નવસારીના રામજીમંદિર હોલ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

રાજય મંત્રી શ્રી રમણલાલ પાટકરે શ્રી ઝવેરચંદ મેઘાણીની બહુમુખી સાહિત્યિક પ્રતિભા અને પ્રદાનને યાદ કરી ભાવાંજલી આપી

સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી મેઘાણી રચિત વિવિધ ગીતોની સુંદર પ્રસ્તૃતિનો દર્શકોએ ભાવસભર થઇ રસાસ્વાદ માણ્યો

નવસારી/શનિવાર : નવસારી ના રામજીમંદિર હોલ ખાતે વન અને આદિજાતિ વિભાગના રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને તેમને ભાવાંજલી આપવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી મેઘાણી રચિત વિવિધ ગીતોનો સંગીત ગ્રુપ દ્વારા સુંદર પ્રસ્તૃતિનો મહાનુભાવો તેમજ દર્શકોએ રસાસ્વાદ માણ્યો હતો.

                રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રે અનન્ય પ્રદાનને યાદ કરતાં વનમંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું  કે, ગુજરાતી સાહિત્યનું શિરમોર નામ અને ગુજરાતી સાહિત્યનું વિરાટ વ્યક્તિત્વ એટલે મેઘાણીજી. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક અને સાહિત્યકાર હતા. તેમણે સૌરાષ્ટનાં ગામડાઓ, કસ્બાઓ, ગીરનાં અડાબીડ જંગલો, નેસડાઓમાં રઝળપાટ કરીને શૌર્ય વાર્તાઓ, બલીદાન, ત્યાગ, પ્રેમ-સંમર્પણની વાતો, રાસડાઓ, દુહાઓ, લોકવાર્તાઓ શોધીને પોતાની કલમ થકી  ખમીરવંતી કથાઓને અક્ષરદેહ આપ્યો હતો. સૌરાષ્ટના ખૂણુખૂણેથી લોકગીતોના મોતી એકઠા કરવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું. તેમના અમરગીતો આજના સમયમાં પણ એટલાં જ પ્રસ્તૃત છે.

                સત્યાગહ સગ્રામ વખતનાં તેમના પ્રદાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમના શૌર્યગીતો ‘સિંધુડો’ માટે તેમને બે વર્ષનો કારાવાસ થયો હતો. ગાંધીજી જયારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે તેમણે લખેલું ‘છેલ્લો કટોરો આ ઝેરનો’ કાવ્ય ગાંધીજીના અંતરતમનો પડઘો પાડતું હતું. એમના સર્જનમાં વતનપ્રેમ ઠાંસોઠાંસ ભરેલો રહેતો.

                આ પ્રસંગે તેમણે શ્રી મેઘાણી રચિત કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું સહિતના કાવ્યોને યાદ કર્યા હતા અને ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું મહત્વનું પ્રદાન હોવાનું જણાવ્યું હતું.

                સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહિત્યકાર શ્રી મેઘાણીના જીવનકવન પર દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેનો દર્શકોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે શ્રી મેઘાણીજી રચીત પુસ્તકોના સેટ જિલ્લા તેમજ તાલુકા ગ્રંથાલયોને વિતરીત કરવામાં આવ્યા હતા.

                કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા શ્રી મેઘાણી રચિત ગીતોની ભાવસભર પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. જેનો દર્શકોએ રસ્વાસ્વાદ લીધો હતો.

                આ વેળાએ ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, ભાજપ આર્થિક સેલના સંયોજક શ્રી મહેશભાઈ ભટ્ટ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ,   જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ઝેડ.પી.પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોશી, પ્રયોજના વહીવટદાર શ્રી એમ.એન.નલવાયા, પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ  તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM