સૌનો સાથ અને સૌનો વિકાસ એ અમારી સરકારનું સુત્ર રહ્યું છે – ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
રાજય સરકારના પાંચ વર્ષના ૧ થી ૯ દિવસના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ૭ મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા. જે અંતર્ગત નવી દિલ્હી ખાતેથી દેશના ગૃહ મંત્રીશ્રી અમિત શાહ તથા દેશના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં તથા ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યના તમામ જીલ્લાઓમાં ૩૮૧.૬૫ કરોડના ૨૫,૦૦૮ આવાસોનું ઈ- લોકાર્પણ તેમજ ૭૦૩.૩૨ કરોડના ૪૬,૦૮૬ આવાસોનું ખાતમુહૂર્ત તથા બીજા અન્ય વિભાગોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું. આ કાર્યક્રમ રાજ્યના ૧૨૦ સ્થળોએ યોજાયો હતો.
જેમાં અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે ગ્રામ ગૃહ નિર્માણ,ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતમાં “વિકાસ દિવસ” સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો. જેમાં જીલ્લામાં “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ લાભાર્થીઓને ગૃહ પ્રવેશની ચાવી અને ખાતમુહૂર્ત અર્થે મંજૂરી તથા અંદાજીત ૭૨,૦૦,૦૦૦ લાખની ૩ નવીન એસ.ટી. બસોનું ચાવી આપીને લોકાર્પણ કરાયું. જેમાં અરવલ્લી જીલ્લાના ૨૬૬૦ આવાસો અને ગૃહ પ્રવેશ પત્રો તથા ૬૬ કે.વી. નવા સબસ્ટેશનો જેવા કે રંગપુર,લીંભોઈ તથા કુશ્કી ખાતે ઉભા કરાયા.
આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, આ કાર્યક્રમ સરકારના પાંચ વર્ષના કરેલ કામગીરી અંગેનો કાર્યક્રમ છે. સૌનો સાથ અને સૌનો વિકાસ એ અમારી સરકારનું સુત્ર રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની સરકાર પ્રજાને હર હંમેશ તેમની ચિંતા કરતી સંવેદનશીલ સરકાર છે. સરકાર દ્વારા પ્રજાને અનેક ભેટ સૌગતો અર્પી છે.જેમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક ક્ષેત્રોમાં કામો કર્યા છે. જેમાં કૃષિક્ષેત્રે, ખેડૂતોની વાત હોય, આવાસો ક્ષેત્રે, પશુપાલક ક્ષેત્રે, સિંચાઇ, ઉદ્યોગ ક્ષેત્રે, પીવાના પાણી, આરોગ્ય, રોજગારી, શિક્ષણ, રોડ,રસ્તા, માર્ગ વ્યવસ્થા,મહિલાઓ, બેટી બચાવો, મતસ્ય ઉદ્યોગ, તથા વાહનવ્યવહાર જેવા અનેકવિધ ક્ષેત્રે વિકાસના કામો આ સરકારે પૂર્ણ કર્યા છે. રાજયના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે. પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તા. ૨૦ નવેમ્બર ૨૦૧૬ થી અમલમાં મુકવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને તેમના સ્વપનનું ઘર મળે અને તેમનું જીવન ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે.પાકું ઘર આપવ માટે આ યોજન અંતર્ગત રૂ.૧.૨૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.
તેમણે વધુ ઉમેરતા જણાવાયું કે, આદિજાતી વિસ્તાર કે અન્ય વિસ્તારને રસ્તાઓ,પુલો, રેલ્વે ફાટક માટેના ઓવરબ્રીજ,દરેક નાના ફળિયાઓમાં રસ્તાઓ, ફોરલેન પુરા પાડવામાં આવ્યા છે. આવી સુખાકારી વ્યવસ્થા પ્રજાને મળી છે. નર્મદા યોજનાથી છેવાડાના ગામડા સુધી પાણી, સુજલામ સુફલામ યોજના, વનબંધુ યોજના, જળાશયોની યોજનાઓ હેઠળ અનેક લોકોને આવરી લેવાયા છે.ટપક પદ્ધતિથી પૂરતું પાણી મળે તે ક્ષેત્રે સરકાર કામો કરી રહી છે. રૂ.૨૧.૭૬૧ કરોડના ખર્ચે “નલ સે જલ” યોજના હેઠળ ૧૮ હજાર ગામડાઓના લોકોને શુદ્ધ પાણી આપવાની વ્યવસ્થાની કામગીરી પણ સરકાર આપી રહી છે. આ સરકાર વિકાસની યાત્રા અવિરત ચાલુ રાખશે. આ પ્રસંગે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા, જીલ્લા સંગઠન પ્રભારી શ્રીમતી જયશ્રીબેન, જીલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી બી.ડી.ડાવેરા, મામલતદારશ્રી ગઢવી, શ્રી ભીખાજી ઠાકોર, અધિકારીશ્રીઓ તથા આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






