ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૫૦ લાભાર્થીઓને કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ચાવી આપીને ગૃહ પ્રવેશ કરાવાયો

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૩૦૦ લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટેની સહાયના પ્રથમ ૩૦ હજારના હપ્તાના ચેકનું વિતરણ કલેકટરશ્રી અને ડી.ડી.ઓ.શ્રીના હસ્તે કરાયું

રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત સમગ્ર રાજયમાં જનસેવા કાર્યોના સેવાયજ્ઞનો એક સપ્તાહથી ચાલી રહ્યો છે. રાજય સરકાર દ્વારા આજના તા. ૦૭મી ઓગસ્ટને વિકાસ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર રાજયના વિવિધ વિભાગના રૂપિયા ૫૩૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી નીતિનભાઇ ગડકરી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમના હસ્તે પ્રતીકાત્મક રૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના બે લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. તેમજ આ યોજના અંતર્ગત મકાન બાંધવાની સહાય મેળવનાર બે લાભાર્થીઓને યોજનાના પ્રથમ હપતાના રૂપિયા ૩૦ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામીણ ) અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ- ૨૫૦ લાભાર્થીઓને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં આવ્યું છે. તેમજ ૩૦૦ લાભાર્થીઓ પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે આ યોજના અંતર્ગતની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)નો આરંભ તા. ૨૦ નવેમ્બર, ૨૦૧૬ થી કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ રાજયના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરવિહોણા અને કાચું આવાસ ધરાવતા કુટુંબોને ૨૦૨૨ સુધી પોતાના સ્વપ્નનું ઘર મળી રહે તેમજ તેઓનું જીવન ધોરણ ઉંચે આવે તેવો રાજય સરકારનો દ્રઢ નિર્ધાર છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને મકાન બાંધવા માટે રૂપિયા ૧ લાખ ૨૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. સાથે સાથે આ યોજનાના લાભાર્થીને પોતાનું મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત રૂ. ૨૦, ૧૬૦/- અને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ૧૨ હજાર પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની રકમ ત્રણ હપ્તામાં અનુક્રમે ૩૦ હજાર, ૫૦ હજાર અને ૪૦ હજાર એમ કરીને આપવામાં આવે છે.     આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દેવાંગીબેન દેસાઇ, સંબંધિત અધિકારી સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM