાદથી વિકાસકાર્ય શરૂ કર્યું, રસ્તાઓ, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, વિજળીની ચિંતા કરી કામો કર્યા છે. બહેનોની પ્રસુતિ વખતે જ્યારે ખભા પર ખાટલો નાખીને દોડવું પડતું હતું, આજે એ બધી સમસ્યાનો નિરાકરણ આવ્યું છે ઉદ્યોગોની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ફક્ત અમદાવાદ થી વાપી સુધીમાં જ વિકસિત હતા આજે ગુજરાતના દરેક ખૂણે ઉદ્યોગોનો વિકાસ થયો છે. મંત્રીશ્રીએ પાંચ વર્ષના વિકાસના કામોથી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રીએ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને કહયું કે વરસાદ પડે અને કોરોના જાય તે માટે તથા રાજય અને દેશની સુખાકારી માટે ઝાડેશ્વર સ્થિત ગાયત્રીમંદિરે પૂજન – અર્ચન કરી મંદિર ૨૪ પ્રદક્ષિણા પૂર્ણ કરી ગાયત્રી માતા જઈ અને મા-નર્મદાના આર્શિવાદ મેળવ્યા હતા તેમ પણ જણાવ્યું હતું.
ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કંડારેલા માર્ગ પર આજે ગુજરાત આગળ વધી રહ્યું છે અને વિકાસ કરી રહયું છે. ભરૂચ જિલ્લામાં થયેલા વિકાસના કામો જેવા કે મા-નર્મદામૈયા બ્રિજ જેને કારણે આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. શ્રવણ ફલાયઓવર બ્રિજ, મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, રસ્તાના કામો વિગેરે વિકાસકાર્યોની વિગતો આપી હતી. વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ સૌના સાથ- સૌના વિકાસ થકી ભરૂચ જિલ્લામાં થયેલા વિકાસકાર્યોની ઝાંખી કરાવી હતી.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ દ્વારા પ્રવચન કર્યું હતું. વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત થયેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમમુહૂર્તની વિગતો આપી હતી. અંતમાં આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સી.વી.લટાએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ દિનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૧૫૦ પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ૪૦ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની ૫૦ પાણી સમિતિ અમલીકૃત ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના કુલ અંદાજીત રૂ.૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ભરૂચ જિલ્લા ખાતે રૂ.૧૨૨.૫૦ લાખની પાંચ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ઉર્જા વિકાસ બોર્ડ દ્વારા નવનિર્મિત સેંગપુર ખાતે ૬૬ કેવિ સબ સ્ટેશનનું રૂ.૪.૬૨ કરોડના કામનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ સ્થળે ભારત સરકારના ગૃહમંત્રીશ્રી અમિત શાહ તથા પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા આગેવાનશ્રી મારૂતિશિંહ અટોદરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, આગેવાન પદાધિકારીઓશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, શ્રી દિવ્યેશભાઈ પટેલ, શ્રી નિરલભાઈ પટેલ, પ્રાંત અદિકારીશ્રી એન.આર.પ્રજાપતિ સહિત અધિકારી-પદાધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





