૭૫મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ
ઉત્તમથી સર્વોત્તમ થકી ગુજરાતે વિકાસના નવા સિમા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રીશ્રીની જાહેરાત: રાજ્યની ૫ર નગરપાલિકાઓને પીવાના પાણીના પ્રોજેક્ટ માટે રૂ.૭૮૦ કરોડ ફાળવાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં ગરીબોને ૫ લાખ ગેસ કનેક્શન અપાશે
ખેડૂતોને ગોડાઉન બાંધવા રૂ. ૩૦ હજારની સહાયમાં વધારો કરી રૂ. ૫૦ હજાર ચુકવાશે
જનહિતના કાર્યોમાં પ્રેરીત કરવા નગરપાલિકાઓને સ્ટાર રેન્ક અપાશે
જૂનાગઢમાં મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન ઝીલી સ્વાતંત્ર્ય સેનાનીનું કર્યુ સન્માન, પોલીસના સાહસ હેરત ભર્યા શો નિહાળી ગુજરાત પોલીસને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના પ્રજાજનોને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી ગુજરાતના વિકાસની ગૌરવગાથા જણાવતા કહ્યુ કે, ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજ થી સુરાજ્યના સંકલ્પ સાથે ઉત્તમથી સર્વોત્તમ બનવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે.
ગુજરાતની હરીફાઇ હવે કોઇ રાજ્ય સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે તેમ સગૌરવ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયા પર હવે વિશ્વકક્ષાના સ્થાપિત થઇ રહેલા પ્રોજેક્ટ્સ અને ગુજરાતની નવી ઉંચાઇ અને સિદ્ધિઓ જણાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સંત, શૂરા અને ગરવાગઢ ગિરનાર અને ગીરના સિંહોની ભૂમિ પરથી ૭૫મા સ્વાતંત્રય પર્વ અને આઝાદી કા અમૃત મહોત્સવની શુભકામના પાઠવી જૂનાગઢને ભારતનું અભિન્ન અંગ બનાવવા લોકશક્તિ સાથે આરઝી હકૂમતની લડત કરનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ દેશની આઝાદી માટે ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીના સ્વાતંત્ર્ય સંગામના વીરો-શહીદોને વંદન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ૭૫માં સ્વાતંત્રય પર્વ નિમિતે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉજ્જવલા ૨.૦ યોજનાની જાહેરાત કરી છે તે અંતર્ગત ગુજરાતમાં પાંચ લાખ ગેસ કનેક્શન રાહત દરે આપવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની બાવન નગરપાલિકાઓને દૈનિક પાણી પુરવઠા યોજના માટે ૭૮૦ કરોડની ફાળવણી કરાશે. યોજના દીઠ રૂ.૧૫ કરોડનો લાભ મોટી નગરપાલિકાઓને મળશે. રાજ્યની નગરપાલિકા જનહિતમાં કાર્યો કરવા પ્રેરાય તે માટે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સહાય ધોરણમાં વધારો કરતા જણાવ્યુ હતુ કે, હવે આ યોજનામાં ખેડૂતને ગોડાઉન બનાવવા રૂ.૩૦ હજારના બદલે રૂ.૫૦ હજાર આપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કોરાનાના સંક્રમણને કાબુમાં લેવાયેલા પગલા, તાઉતે વાવાઝોડામાં ખડેપગે રહીને અસરગ્રસ્ત લોકો-ખેડૂતોને તાત્કાલિક સહાય-સધિયારો, કિસાનોને પ્રગતિ માટે સહાય, મહિલાઓના ઉત્કર્ષ, દિવ્યાંગો, ગંગાસ્વરૂપા બહેનો, યુવાઓને રોજગારી તેમજ પાંચ વર્ષમાં સુશાસન, ઇમાનદારી અને સંવેદના પુર્વક સેવાકીય કામગીરી થકી કરેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી. ગુંડાગીરી નાબુદી, ગૌ હત્યા નિવારણ, ભૂ-ડ્રગ્સ માફીયા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ કહી ગુજરાતમાં પ્રજાની શાંતિ-સુખાકારી અને સલામતિ માટે લેવાયેલા શ્રેણી બદ્ધ પગલાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ વતન પ્રેમ યોજનાનુ ગીત નિર્દશર્ન નિહાળી આ યોજના વતન પ્રત્યેનો ઋણ ચુકવવાનો અવસર પુરો પડે છે તેમ જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસને વધુ સજ્જ કરવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના ખોરી ડામવા ગુજરાત પોલીસને ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા અર્પણ કર્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથ કેમેરાથી સજ્જ પોલીસ કેમેરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતુ. પોલીસમેન અને અધિકારીઓને કેમેરા અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલી સ્વાતંત્ર્ય સેનાની લાભશંકરભાઇ દવેનું સન્માન કરી વૃક્ષારોપણ કર્યુ હતુ.
આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા રશીયન પીટી, જીમ્નાસ્ટીક, મલખમ, દેશની એકતાને ઉજાગર કરતુ લેજીમ નૃત્ય, દિલધડક મોટરસાઇકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવંતા શ્વાન દળનું નિદર્શન અને અશ્વ શો એ કૌવત અને કૌશલ્ય દેખાડ્યુ હતુ. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત સૌ કોઇ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સી.વી.સોમ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, સચિવશ્રી લોચન ચહેરા, ડીજીપી શ્રી આશિષ ભાટિયા, ઓ.એસ.ડી.શ્રી ડી.એસ.શાહ, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઇ માલમ, બાબુભાઇ વાજા, ભીખાભાઇ જોશી, હર્ષદભાઇ રીબડીયા, જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ, ડી.ડી.ઓ.શ્રી મીરાંત પરીખ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો કોવીડ પ્રોટોકોલનુ પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા.



