
છોટાઉદેપુર ખાતે ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ યોજાયો
છોટાઉદેપુર:
રાષ્ટ્રીય શાયરનું બિરૂદ પામનાર અને ગુજરાતી સાહિત્યને નવી ઉંચાઇએ લઇ જનાર સાહિત્યકાર, પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાાણીએ લોકસાહિત્યના વિખેરાયેલા મોતીઓ ભેગા કરી એક દોરામાં પરોવવાનું કામ કર્યું છે એમ, રાજયના ગ્રામગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું.
છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામિનારાયણ સત્સંગ હોલમાં ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી, જન્મજયંતિ નિમિત્તે આયોજીત કસુંબીનો રંગ ઉત્સવમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણી જેવા શિરમોર સાહિત્યકાર દ્વારા સર્જાયેલા સાહિત્ય, લોકગીતો, નવલકથાઓ વગેરેથી યુવાપેઢી અવગત થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમ, જણાવી તેમણે ઝવેરચંદ મેઘાાણીના જીવન કવનનો પરિચય આપી તેમણે દ્વારા રચવામાં આવેલી સાહિત્યકૃતિઓની વિગતે છણાવટ કરી રવિન્દ્રનાથ ટાગોર પણ ઝવેરચંદ મેઘાણીની રચનાઓથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે સાહિત્યકારની સાથો સાથ મેઘાાણીએ પત્રકારત્વ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીની પણ તેમણે નોંધ લઇ તેમની બહુમુખી પ્રતિભાને બિરદાવી હતી. વધુમાં તેમણે મેઘાણીરચિત શૌર્યગીતોએ આઝાદીના શુરવીર લડવૈયાઓને અપ્રતિમ બળ પુરૂં પાડયું હતું એમ કહી તેમણે લોકસાહિત્યના સંપાદન માટે તેમણે કરેલી અથાગ મહેનત માટે સાહિત્ય જગત હંમેશ માટે તેમનું ઋણી રહેશે એમ જણાવ્યું હતું.
છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યમાં આપેલા નોંધપાત્ર યોગદાનની સરાહના કરી તેમના જીવન કવન વિશે વિગતે જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ઝવેરચંદ મેઘાાણી લિખિત કૃતિઓનું જિલ્લામાં આવેલી તમામ લાયબ્રેરીઓને વિતરણ કર્યું હતું. આ ઉપરાંત મેઘાણીના જીવન કવન ઉપર બનેલી ટુંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં કલાવૃંદ દ્વારા મેઘાણી રચિત ગીતો, લોકગીતો આધારિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા સરકારી પોલિટેકનિક પ્રાધ્યાપક સુશ્રી પ્રસંશાબેન પંડયાએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી મેઘાાણીએ ગુજરાતી સાહિત્યક્ષેત્ર કરેલા ખેડાણની આછેરી ઝલક વ્યકત કરી હતી. કાર્યક્રમની આભારવિધિ શિક્ષણ નિરીક્ષક ઇમરાન સોનીએ આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, અધિક નિવાસી કલેકટર બારીઆ, પ્રાંત અધિકારી ઉનડરકટ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.પવાર, રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, અન્ય અધિકારી, પદાધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




