રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર રહેતા છેવાડાના માનવીઓ સહીત રાજ્યભરના પ્રજાજનો પ્રત્યે અપાર સંવેદના સાથે કાર્યરત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારની કામગીરીના લેખાજોખા કરવાનો આ અવસર છે, તેમ જણાવતા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ આહવા ખાતે, આ સરકારે વ્યક્તિના ગર્ભાધાનથી લઈને મરણોત્તર ક્રિયાઓ સુધી શ્રેણીબદ્ધ યોજનાઓ અમલી બનાવીને જનસમુદાય પ્રત્યે સાચી સંવેદના પ્રગટ કરી છે તેમ જણાવ્યુ હતુ. વિકાસના માપદંડનો ખ્યાલ આપતા મંત્રીશ્રી એ રાજ્યના દરેક વિસ્તાર, અને વ્યક્તિના વિકાસને નજર સમક્ષ રાખીને આ સરકાર રાતદિવસ ખડેપગે સેવા કરી રહી છે તેમ જણાવ્યુ હતું. ગુજરાતના દસે દિશાઓમા થઇ રહેલા વિકાસ મેપનો ખ્યાલ આપતા મંત્રીશ્રીએ પ્રજજનોના આશીર્વાદ સાથે ગુજરાત અને ગુજરાતના વિકાસને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. ‘કોરોના કાળ’ મા જયારે વિશ્વ આખુ સ્તબ્ધ અને સ્થગિત થઇ ગયુ હતુ, ત્યારે પણ ગુજરાતે અડીખમ રહીને વિકાસની રફતારને રોકી નથી, તેમ મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ. સંવેદનશીલતા, પારદર્શિતા, પ્રગતિશીલતા, અને નિર્ણયાકતાના મુખ્ય ચાર આધાર સ્તંભો ઉપર કાર્યરત ગુજરાત સરકારે જનજનના વિકાસ માટે પરિશ્રમની પરાકાસ્ઠા સર્જી છે, તેમ તેમણે આ વેળા ઉમેર્યુ હતુ. વિકાસને વરેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકારના પાંચ વર્ષના જનકલ્યાણના કામોને પ્રજા સમક્ષ પેસ કરવાના સેવાયજ્ઞનો ખ્યાલ આપતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ની પરિકલ્પનાને વર્તમાન રાજ્ય સરકારે બખૂબી નિભાવી છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યું હતુ. છેવાડાના માનવીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ, પ્રોજેક્ટ્સનો અમલ કરીને ગુજરાતમા ચારેકોર વિકાસ થઇ રહ્યો છે તેમ જણાવતા શ્રી મંગલભાઈ ગાવિતે રાજ્ય, અને કેન્દ્ર સરકારના કાર્યક્રમો, યોજનાઓનો લાભ લેવા માટે જાગૃતિ કેળવવાનો અનુરોધ કર્યો હતો. જનપ્રતિનિધિઓ તથા અધિકારી, પદાધિકારીઓના સહયોગથી સાચા લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોચાડવાની હિમાયત કરતા પ્રમુખશ્રીએ ડાંગ જિલ્લાના સર્વાંગીણ વિકાસથી જનતાને સંતોષ છે, તેમ જણાવી પ્રજા અને સરકાર વચ્ચે સુચારુ સુમેળ સધાયો છે તેમ ઉમેર્યું હતુ. ‘વિકાસ દિવસ’ અન્વયે ડાંગ જિલ્લાના કુલ ૩૪૪ લાભાર્થીઓને રૂ.૪૧૨.૮૦ લાખની કિમતના ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ અંતર્ગત આવાસો એનાયત કરાયા હતા.જયારે અન્ય ૧૪૭૮ લાભાર્થીઓના કુલ રૂ.૪૪૩.૪૦ લાખના આવાસોના ખાતમુહુર્ત સાથે કુલ રૂ.૮૫૬.૨૦ લાખના કામો પ્રજાર્પણ કરીને ‘વિકાસ ઉત્સવ’ ઉજવાયો હતો. ‘વિકાસ દિવસ’ અંતર્ગત ડાંગ જિલ્લામા આહવા ખાતે નવિન બી.એસ.૬ એનીમેશન નોમ્સ ધરાવતી ૩ એસ.ટી.બસ પ્રજાર્પણ કરવામા આવી હતી. સાથે સાથે પૂર્વીય ડાંગ વિસ્તારના સરહદી સુબીર તાલુકા મથક ખાતે રૂ.૫૬૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવા મકાનનુ પણ સુબીર ખાતેથી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. ઉપરાંત રાજ્ય કક્ષાએથી ‘સ્વરાજ થી સુરાજ્ય સુધીની યાત્રા’ ના સૂત્ર સાથે સાથે શુભારંભ કરાયેલી ‘વતનપ્રેમ યોજના’ ની પણ જાણકારી પૂરી પાડવામા આવી હતી. ઉલ્લેખનિય છે કે, ‘સુશાસન ના પાંચ વર્ષ’ જનકલ્યાણના સેવાયજ્ઞ દરમિયાન ગત તા.૪થી ઓગસ્ટ ‘નારી ગૌરવ દિવસ’ અંતર્ગત મનરેગા યોજના હેઠળ તૈયાર કરાયેલી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બે આંગણવાડીઓના મકાનનુ પણ લોકાર્પણ કરાયુ હતુ. જેમા જામાલા ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાવિત, જયારે હનવતપાડા-૧ કેન્દ્રના લોકાર્પણ વેળા મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારુબેન વળવી ઉપસ્થિત રહ્યા હતા. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ ની વિગતો જોઈએ તો, ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ અંતર્ગત સને ૨૦૧૬/૧૭ થી સને ૨૦૧૯/૨૦ દરમિયાન કુલ ૧૭૧૯ લાભાર્થીઓને આવાસ એનાયત કરવામા આવ્યા છે. જે માટે રૂ.૨૦.૬૩ કરોડની સહાય લાભાર્થીઓના ખાતામા જમા કરાવવામા આવી છે. આ આવાસ માટે રૂ.૭૦ હજારની સહાયની રકમ વધારીને રૂ.૧ લાખ, ૨૦ હજાર કરવામા આવી છે. આવાસ સાથે મનરેગા યોજના હેઠળ રૂ.૨૦,૬૧૦ લાભાર્થીઓનો શ્રમફાળો, અને ‘સ્વચ્છ ભારત મિશન’ યોજના તળે રૂ.૧૨ હજાર શૌચાલયના મળી કુલ રૂ.૧ લાખ, ૫૨ હજાર, ૬૧૦ ની સહાય પૂરી પાડવામા આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને આવાસ સાથે બાથરૂમના બાંધકામ માટે બીજા રૂ.૫ હજારની સહાય પણ તાજેતરમા મંજુર કરવામા આવી છે. આ સિવાય જે લાભાર્થીઓ સમય મર્યાદામા આવાસનુ બાંધકામ પૂર્ણ કરે તેમને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના’ અંતર્ગત રૂ.૨૦ હજારની પ્રોત્સાહક રાશી પણ આપવામા આવે છે. સને ૨૦૨૦/૨૧ દરમિયાન ડાંગ જિલ્લામા ૧૮૩૭ આવાસનો લક્ષ નિર્ધાર કરાયો છે. જેની સામે આજદિન સુધી ૧૬૨૯ લાભાર્થીઓના આવાસ મંજુર પણ કરી દેવામા આવ્યા છે. આ યોજના અંતર્ગત ‘મેશન તાલીમ યોજના’ તળે જિલ્લાના કુલ ૫૦ કડિયાઓને આવાસ બાંધકામ અંગેની તાલીમ આપી, માસ્ટર કડિયા તરીકે તેમને પગભર કરવામા આવ્યા છે. ‘સ્વરાજ થી સુરાજ્ય સુધીની યાત્રા’ ના સૂત્ર સાથે સાથે શુભારંભ કરાયેલી ‘વતનપ્રેમ યોજના’ ની વિગતો જોઈએ તો, ગુજરાતના ગામડાઓના સર્વાંગીણ વિકાસના કાર્યો, અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવાનો યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. વતનપ્રેમીઓને જન્મભૂમી, માતૃભૂમિનુ ઋણ ચુકવવાની ઉત્તમ તક પ્રદાન કરવા સાથે ‘આત્મનિર્ભર’ સમાજ નિર્માણની દિશામા પણ આગળ વધવાનો અભિગમ છે. સરકાર, દાતાઓ, અને ગ્રામજનો વચ્ચે જનકલ્યાણના-વિકાસના ત્રિવેણી સંગમની રચના કરતી આ યોજના અંતર્ગત ગ્રામ વિકાસને લગતા શાળાના ઓરડા અથવા સમ્રાટ ક્લાસરૂમ, કોમ્યુનીટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી, મધ્યાહ્ન ભોજન યોજનાનુ રસોડુ અને સ્ટોર રૂમ, પુસ્તકાલય, વ્યાયામ શાળા અને સાધનો, સી.સી.ટીવી કેમેરા અને સર્વેલન્સ સીસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રીસાયકલીંગ ની વ્યવસ્થા, તળાવ બ્યુટીફીકેશન, એસ.ટી.સ્ટેન્ડ, સોલાર એનર્જી સીસ્ટમ વિગેરે પાયાના કામો હાથ ધરી શકાય છે. તમારી પસંદગીનુ ગામ, તમારી પસંદગીનુ કામ, તમારી પસંદગીની એજન્સી, અને સરકારનુ ૪૦ ટકા અનુદાન ધરાવતી આ યોજના વતનપ્રેમ વ્યક્ત કરવાનુ સબળ માધ્યમ બની રહેશે. આહવાના ડાંગ દરબાર હોલમા આયોજિત ‘વિકાસ દિવસ’ના કાર્યક્રમમા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન, આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત, સહીત સ્થાનિક પદાધિકારી અને હેદ્દેદારો, કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી સહીત જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રીઓ, અન્ય અમલીકરણ અધિકારીઓ, લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘોષક તરીકે બીજુબાલા પટેલ અને જલ્પા સોલંકીએ સેવા આપી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરીએ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. અંતે આભારવિધિ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આટોપી હતી. દીપ પ્રાગટ્ય સાથે શરુ થયેલા આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ પણ સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ.




