સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૧૬૩ દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે કુલ રૂા.૩૧.૩૪ લાખના ખર્ચના વિવિધ ૨૧ સાધનો સહિત કુલ-૨૫૦ સાધન સહાયનું કરાયું વિતરણ
“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થીઓને યુનિક કાર્ડ, બસપાસ અને વૃદ્ધ માસિક પેન્શનનો મંજૂરી હુકમ એનાયત
રાજપીપલા
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા એન્જીનીયર્સ ઇન્ડિયા લી. (EIL) ની સામાજીક જવાબદારી (CSR) કાર્યક્રમ અંતર્ગત એલ્મિકો-ભારત સરકારના ઉપક્રમે તથા નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી નાંદોદ તાલુકાના વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે નર્મદા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને “સ્વનિર્ભર તથા આધુનિક જીવન જીવવા પ્રેરણા તેમજ સહયોગ થવા સહાયરૂપ” એક દિવસીય દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પના યોજાયેલા કાર્યક્રમને છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, શહેરના અગ્રણીશ્રી રમણસિહ રાઠોડ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, એલ્મિકો કંપનીના જુનિયર મેનેજરશ્રી મૃદુલભાઈ અવસ્થી સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, લાભાર્થી દિવ્યાંગજનો વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ જેવું સન્માનજનક નામ આપ્યું છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે, તેની સાથોસાથ દિવ્યાંગ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થવાથી તેઓ સશક્ત બન્યાં છે. દિવ્યાંગ લોકો આત્મસન્માનથી જીવી શકે તેવો આ સરકારનો અભિગમ છે. આત્મનિર્ભર અને આધુનિક પરિસ્થિતિમાં જીવનનિર્વાહ કરી શકે તે હેતુસર સંતસુરદાસ યોજના, દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય યોજના અમલમાં મુકીને દિવ્યાંગોને સરકાર મદદ કરી રહી છે. શ્રીમતી રાઠવાએ વધુમાં ઉમેર્યું હતું કે, દિવ્યાંગજનોને કુદરતે અમુક પ્રકારની ખામી આપી હશે પરંતુ તેની સામે અનેકગણી આવડત આપી હશે જેનો મક્કમતાથી ઉપયોગ કરીને સફળ બની શકે છે. સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈને દેશના દિવ્યાંગોએ નામના મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતુ. ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ દિવ્યાંગજનો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સરકારી કચેરીઓમાં દિવ્યાંગજનોને સરળતાથી લાભો મળી રહ્યાં છે. વિવિધ યોજનાઓનો લાભ દિવ્યાંગોએ અવશ્ય લેવો જોઈએે. દિવ્યાંગોને કુદરતે અનેક પ્રકારની આગવી શક્તિ આપી હોય છે તેનો મકકમતાથી ઉપયોગ કરીને જીવનને ઉજાગર કરી શકાય છે. દિવ્યાંગજનો આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગરૂડેશ્વરના સાંજરોલી ગામના દિવ્યાંગ લાભાર્થી સુશ્રી રંજનબેન તડવીએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, મારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો મને ખૂબ જ મુશ્કેલ પડતી હતી પરંતુ સરકારશ્રી દ્વારા મને ઇલેક્ટ્રિક વ્હિકલ આપવામાં આવી છે. તેથી હવે હું મારા કામો સરળતાથી કરી શકીશ. આ લાભ ઘર આંગણે જ મળ્યો હોવાથી આ તકે રંજનબેને સરકાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેવી જ રીતે અમદાવાદના વતની અને હાલ રાજપીપલાની અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં મદદનીશ અધ્યાપક તરીકે ફરજ બજાવતા સુશ્રી રિધ્ધીબેન સોનીએ જણાવ્યું હતું કે, મારે ઘણી વખત બહાર જવાનું થતુ હતું, ત્યારે મારી પાસે સાદી સ્ટીક હતી એટલે ઘણી મુશ્કેલી પડતી. પરંતુ આજે સેન્સર બેઇઝ્ડ સ્ટીક મને આપવામાં આવી છે જેના થકી કોઈના પણ સહારા વગર હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશ. તેની સાથોસાથ સ્માર્ટ ફોન પણ આપ્યો હોવાથી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધારે જ્ઞાન મેળવવામાં મને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે અંદાજે કુલ રૂા.૩૧.૩૪ લાખના ખર્ચે નર્મદા જિલ્લાના ૧૬૩ દિવ્યાંગ લાભાર્થીઓને મોટોરાઈઝ્ડ ટ્રાયસીકલ, એક્સિલા ક્રચ, ફોલ્ડીગ વ્હીલચેર, સાંભળવાનું મશીન, સ્માર્ટ કેન, વોકીંગ સ્ટીક, બ્રેઈલ કિટ્સ, સ્માર્ટ ફોન સહિત વિવિધ ૨૧ સાધન સહિત કુલ-૨૫૦ સાધન સહાયનું વિતરણ કરાયું હતું. તેની સાથોસાથ “નોધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત યુનિક કાર્ડ, બસપાસ અને એક લાભાર્થીને વૃદ્ધ માસિક પેન્શનનો મંજૂરી હુકમ એનાયત કર્યો હતો. પ્રારંભમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એચ.એસ.નાયકાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં એલ્મિકો કંપનીના જુનિયર મેનેજરશ્રી મૃદુલભાઈ અવસ્થીએ આભારદર્શન કર્યું હતું.





