વલ્લભવિદ્યાનગર ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી અંતર્ગત યોજાયેલ કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ
આણંદ – ગુજરાત વિધાનસભાના દંડક શ્રી પંકજભાઇ દેસાઇએ કવિ, લેખક, પત્રકાર, વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રાષ્ટ્ર ચેતનાને શબ્દના સથવારે પહોંચાડી હતી. શ્રી ઝવેરચંદ મેઘાણી ૨૦૦ થી ૫૦૦ વર્ષ ચાલે એટલું લોકસાહિત્યનું ભાથું મૂકતાં ગયા છે તેમ જણાવી રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ શબ્દને જીવાડવાનું અને ગુજરાતી ભાષાને અમરત્વ રાખવાનું કાર્ય કર્યું હોવાનું કહ્યું હતું.
આજે વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ પ્રસંગે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શિક્ષણ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલ કસુંબીનો રંગ ઉત્સવ પ્રસંગે શ્રી પંકજભાઇ દેસાઇએ રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવાં મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીજીની સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. પાળિયાને બેઠાં કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર -ઘર સુધી પહોંચાડયા હોવાનું જણાવ્યું હતું.
શ્રી દેસાઇએ શ્રી મેઘાણીજીએ સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું જણાવી .તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા, વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે તેમ કહ્યું હતું.
શ્રી પંકજભાઇ દેસાઇએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ રચેલાં કાવ્યો, નવલકથાઓ, લોકકથાઓ, શૌર્યગીતો તેમના અવસાનના આટલો વર્ષો પછી પણ સૌ સાહિત્યકારો અને આપણાં કંઠે ગૂંજી રહ્યા છે તેમ જણાવી દરેક ઉંમરના લોકો તેમના સાહિત્યના વાંચનથી અભિભૂત થાય તેવી તેમની લેખનશૈલી દ્વારા ગુજરાતની જનતામાં શૌર્ય, બલિદાન, ત્યાગ, પ્રેમ અને ખૂમારીના મુલ્યોનું સિંચન કર્યું હોવાનું કહ્યું હતું.
વિધાનસભાના દંડક શ્રી પંકજભાઇ દેસાઇએ શ્રી ઝવેરચંદ મેઘાણીએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન, લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે ૮૮ જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, પ્રગટ થયાં અને ખૂબ જ આવકાર પામ્યા હતાં. લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને ગુજરાતી ભાષાની સેવા માટે અપાતો શિરમોર એવો સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઈ.સ. ૧૯૯૯ માં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
શ્રી દેસાઇએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જીવનગાથા વર્ણવી રાજયના મુખ્ય મંત્રી
શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ જયારે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે ત્યારે ગૌરવની લાગણી વ્યકત કરી કસુંબીનો રંગ ઉત્સવ આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી નીવડશે તેવી આશા વ્યકત કરી હતી.
શ્રી દેસાઇએ લોકસાહિત્યના મહેરામણ એવા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમના દ્વારા સંપાદિત કરાયેલ સાહિત્યને વાંચવા, વંચાવવા અને તેના સારને આત્મસાત કરવા આજની યુવા પેઢીને અપીલ કરી શત શત નમન વંદન કર્યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં દેશની આઝાદી માટે અને રાષ્ટ્ર માટે જેઓએ યોગદાન આપ્યું છે તેનાથી આજની યુવા પેઢીને ઝાંખી થાય અને તેમાંથી પ્રેરણા મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાષ્ટ્રીય શાયર
શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી પ્રસંગે રાષ્ટ્ર હિત માટે કામ કરનારને શત શત નમન કરીએ તેમ જણાવી ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીનો હેતુ સમજાવી જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ અને ૩૫-એ હટાવવાનું તેમજ કોરોના સમયમાં નાગરિકોની આરોગ્ય સુખાકારી તેમજ રાષ્ટ્રની ૮૦ કરોડની જનતાને આગામી દિવાળી સુધી વિનામૂલ્યે અનાજ પુરૂં પાડવામાં આવી રહ્યું હોવાનું જણાવી આજની યુવા પેઢીને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવનકાર્ય, વિચારો અને સાહિત્યિને માણવા જણાવ્યું હતું.
પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપિત ડૉ. શિરીષ કુલકર્ણીએ સ્વાગત પ્રવચન કરી માણસના જીવન-વ્યવહાર-વાણીમાં સાહિત્ય કેવી રીતે બદલાવ લાવી શકે છે, દુ:ખ અને મુંઝવણના સમયમાં સાહિત્યનો સંગાથ લેવાથી દુ:ખ અને મુંઝવણ દૂર કરી શકાય છે તેમજ માણસમાં કેવી રીતે બદલાવ લાવી શકે છે તેની એક ટૂંકી વાર્તા થકી સમજ આપી સાહિત્ય માનવીને જીવનમાં દિશા-દર્શન કરવાનું કામ કરે છે તેમ કહ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી પંકજભાઇ દેસાઇ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા-તાલુકાના ગ્રંથાલયોના ગ્રંથપાલોને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો મેઘાણી કોર્નરના હેતુસર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન પર આધારિત એક ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ રસપૂર્વક નિહાળી હતી.
આ પ્રસંગે ડૉ. નિર્મળદાન ગઢવીએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌના મનને મોહી લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર શ્રી પી. સી. ઠાકોર, સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. જયોતિબેન તિવારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી લલીત પટેલ, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી મનાત, પ્રાધ્યાપકો, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




