વલસાડ જિલ્લાના તમામ ગામોમાં તા.2 ઓક્ટોબર, 2021ને મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે ‘જલ જીવન મિશન’ અંતર્ગત તા. 2/10/2021 ના રોજ સવારે 10:00 કલાકે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાના હનમતમાળ ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પૂ. મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભા યોજાઇ હતી. આ ગ્રામસભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરૂવાની પણ ઉપસ્થિત રહયા હતા.અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, પૂ. મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા જેથી આપણે પણ આપણી આજુબાજુ સ્વચ્છતાનું ઘ્યાન રાખવું પડશે. જો સ્વચ્છતા હશે તો તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. મહાત્મા ગાંધીના વિચાર અનુસાર જયાં સુધી પ્રશાસન છેલ્લા પગથિયા પરના માણસનો વિચાર નહિં કરશે ત્યાં સુધી દેશનો વિકાસ સંભવ નથી એમ જણાવી વલસાડ જિલ્લાનું પ્રશાસન તમારી પડખે છે એમ જણાવ્યું હતું. ભારત સરકારના ‘જલ જીવન મિશન’ અંતર્ગત દરેક ગામોમાં 100 ટકા વેકસીનેશન અંતર્ગત હનમતમાળ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ર્ડા. નીરવ પટેલે ગામમાં થયેલ વેકસીનેશનની માહિતી આપી હતી. જે મુજબ ગામની 3000 ની વસતી સામે 2400 વ્યકિતઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણમાં ગામના લોકોનો સરસ સહયોગ મળ્યો છે એમ જણાવ્યું હતું. હનમતમાળ ગામમાં 2400 વ્યકિતઓએ પ્રથમ ડોઝમાં વેકસીનેશનમાં સહયોગ આપવા બદલ જિલ્લા કલેકટશ્રીએ ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા અને આ ગામનું 100 ટકા વેકસીનેશન કરવા માટે ગામલોકોને પ્રશાસન વતી ખાતરી આપી હતી. જિલ્લા કલેકટરશ્રીને 15 મું નાણાંપંચ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના 29 લાભાર્થીઓને આવાસોની કામગીરીની વિગતોથી ગ્રામવિકાસ એજન્સીના વિસ્તરણ અધિકારી અનિલભાઇ પટેલે માહિતગાર કર્યા હતા.ધરમપુર તાલુકાના ખોડા ગામે ગ્રામોત્થાનના કાર્યો કરતી લોકમંગલમ ટ્રસ્ટના શ્રી નીલમભાઇ પટેલે આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરૂવાનીનું ટ્રસ્ટના સભ્યશ્રીએ સ્મૃતિભેટ આપી સન્માન કર્યુ હતું. જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ આ ગ્રામસભામાં રસ્તાઓના કામો મનરેગામાં લેવા બાબત, મીની આંગણવાડીમાં હેલ્પરની જરૂરિયાત, ગામમાં નેટવર્કના ટાવરોની ક્ષમતા વધારવા, સજની બરડા ગામે ગામની ગર્ભવતી બહેનોને પ્રસૂતિ સમયે 108 એમબ્યુલન્સની જરૂર હોય ત્યારે ઠેઠ સજની બરડા ગામ સુધી રસ્તાની સુવિધા ન હોઇ, ગામ સુધી 108 ની એમબ્યુલન્સ પહોંચે તે રીતની વ્યવસ્થા કરવાના ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેનો યોગ્ય નિરાકરણ કરવા માટે ખાતરી આપી હતી. જિલ્લા પંચાયત વલસાડના સદસ્યશ્રી કાકડભાઇ પૂર્વ સદસ્યશ્રી ઝીણાભાઇ પવારે પ્રાસંગોચિત વકતવ્યમાં વેકસીનેશન બાબતે ગ્રામજનોને સમજણ આપી હતી. આ ગ્રામસભામાં ધરમપુરના પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઇટાલીયા, ધરમપુર મામલતદારશ્રી હરીશભાઇ પટેલ, સરપંચશ્રી ધાકલભાઇ અને સંબધિત અધિકારીઓ તેમજ ગ્રામજનો હાજર રહયા હતા.





