મેઘાણીજી ગુજરાત અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક સાહિત્યકાર છે તેઓ પ્રખર પત્રકાર હતા અને પત્રકારિતાના સ્પર્શને લીધે તેમના સાહિત્યમાં અદના આદમીને સમજાય તેવી સરળતા અને રોચકતા આવી – ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા

વડોદરામાં શિરમોર સાહિત્ય શિલ્પી મેઘાણીજીની સવાસોમી જન્મ જયંતિની થઈ ગૌરવભરી ઉજવણી

મ. સ.વિશ્વિદ્યાલયના સંકલન થી રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કરવામાં આવ્યું આયોજન

વડોદરા તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૧ (શનિવાર)ઝવેરચંદ કાળીદાસ મેઘાણીજી પોતાને પહાડનું બાળક ગણાવતા તેનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેઓ ગુજરાતનું પરમ ગૌરવ અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક છે. તેઓ તેમના સમયના પ્રખર પત્રકાર હતા અને પત્રકારિતાના સ્પર્શથી તેમનું સાહિત્ય ખૂબ ઉચ્ચ કક્ષાનું હોવાની સાથે અદનો માણસ સમજી અને માણી શકે એવું સરળ બન્યું. તેમણે જંગલો અને પહાડો ખૂંદીને,નેસડે નેસડે ફરીને લોક કાવ્યો, લોક ગીતો,શૌર્ય કથાઓ જાણીને,લોકો સમક્ષ મૂકીને આ ગૌરવ વારસાની કાયમી સાચવણી નિશ્ચિત કરી જે એક ખૂબ મોટું યુગ કાર્ય ગણાય.તેની સાથે તેમણે સિંધુડો અને અન્ય રચનાઓ દ્વારા જુલ્મી અંગ્રેજો સામે જાણે કે સિંહ ગર્જના કરી અને જેલવાસ પણ ભોગવ્યો. તેઓ બુલંદ કંઠના માલિક હતા અને પૂજ્ય બાપુ અને ગુરુવર રવીન્દ્રનાથ ઠાકુરે તેમના કંઠે ગીતોનો આકંઠ રસાસ્વાદ માણ્યો હતો.

રાજ્ય સરકારે શિરમોર સાહિત્ય શિલ્પી ઝવેરચંદ મેઘાણીજીની સવાસોમી જન્મ જયંતી કસુંબીનો રંગ ઉત્સવ ઉજવવા માટે તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાના કાર્યક્રમો અને શાળા,કોલેજ અને વિશ્વ વિદ્યાલય કક્ષાએ આ મહાન સાહિત્ય સેવક દ્વારા સંપાદિત લોક ગીતોની સ્પર્ધાનું આયોજન કર્યું છે.

ગૃહ મંત્રીએ તેના ભાગરૂપે રાજ્યના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વડોદરા કચેરી દ્વારા,જિલ્લા પ્રશાસન, મ.સ.વિશ્વ વિદ્યાલય અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોજેલા મેઘાણી સવાસોમો જન્મોત્સવ ઉજવણીનો મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે પ્રારંભ કરાવ્યો હતો.

મેઘાણીજીએ તેમના સાહિત્ય સર્જનમાં ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિનો ધબકાર ઝીલ્યો છે તેવી લાગણી વ્યક્ત કરતા ગૃહ મંત્રીએ, તેમણે ગોળમેજી પરિષદમાં જતા બાપુને સંબોધીને લખેલા છેલ્લો કટોરો ઝેરનો કાવ્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમના વિરાટ વ્યક્તિત્વમાં સંવેદનશીલતા, વીરતા,ઝનૂન,જુસ્સોનો સમન્વય જોવા મળે છે.

વડોદરાના રાજા અને પ્રજાએ સ્વતંત્રતાની લડતમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે જેનો ઉલ્લેખ છેક ૧૮૫૭ થી જોવા મળે છે તેવી જાણકારી આપતાં તેમણે કહ્યું કે, આ લડતના શહીદોની શહાદતને રાષ્ટ્રે કાયમ યાદ રાખવી જ રહી. તે માટે જ આઝાદી અમૃત પર્વ અને મેઘાણી જયંતિની ઉજવણીના વ્યાપક આયોજનો ભારત સરકાર અને રાજ્ય સરકારે કર્યા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે સાબરમતી જેલમાં મેઘાણી જે કુટિરમાં રહ્યા હતા તે કુટિરને મેઘાણી સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં પુસ્તકાલયો માટે મેઘાણી સાહિત્ય સંપુટનું મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને સનત પંડ્યા કલા મંડળે મેઘાણી ગીતોની સરવાણી વહાવી હતી.

પ્રારંભમાં સૌનો આવકાર કરતા એમ.એસ. યુનિ.ના કાર્યકારી કુલપતિ પ્રો.એન.એમ.પરમારે જણાવ્યું કે મૂર્ધન્ય અને લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતીએ કસુંબીનો રંગ ઉત્સવ યોજીને રાજ્ય સરકારે ઉત્તમ કાર્ય કર્યું છે.રાજ્ય સરકાર યુવાઓમાં ચારિત્ર્યનું નિર્માણ અને રાષ્ટ્ર ઘડતર થાય તે માટે સતત સંવેદનશીલ છે.

આ અવસરે મેયર શ્રી કેયુર રોકડીયા,સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઈ સુખડીયા,કેતનભાઈ ઈનામદાર, મનીષાબેન વકીલ, શૈલેષભાઈ મહેતા,સીમાબેન મોહિલે,અગ્રણી ડો.વિજય શાહ,અશ્વિનભાઈ પટેલ, પદાધિકારીઓ, કલેક્ટર શ્રી આર.બી.બારડ, પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ,વિવિધ ફેકલ્ટીના ડીન સહિત કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં મેઘાણીજીના પ્રેરક જીવનના મેઘધનુષી રંગોનું નિરૂપણ કરતું દસ્તાવેજી ચલચિત્ર બતાવવામાં આવ્યું અને વિશ્વ વિદ્યાલયમાં ભણતા પાંચ વિદેશી સંશોધક વિદ્યાર્થીઓએ ગૃહ મંત્રીશ્રી અને સાંસદશ્રીનું સ્વાગત કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM