(૧) જ.તા. ૨૫-૯-૧૯૧૬ મથુરા જીલ્લાના “નગલા ચંદ્રભાન” નામના ગામમાં થયો. સ્વ. તા. ૧૧-૨-૧૯૬૮ મુગલસરાઈ રેલ્વે સ્ટેશન આયુષ્ય : ૫૧ વર્ષ
(૨) પંડિત દિનદયાળજીને ૧૯૫૧માં ભારતીય જનસંઘના સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ ૧૯૫૩ થી ૧૯૬૭ ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી.
(૩) ૨૯-૧૨-૧૯૬૭ થી ૧૦-૨-૧૯૬૮ = ૪૪ દિવસ ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રદિપભાઇ ખીમાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ પ્રસંગે જણાવ્યું છે કેપંડિત દિનદયાળ ઉપાધ્યાયજી એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ટ સંગઠનકર્તા હતા. તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ હતા. તેમણે ભારતની સનાતન વિચારધારાને યુગાનુકૂળ રૂપમાં પ્રસ્તુત કરીને દેશને એકાત્મક માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી. તેમની ગણના તે આદર્શ મહાપુરુષોમાં કરવામાં આવે છે જેમણે વર્તમાન રાજનીતિને શુચિતા અને શુદ્ધતાના પાયા પર સ્થાપિત કરવાની પ્રેરણા આપી.
પંડિત દીનદયાળજી એ એવા એક નેતા હતા જેમણે જીવનભર ઈમાનદારી અને સત્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું. તેઓ ભારતીય જનસંઘ તથા ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક માર્ગદર્શન અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા. પંડિતજી તદન સરળ અને સૌમ્ય સ્વભાવના વ્યક્તિ હતા. રાજનીતિ ઉપરાંત સાહિત્યમાં પણ તેમની અભિરૂચિ હતી.
તેમનો એકાત્મક માનવવાદ સર્વપ્રથમ ૧૯૬૪માં જનસંઘના ગ્વાલિયર અધિવેશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો અને પછીના વર્ષે ૧૯૬૫માં વિજયવાડા અધિવેશન માં તેનો સ્વીકાર કરવામાં આવ્યો. દેશને ‘એકાત્મક માનવવાદ’નો વિચાર એ પંડિત દિનદયાલજીની શ્રેષ્ઠતમ દેન છે. આ એક એવું ચિંતન
છે, જેનાં મૂળિયા ભારતના ભૂતકાળમાં છે, પરંતુ દ્રષ્ટિ ભવિષ્ય પર. તેઓ આ ચિંતનથી એક એવા રાષ્ટ્રનું નિર્માણ તથા વિકાસ કરવા માગતા હતા જેનાથી જે છે તે દેશ પોતાના સ્વત્વને ધ્યાનમાં રાખીને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વિકાસ સાધી શકે.
તેમનું કહેવું હતું કે આપણી સંસ્કૃતિ અને પરંપરામાં દુનિયાને આપવા જેવું શું છે તે જાણીએ અને વિશ્વની પ્રગતિમાં આપણો સહયોગ આપીએ. ઘણા વર્ષો સુધી આપણું બધું જ ધ્યાન સ્વાધીનતા સંગ્રામ તથા સ્વરક્ષણમાં રહ્યું. આથી આપણે દુનિયાનાં બીજાં રાષ્ટ્રોની હરોળમાં ઊભા નથી રહી શક્યા, પણ આજે જ્યારે આપણે સ્વતંત્ર છીએ ત્યારે આપણે ઓછપને પૂરી કરવી જોઈએ. આ જ વૈચારિક પૃષ્ઠભૂમિ પર દીનદયાળજીએ ‘એકાત્મ માનવવાદ’ની અવધારણા પ્રતિપાદિત કરી. આ એમના રાજનૈતિક ચિંતનની ફલશ્રુતિ છે, જેનું
કેન્દ્રબિંદુ મનુષ્ય છે. મનુષ્યનો સમગ્રતયા વિકાસ ધર્મના અવલંબન પર થાય છે. માણસનું માણસ માટેનું આ ચિંતન રાજનૈતિક નહોતું. આ એમની સાંસ્કૃતિક દ્રષ્ટિ હતી, કારણ કે તેઓ ભારતીય સંસ્કૃતિમાં પ્રગાઢ આસ્થા રાખનારા વિચારક હતા. તેઓ માનતા હતા કે આર્થિક ઇચ્છાઓની તૃપ્તિ તથા સંતુષ્ટિ ક્યારેય પૂર્ણ થતી નથી. એક ઇચ્છા પૂરી થાય છે, કે તરત જ બીજી ઇચ્છા જાગે છે. આ માટે તેઓ કહેતા હતા કે મનુષ્યને શરીર, મન, બુદ્ધિ અને આત્મા સાહિતની દ્રષ્ટિએ નીરખવો જોઈએ. રાષ્ટ્રચિંતક અને વૈશ્વિક વિચારક વિભૂતિ પંડિત દીનદયાળજીનો ધ્યેયમંત્ર ‘ચરૈવેતિ-ચરૈવેતિ’ હતો.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ સંવત ૧૯૭૩ના ભાદરવા વદ ૧૩ એટલે કે ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬નાં રોજ થયો. તેમનોજન્મ માતાના પિતાશ્રી શ્રી પંડિત ચુનીલાલ શુકલ કે જેઓ ધનકિયા ગામે સ્ટેશન માસ્તર હતા તેમને ત્યાં થયો.
પંડિત દીનદયાળજીએ સાત વર્ષની વયે માતા – પિતાનું સુખ ગુમાવ્યું હતું. અને તેમનું ભરણપોષણ તથા ઉછેર એમના મામા શ્રી રાધારમણ શુકલને ત્યાં થયો. આમ, એમને બચપણથી જ મુસીબતો અને પ્રતિકૂળ
પરિસ્થિતિઓનો સામનો કરવાની શરૂઆત થઈ ગઈ હતી. એમણે અજમેર બોર્ડની મેટ્રિકની પરીક્ષા સિકરની કલ્યાણ હાઈસ્કૂલમાંથી પસાર કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પ્રથમ આવ્યા. કાનપુરની સનાતન ધર્મ કોલેજમાથી બી.એ.ની પરીક્ષા પણ એમણે પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ કરી. ત્યારબાદ એમ.એ.નાં પ્રથમ વર્ષમાં ઉતીર્ણ થયા પરંતુ બીજા વર્ષની પરીક્ષા આપી ન શક્યા. આ જ અરસામાં કાનપુરમાં સને ૧૯૩૭ દરમ્યાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં સંઘકાર્યનો પાયો નાખનાર ભાઉરાવ દેવરસ સાથે તેમનો પરિચય એમને માટે રાષ્ટ્ર સમર્પિત જીવન જીવવાનું વૃત સ્વીકારવાની મહામંગળ ઘડી બની ગઈ. બુધ્ધિને લક્ષ્ય સાંપડ્યું અને એમની શક્તિઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યમાં વધુને વધુ ખૂંપતી ગઈ
૧૯૪૨ માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે લખીમપુર જીલ્લામાં નિયુક્ત થયા. તથા ત્યાની એક હાઇસ્કૂલમાં અધ્યાપક તરીકે માનદ સેવા પણ આપતા. ઉચ્ચ ચારિત્ર્ય તથા વ્યવહાર કુશળતાથી પ્રભાવિત થઈ શાળાના સંચાલકોએ એમને આચાર્ય તરીકે નિમવાની ઇચ્છા દર્શાવી પરંતુ દીનદયાળજીએ તેનો અસ્વીકાર કર્યો. ત્રણ વર્ષના સમયગાળામાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉતરપ્રદેશનાં સહપ્રાંત પ્રચારક બની ગયા. સને ૧૯૫૨માં જનસંઘની સ્થાપના થઈ ત્યાં સુધી એ જ ક્ષેત્રમાં સહપ્રાન્ત પ્રચારક તરીકે જવાબદારી સંભાળતા રહ્યા.
પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યું કે આ સમય દરમ્યાન પંડિત દીનદયાળજીએ સંઘ શાખાઓ વિસ્તારવાનું સંગઠન કાર્ય કર્યું અને જ્યારે ૧૯૪૮-૪૯ દરમ્યાન સંઘ ઉપર પ્રતિબંધ આવ્યો ત્યારે વચગાળાના સમયમાં એમણે સમાચારપત્ર તથા પુસ્તક પ્રકાશન અંગેનું સાહિત્યિક કાર્ય પણ સફળતાપૂર્વક કર્યું. આ સમયે જ તેમને બાળકો માટે સમ્રાટ ચંદ્રગુપ્ત અને તરુણો માટે જગદગુરુ શંકરાચાર્ય પુસ્તકો લખ્યા. તદુપરાંત ‘રાષ્ટ્રધર્મ’ (માસિક) અને ‘પાંચજ્ન્ય’(સાપ્તાહિક)નું સંપાદન કર્યું. એમણે લખનઉમાં રાષ્ટ્રધર્મ પ્રકાશન લિમિટેડ નામની સંસ્થા પણ આ અરસામાં સ્થાપી.
ભારતની રાજનીતિમાં કોંગ્રેસની રાષ્ટ્ર વિઘાતક અને દીર્ઘદ્રષ્ટિવિહિન નીતિને કારણે પાકિસ્તાનનું નિર્માણ થયા પછી કોંગ્રેસમાં સતાના રાજકારણની હોડ શરૂ થઈ. દેશના આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક વિગેરે ક્ષેત્રોમાં પતનનાં લક્ષણો વર્તાવા માંડ્યા. આવી સ્થિતિમાં રાજકારણનાં ક્ષેત્રે નવી નેતાગીરીની જરૂર જણાઈ. આ આવશ્યકતાની પૂર્તિ માટે સને ૧૯૫૧માં ડો. શ્યામપ્રસાદ મુખરજીનાં નેતૃત્વ નીચે અખિલ ભારતીય જનસંઘની સ્થાપના અંગે વિચાર ચાલતો હતો. ત્યારે પંડિત દીનદયાળજીને તે જ્વાબદારી સોંપાઈ અને ૨૧મી સપ્ટેમ્બર ૧૯૫૧ નાં દિવસે દિલ્હીમાં ડો. શ્યામપ્રસાદ મુખરજીના નેતૃત્વ તળે અખિલ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. સને ૧૯૫૨માં જનસંઘનું પ્રથમ અખિલ ભારતીય અધિવેશન કાનપુરમાં ભરવામાં આવ્યું, પંડિત દીનદયાળજીની સંગઠન કુશળતાને લીધે આ અધિવેશન અત્યંત સફળ નિવડ્યું અને આ અધિવેશનમાં જ પંડિત દીનદયાળજીને રાષ્ટ્રીય મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું. જે તેમણે જનસંઘનાં કાલિકટમાં ભરાયેલ ૧૪માં ઐતિહાસિક અધિવેશન(જાન્યુ-૧૯૬૮) સુધી નિષ્ઠાપૂર્વક સંભાળ્યું અને ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮નાં દિવસે તેમનો મૃતદેહ મુગલસરાય સ્ટેશનના યાર્ડમાથી મળી આવ્યો. આ ઘટના પાછળનું ષડયંત્રનું રહસ્ય આજ દીન સુધી જાણવા મળ્યું નથી.
જનસંઘની કાર્યકારિણીએ શ્રધ્ધાંજલિ અર્પિત કરતાં કહ્યું ccથોડા જ વર્ષોમાં દેશના રાજનીતિક જીવનમાં જનસંઘે જે પ્રમુખ સ્થાન પ્રાપ્ત કર્યું તેનું શ્રેય જો કોઈ એક જ વ્યક્તિને હોય તો તે ઉપાધ્યાયજીને છે. cc પંડિતજીના ઉતરાધિકારી શ્રી અટલબિહારી બાજપાયીજીએ કહ્યું ccએક દીપક બૂજ ગયા ઔર ચારો ઔર અંધેરા હૈ શ્રી ઉપાધ્યાય દૂરદ્રષ્ટિવાલે થે ઔર સંપૂર્ણ દેશ કા વિચાર કારનેવાલે થે વે મૌલિક વિચારક, કુશલ સંગઠનકર્તા ઔર સબકો સાથ લેકર ચલને મેં પ્રવીણ થે. જનસંઘ બનાને કા શ્રેય ઉન્હી કો હૈ. cc
પ્રદિપભાઇ ખીમાણીના જણાવ્યા પ્રમાણે દીનદયાળજીનો મૂળ સ્વભાવ સંઘ પ્રચારકનો જ હતો. સંઘકાર્યની પ્રારંભિક અવસ્થામાં તેમણે જે કઠીનાઈઓનો સામનો કર્યો હતો તેની આજ કલ્પના પણ ન થઈ શકે. ગોલાકર્ણનાથના લોકોએ તેમણે ભાડાભૂજાની દુકાન ઉપરથી ચણા ખરીદી કેટલાય દિવસ સુધી નિર્વાહ કરતા
જોયા છે. મુહમદી ગામના લોકોએ તેમને દુકાનદારનાં દુકાનોના ઓટલા ઉપર રાતો વિતાવતા પણ જોયા છે. સ્ટેશનથી ગામ સુધી ઘોડાગાડી વાળાએ બે પૈસા વધુ માંગ્યા તો બે પૈસાની બચત કરવા માટે વરસાદમાં પલળતા દીનદયાળજીગામ સુધી ચાલીને પહોંચેલા પણ લોકોએ જોયા છે. બાહ્ય પરિસ્થિતિની પ્રતિકૂળતા તો હતી જ સાથે સાથે સ્વયં દીનદયાળજીની અનાસકત કર્મયોગી પ્રવૃતિ પણ મહત્વપૂર્ણ હતી. ત્યાર પછીના સમયમાં અનુકૂળતા હોવા છતાં ક્યારેય તેનો તેમણે લાભ ઉઠાવ્યો નહીં. પોતાના કપડાં સ્વયં ધોતા તથા ફાટે ત્યારે તેને સિવિ લેવાનું કાર્ય પણ સ્વયં કરતા. કોઈપણ જુતા તથા કપડાં બિલકુલ પહેરવાલાયક ન રહે ત્યાં સુધી બદલતા નહીં. સ્વદેશીનો આગ્રહ તેમણે પ્રત્યક્ષ આચરણમાં ઉતાર્યો હતો. સાર્વજનિક ધનનો ઉપયોગ સંન્યાસીની માફક કેટલી મિતવ્યયિતાથી કરવાનો હોય છે. તેનું આદર્શ ઉદાહરણ તેમણે પોતાના આચરણમાં પ્રસ્તુત કર્યું હતું.
સુખે દુ:ખે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુધ્ધાય યુજસ્વ…. તેમનો સ્વભાવ બની ગયો હતો. સંઘના આદેશ અનુસાર તેમણે રાજનીતિક ક્ષેત્રે પ્રવેશ તો કર્યો પરંતુ તેમની વૃતિ ccદુનિયા મેં હૈ દુનિયા કે તલબગર નહીં,બાઝાર કસે નિકલે હૈ ખરીદાર નહીં.cc જેવી નિર્લેપ હતી. શ્રી દીનદયાળજી રાષ્ટ્રની સમગ્ર પરિસ્થિતિઓનું તથા પ્રશ્નોનું ગહન ચિંતન કરતા એક મહાન ચિંતક હતા. જે તેમના વિચારો તથા લેખોથી પ્રદિપ્ત થાય છે. તેમની વિચારધારાનું ફલક તેમના ચિંતન તથા લેખોમાં ઉજાગર થતા વિષયો રાષ્ટ્રજીવનની સમસ્યાઓ, બંધારણ, રાષ્ટ્રભાષા, અખંડ ભારત, રાષ્ટ્રીયતા, હિન્દુત્વવાદ, એકાત્મ માનદ દર્શન, ભારતની અર્થનીતિ, પ્રજાતંત્ર, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, પ્રજાતંત્રનું ભારતીયકરણ, શિક્ષણ, આધ્યાત્મ, ધર્મરાજ્ય, વિગેરે ઉપરનું
ગહન ચિંતન વિશે જો લખીએ તો પુસ્તકોના પુસ્તકો લખી શકાય તેટલું વિશાળ, વૈવિધ્યપૂર્ણ ચિંતન તેમની બહુમુખી પ્રતિભા ઉપસાવે છે, તેમના જીવન વિશે સંપૂર્ણ લખવું એ આપણે માટે એક ચેલેન્જ છે, શું લખવું ? કેટલું લખવું ? શેના વિશે ? કોઈ ક્ષેત્ર તેમણે બાકી નહોતું રાખ્યું.
પંડિતજી દ્વારા શ્યામ બહાદુર વર્માના એક પ્રશ્નના ઉતરમાં તેમની મન:સ્થિતિ ઉપર પ્રકાશ પાડી શકાય. શ્રી વર્માજીએ પુછ્યું: ccદીનદયાળજી, શું આપને લાગે છે કે, સતા પ્રાપ્ત કર્યા પછી કોંગ્રેસ જે પ્રકારે ભ્રષ્ટ થઈ ગઈ, તેવી રીતે ભારતીય જનસંઘ સતા પ્રાપ્તિ બાદ ભ્રષ્ટ નહીં થાય? cc પંડિતજીએ ઉતર આપ્યો, સતા સામાન્યત: ભ્રષ્ટ કરે છે. આ સંબધમાં પૂરેપૂરું ધ્યાન રાખવા છતાં જનસંઘમાં જો ભ્રષ્ટાચાર આવશે તો અમે તેનું વિસર્જન કરી બીજા જનસંઘનું નિર્માણ કરીશું અને તેનાથી પણ જો કામ નહીં બને તો ત્રીજા જનસંઘનું નિર્માણ કરીશું, આ ક્રમ ચાલતો જ રહેશે.ભગવાન પરશુરામે ૨૧ વાર રાજાઓનો સંહાર કર્યો હતો. આદર્શ રાજાના રૂપમાં અંતે શ્રી રામચંદ્ર આવ્યા, રામરાજ્યની સ્થાપના પછી પરશુરામ વનમાં ચાલ્યા ગયા અમે પણ અમારી નિર્માણ થયેલી સંસ્થાઓથી મોહ શું કામ રાખીએ? નાનું બાળક ગાજર સાથે રમતું રહે છે અને રમવા લાયક ન રહેતાં તે ખાઈ જાય છે. આપણા જહાથે નિર્માણ થયેલી સંસ્થાઓ પણ રાષ્ટ્રહિતના વિરોધમાં કાર્ય કરશે તો આવીસ્વનિર્મિત સંસ્થાનો નાશ કરવો એ આપણો ધર્મ છે. રાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ છે. સંસ્થા નહીcc
પ્રદિપભાઇ ખીમાણી વધુમાં જણાવે છે કે ફેબ્રુઆરી ૧૯૫૬ દરમિયાન પ્રથમ સપ્તાહમાં પંજાબ જનસંઘ સમિતિ સમક્ષ બોલતા શ્રી દિનદયાળજીએ કહ્યું હતું કે,ccઆપણા પક્ષના જન્મથી જ અમે લોકો નિરંતર માનતા આવ્યા છીએ કે હિન્દુ રાષ્ટ્રવાદનું જ બીજું નામ ભારતીય રાષ્ટ્રવાદ છે. ઉપરોક્ત વિચારને વર્તમાન ભાજપમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે ઓળખીએ છીએ. cc
૧૬૦ સદસ્યોવાળી રાજસ્થાન વિધાનસભામાં પ્રથમ મહાનિર્વાચન પછી વિપક્ષના ૭૭ વિદ્યાયકોએ એકત્ર થઇ એક સંયુક્ત વિદ્યાયક દળ બનાવ્યું. જેમાં જનસંઘના આઠ વિદ્યાયક હતા. તેમાંના શ્રી લાલસિંહને વિધાનસભાના ઉપસભાપતિ બનાવવામાં આવ્યા. આ જૂથે ભૂમિ- સુધારાનો વિરોધ કરવાનું નક્કી કર્યું. કારણ કે, આ જૂથના બહુસંખ્ય સદસ્ય જમીનદાર જાગીરદાર હતા. આ જૂથની આ ભૂમિકાના કારણે આ સંકટ સ્પષ્ટ દેખાઈ આવવા લાગ્યું કે જનસંઘની છબી પણ
જમીનદાર જાગીરદાર ના પક્ષની બની જશે. જનસંઘ માટે આ સિદ્ધાંતનો પ્રશ્ન હતો. આ વખતે દીનદયાળજીએ કહ્યું કે,ccપ્રગતિશીલ જનસંઘનું પ્રતિક્રિયાવાદી વિપક્ષી જૂથ સાથે રહેવું અસંભવ છે. cc આઠ વિધાનસભ્યોને આ જૂથ છોડી દેવા આદેશ આપ્યો. આઠમાંથી ત્રણે તેમના આદેશનું પાલન કર્યું. બાકીના પાંચે આદેશનું પાલન
કરવા ઈનકાર કર્યો. જનસંઘના મહામંત્રીનાનાતે પંડિતજીએ આ પાંચ વિધાનસભ્યોને કે જેઓ જમીનદારોની તરફેણ કરતા હતા. તેમને પક્ષમાંથી હાંકી કાઢયા કારણકે, જનસંઘની લોકાભિમુખ પ્રતિભા જાળવી રાખવાની જવાબદારી પંડિતજીની હતી. તાત્પર્ય એ કે ધ્યેય, નિષ્ઠા તથા શુદ્ધતાની આવશ્યકતા હોય ત્યાં કઠોર રીતે વર્તવાનું સામર્થ્ય તેમનામાં હતું.
સને ૧૯૬૩ માં જૌનપુર લોકસંભાની પેટા ચૂંટણી આવી. જનસંઘના ઉમેદવાર તરીકે પાર્ટીએ દીનદયાળજીને ઊભા રાખવાનો નિર્ણય કર્યો. કારણ કે, દીનદયાળજી અત્યંત લોકપ્રિય હતા. આ ચૂંટણીમાં જ્ઞાતિવાદનું સામ્રાજય હતું. કાર્યકર્તાઓએ જ્ઞાતિવાદ ઉપર ચૂંટણી જીતવાનું નક્કી કર્યું, તે જ્ઞાતિના આગેવાનોને બોલાવીને બેઠક કરી, ને તેસભામાં દીનદયાળજીને લઈ ગયા. તો દીનદયાળજીનો શાંત ચહેરો એકદમ ઉશ્કેરાઈ ગયો. ગરમ થઈ ગયા અને બોલ્યા, ” મારે એવો વિજય જોઈતો નથી, આનાથી હારી જવું વધારે સારું છે. જ્ઞાતિવાદના નામે હું સિધ્ધાતોનું બલિદાન આપવા માંગતો નથી, કોઈપણ રાજકીય પાર્ટીના જીવનમાં પેટા ચૂંટણી બહુ મહત્વની નથી, મહત્વના છે પાર્ટીના સિદ્ધાંતો. જો આપણે બધા ચૂંટણીમાં જાતિવાદના ભૂતને મહત્વ આપીશું તો ભાવિમાં હિન્દુ સમાજને એક તકતા ઉપર નહીં લઈ શકીએ. ને આમ કરવાથી કદાચ વિજય મળશે પણ દેશને સૌથી મોટું નુકસાન કરીશું. કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે જ્ઞાતિના નામે મત માંગવા કરતા મારે પક્ષને બંધ કરી દેવો સારો.”
છેલ્લે પરિણામ એ આવ્યું કે દીનદયાળજી ચૂંટણીમાં હારી ગયા. ને જાતિવાદના જોર ઉપર જ સામેનો ઉમેદાવાર જીતી ગયો. પ્રદિપભાઈ ખીમાણીએ ઉમેર્યું કે પંડિત દીનદયાળજી રાજકીય દાવપેચોથી દૂર રહેતા હતા ને ગરીબો પ્રત્યે તેઓના મનમાં રપષ્ટ ખ્યાલ હતો.. તેઓ માનતા હતા કે, ” ગંદા કપડાં પહેરીને ઝૂપડપટ્ટીઓમાં રહેતા આ ગરીબ, અભણ લોકો આપણાં ભગવાન છે. આપણે તેઓની પૂજા કરવી જોઈએ. આજ આપણો સામાજિક અને માનવધર્મ છે.
પંડિત દીનદયાળજી માનતા હતા અને કહેતા પણ હતા કે કેવળ યોગ્ય વિચારોનું નિર્માણ, વિકાસ, પ્રતિપાદન તથા આ અંગે જે પ્રક્રિયાઓ હતી, તેમાં પ્રત્યેક કાર્યકર્તાના પ્રયાસપૂર્વક નિર્માણ., આ પ્રકારે સંસ્કારિત કાર્યકર્તા પ્રત્યેક સ્તર ઉપર એક ટીમ બનાવવી, આવા કાર્યકર્તાઓના માધ્યમથી જનસંર્પક, જન-જાગરણ, જનશિક્ષા, જનસંગઠન તથા જનઆંદોલન વિગેરે કાર્યક્રમો કરતા કરતા તેના ફળસ્વરૂપ એક બાજુ પક્ષના વૃક્ષના મૂળ જમાવતા રહેવું તથા બીજી બાજુ લક્ષ્ય પ્રાપ્તિને આકાશ પ્રતિ તેની શાખાઓ અધિકાધિક ઉચે લઈ જવી તે રહી. પ્રદિપભાઇ ખીમાણીના જણાવ્યા પ્રમાણે પંડિતજીના માર્ગદર્શન અને નેતૃત્વ નીચે શરૂ થયેલ ભારતીય જનસંઘની વિચારયાત્રાને વર્તમાન સમયમાં દેશના સપુત અને મજબૂત નેતૃત્વ પુરૂ પાડી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા આગળ વધારવામાં આવી રહેલ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાજીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેવી જ રીતે ગુજરાતનાં સવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી કોરોનાની મહામારીમાં પણ શ્રેષ્ઠ કાર્ય કરી લોકોની સેવા કરી રહેલ છે.જનસંઘ તથા ભારતીય જનતા પાર્ટીનો સંસદીય ઈતિહાસ
| લોકસભા ચુંટણી | ગુજરાત વિધાનસભા ચુંટણી | ||
| વર્ષ | મેળવેલ બેઠક | વર્ષ | મેળવેલ બેઠક |
| 1952 | 3 | 1967 | 1 |
| 1957 | 4 | 1972 | 3 |
| 1962 | 14 | 1975 | 18 |
| 1967 | 35 | 1980 | 9 |
| 1971 | 22 | 1985 | 11 |
| 1977 | 95 | 1990 | 67 |
| 1980 | 31 | 1995 | 121 |
| 1984 | 2 | 1998 | 117 |
| 1989 | 96 | 2002 | 127 |
| 1991 | 127 | 2007 | 117 |
| 1996 | 161 | 2012 | 115 |
| 1998 | 182 | 2017 | 99 |
| 1999 | 182 | ||
| 2004 | 138 | ||
| 2009 | 116 | ||
| 2014 | 282 | ||
| 2019 | 303 |
પંડિત દીનદયાળજીનીજન્મજયંતિએ પ્રદિપભાઈ ખીમાણીના ભાવપૂર્વક વંદન.


