સૌના સાથથી – સૌના વિકાસના આણંદ જિલ્‍લાના સોજિત્રા ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિકાસ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાતની શાંતિ, સલામતિ અને સુરક્ષા  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સરકારની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને આભારી છે – ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે વર્ચ્‍યુઅલી વિકાસ દિવસ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત  જિલ્‍લાના વિવિધ ગામોના ૪૨૬ આવાસોનું લોકાર્પણ અને ૪૪૦ આવાસોનું ખાતમુહૂર્ત

ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્‍તે આવાસોના લાભાર્થીઓને મંજૂરી પત્રો અને આવાસોની કી એનાયત કરવામાં આવી

આણંદ – શનિવાર :: રાજયના ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારની દ્રઢ રાજકીય ઇચ્‍છા શકિતને આભારી હોવાનું કહ્યું હતું.  

          રાજયના ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ થી, સૌના વિકાસના” હેઠળ છેલ્લા સાત દિવસથી તા.૧ લી ઓગષ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તના જનસેવાના યજ્ઞરૂપી કાર્યક્રમો યોજાઇ રહ્યાં હોવાનું કહ્યું હતું.

          જે અંતર્ગત આજે તા.૭મી ઓગષ્ટના રોજ આણંદ જિલ્‍લાના સોજિત્રા ખાતે વિકાસ દિવસના કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજયની શાંતિ, સલામતિ અને સુરક્ષાને જોઇ દેશ- વિદેશના ઉધોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા આવે છે જેના લીધે ગુજરાતે ઔધોગિક ક્ષેત્રે પણ હરણફાળ વિકાસ કર્યો હોવાનું જણાવ્‍યું હતું.  

મંત્રીશ્રીએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા માર્ગે ચાલી ગુજરાતે આજે તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે. તેમણે ઉમેર્યુ કે આ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહીં પરંતુ પાંચ વર્ષના સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામોને જન-જન સુધી ઊજાગર કરવા માટેના કાર્યક્રમો છે.

મંત્રીશ્રી જાડેજાએ આજે વિકાસ દિવસ નિમિત્તે સમગ્ર રાજયમાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્‍દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમીતભાઇ શાહ, કેન્‍દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિનભાઇ ગડકરી તેમજ ગુજરાત મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં માર્ગ મકાન વિભાગના રૂા. ૧૬૫૦ કરોડના કુલ કામો સહિત વિવિધ વિભાગોના કુલ રૂા. ૫૩૦૦ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમોની ઝાંખી કરાવી હતી.

          ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતના વતનીઓ અને જેઓ વિદેશોમાં વસવાટ કરી રહ્યા છે તેઓને માટે પોતાના વતનનું ઋણ ચૂકવવા અને ઉજાગર કરવા માટેની આજથી શરૂ કરવામાં આવેલ વતન પ્રેમ યોજનાની જાણકારી આપી હતી.

           મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે અને આજે વડાપ્રધાનશ્રીએ ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે ખેડૂતોના કલ્યાણ માટે સાત પગલાં ખેડુત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજનામાં ખેડુતોને સિંચાઇ માટે દિવસે વીજળી આપવી જેવા અનેક ખેડુતલક્ષી નિર્ણયો આ સરકારે લીધા હોવાનું જણાવી જેનો લાભ રાજયના લાખો ખેડુતોને મળી રહ્યો હોવાનું કહ્યું હતું.

         મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓનો ખાત્મો બોલાવ્યો હોવાનું જણાવી  રાજયમાં શાંતિ, સલામતિ અને સુરક્ષાનું વાતાવરણ કાયમ બની રહે તે માટે વિવિધ કડક કાયદાઓ બનાવવામાં આવ્યાં છે. ગૌ હત્યા અને ગૌવંશને બચાવવા કડક કાયદો બનાવી આવા કૃત્યો કરનારને આજીવન કેદની સજા ફરમાવવાની જોગવાઇ કરવામાં આવી છે. માતા- બહેનોની સુરક્ષા માટે ચેઇનસ્નેચરોને સાત વર્ષની કડક સજા તથા હિન્દુ સમાજની બહેન- દિકરીઓને ભોળવી લવ-જેહાદ કરવાવાળા તત્વો સામે કડક કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ કે, વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને બચાવવા અને તેમની શાન ઠેકાણે લાવવા પાસાનો કાયદો, સાયબર ક્રાઇમ અટકાવવા પાસાના કાયદામાં જોગવાઇ કરવામાં આવી હોવાની જાણકારી આપી હતી.

          મંત્રી શ્રી જાડેજાએ રાજયના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર કામ કરી રહી હોવાનું જણાવી સરકાર રાજયના તમામ નાગરિકોની સુખ-સુવિધામાં વધારો થાય તે માટે કટિબધ્‍ધ હોવાનું કહ્યું હતું.

          આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને ઉપસ્‍થિત મહાનુભાવોના  હસ્‍તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત જિલ્‍લાના ૪૨૬ લાભાર્થીઓના કરવામાં આવેલ આવાસોના લોકાર્પણ અને ૪૪૦ લાભાર્થીઓના આવાસોના કરવામાં આવેલ ખાતમુહૂર્ત પૈકી પ્રતિકાત્‍મક સ્‍વરૂપે લાભાર્થીઓને સ્‍ટેજ ઉપરથી આવાસોની કી અને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા, જયારે ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આણંદ જિલ્‍લાને ફાળવેલ પાંચ બીએસ-૬ એસ.ટી.બસો પૈકી આણંદ સીટીએમ થઇ અમદાવાદ જતી બસને લીલીઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ ઉપરાંત સરદાર સાહેબના જન્‍મસ્‍થળ કરમસદ થી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી કેવડીયાને જોડતી સીધી બસનો પણ પ્રારંભ કરાવ્‍યો હતો..

          આ પ્રસંગે જિલ્‍લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલએ રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની સરકાર વિવિધ પ્રજાલક્ષી કલ્‍યાણની યોજનાઓના લાભાર્થીને મળવાપાત્ર લાભો સીધા તેમના હાથોહાથ પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું જણાવી રાજય સરકારના જનસેવા યજ્ઞ અંતર્ગત યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.

          પ્રારંભમાં જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જયારે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી જે. વી. દેસાઇએ આભારવિધિ કરી હતી.

          આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ,  પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજિયાન, સોજિત્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી રજનીકાંત પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન પરમાર, અગ્રણીઓ સર્વશ્રી રમણભાઇ સોલંકી, છત્રસિંહ જાદવ, અલ્‍કેશભાઇ પટેલ, મયુરભાઇ સુથાર, ભાસ્‍કરભાઇ ગોહિલ,  પ્રાંત અધિકારી શ્રીમતી મનિષાબેન બ્રહ્મભટ્ટ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *